Wednesday, 17 December 2025

સિરામિક ઉદ્યોગની ડૂબતી નૈયાને બચાવવા હ્રદય નો અંતિમ ઉદ્ગાર !!!




પ્રસૂતિની પીડા જણનારીને જ હોય, સુયાણીને નહીં !!! જેણે પીડા વેઠી હોય એ જ માર્ગદર્શન કરી શકે *બાકી જેણે દુઃખ જોયું જ નથી અને સોનાની ચમચી સાથે જન્મ્યા છે એ લેનલોર્ડ ઉદ્યોગકારો ક્યારેય ઉદ્યોગની પીડાને ઓળખી શક્યા નથી આ કડવું છે પણ હકીકત છે.*




પાંચ વર્ષ પહેલાં મોરબીની ધરતી પર મેં પ્રવેશ કર્યો ત્યારે ઉદ્યોગ તેજીના પ્રવાહમાં વહેતો હતો. *કોરોના કાળ પછીની તેજીએ આખા ઉદ્યોગજગતને જાણે પીડામુક્ત કરી દીધું હોય તેવો સુવર્ણકાળ સર્જાયો હતો.*



કારખાનાઓમાં ભઠ્ઠીઓની ધગધગતી જ્યોત, પોલિશિંગ લાઇનના સતત વાગતા સાયરન, સેઠિયાઓને થતી કરોડોની કમાણી, મજૂરોને સમયસર મળતા મહેનતાણાનો ઝગમગાટ, બેંકોને થતી કરોડો રૂપિયાના વ્યાજની આવક નો આનંદ, ટ્રકોની સતત લાઈનો અને બીજું ઘણું બધું જે જોતા લાગતું કે આ ઉદ્યોગના ભવિષ્યની સીમા જ નથી અને સિરામિક ઉદ્યોગને આવનારા વર્ષોના વર્ષો સુધી પડકારવો એ કોઈપણ સંજોગોમાં શક્ય નહીં બને. 




પરંતુ એ *તેજી અંદરથી ખોખલી હતી.

ગતિ હતી, પણ દિશા નહોતી; ઉમંગ હતો, પણ વ્યવહારુ સ્ટ્રેટેજી નહોતી.

અંધ વિશ્વાસ અને બાહ્ય ચમક વચ્ચે ઊંડો અંધકાર છુપાયેલો હતો* — જે થોડાં વર્ષોમાં સમગ્ર ઉદ્યોગને ઘેરી લેવાનો હતો.



મેં શરૂઆતથી જ આ અંધકારની ભનક અનુભવી હતી કારણકે *હેતુ વગરની ગતિથી પ્રગતિ શક્ય બનતી નથી.*



જે યુનિટમાં હું જોડાયો, ત્યાંથી લઈને ધીમે ધીમે જે ઉદ્યોગકારો સાથે સંપર્કમાં આવ્યો — દરેકને હું મારી ક્ષમતા મુજબ સમજાવવાનો પ્રયત્ન કરતો રહ્યો.

હું વિરોધ ફેલાવવા નહિ, ચેતવણી આપવા પ્રયાસ કરતો હતો.

પરંતુ *સુખમાં ડૂબેલો માણસ ઘણી વાર ‘પાછું વાળીને જોવા’ પણ નથી ઈચ્છતો, અને જેને જોવું જ નથી તેને સમજાવવા કેવી રીતે?*



મારા દરેક શબ્દ તેમનાં માટે ખોટા સમયે કરેલા વાણી વિલાસ અને મૂર્ખામી સમાન હતા. 

પ્રગતિની દોટમાં દોડતા ઉદ્યોગકારોને જોખમની દિશા બતાવતી મારી આંગળી અપ્રિય લાગતી.



મારા શબ્દોમાં ભવિષ્યમાં આવનાર દુઃખનો અણસાર હતો — અને સુખી માણસને દુઃખની ભાષા સુખના સમયે ઈશ્વર પણ સમજાવી શક્યો નથી; આ જ તો માનવ-પ્રકૃતિનો વિસંગતિ ભરેલો ખેલ છે.


ત્યાંથી સમય નીકળતો ગયો…

અને આજે?

એ જ લોકો આજે સંકટના વાવાઝોડામાં ઝઝૂમી રહ્યા છે.

*સિરામિક ઉદ્યોગના આશરે ૨૦-૨૫% યુનિટો સિવિયર ક્રાઈસિસનો સામનો કરી રહ્યા છે જેમાંથી હું જ્યાં જોડાયો એ પણ બાકાત નથી.* 


પરંતુ આ આંકડો અંતિમ નથી, જો આજનું વલણ જાળવી રાખવામાં આવશે અને અત્યારે ચાલતું વિચલિત અને અસમંજસ ભરેલું સ્ટ્રેટેજી વગર ઉદ્યોગ ચલાવવાનું ચકરડું ચાલું રહેશે તો આવનાર વર્ષોમાં આ ૨૦-૨૫% નો આંકડો એટલે જ રહેશે નહીં; આખી ઈન્ડસ્ટ્રી પોતાના જ ભાર નીચે દબાઈ જશે.


હું પોતે એ વાવાઝોડાનો ભોગ બની ચૂક્યો છું.

મારો ધંધો ગુમાવ્યો, પરિશ્રમ ગુમાવ્યો, સપના ગુમાવ્યા પરંતુ મનોબળ ગુમાવ્યું નથી. *મોરબીની એક માનસિકતા છે કે તૂટી જાય પણ વળ મૂકે નહીં; પણ હું એમાંનો નથી એટલે જાહેરમાં આત્મસન્માન પૂર્વક મારી નિષ્ફળતા સ્વીકારું છું કારણકે નિષ્ફળતાના કારણો સમજી સ્વીકાર કરવો એ જ સફળતાનું પ્રતીક છે અને સ્વીકારી લેવાથી ભાર હળવો થઈ જાય છે તે પણ અનુભવાય છે.*


હા, જંગ હારી ગયો છું, પરંતુ જિંદગી નહીં અને આ હિમંત કોઈ દાનમાં મળી નથી, સદગુરુની કૃપા અને માં બાપએ આપેલા માનસિક ટેકાના કારણે હજી અડીખમ છું. 


મારા જીવનના આ કઠોર અનુભવ વચ્ચે એક વાક્ય મારા અંતરમાં ઊંડે આલેખાઈ ગયું છે —

“જ્યારે ધંધાનો સેનાપતિ પોતાના સૈનિકના શબ્દોને સમજવા તૈયાર નથી રહેતો, ત્યારે તે સેનાનું ભવિષ્ય ક્યારેય સલામત રહેતું નથી.” આ વાત દરેક ડિસિઝન મેકરને લાગુ પડે છે. 


ઉદ્યોગકાર સેનાપતિ છે,અને સ્ટાફ, સલાહકારો, માર્કેટિંગ ટીમ, હકીકતે કાર્ય કરતા લોકો એના સૈનિકો છે. 


જે દિવસે સેનાપતિને પોતાના જ સૈનિકોના શબ્દો ‘નગણ્યા’ લાગવા લાગે,એ દિવસથી સેનાનું પતન નિશ્ચિત થઈ જાય છે.

મોરબીના અનેક ઉદ્યોગો એ જ ભૂલનો ભોગ બની રહ્યા છે.


*અહંકારનો પથ્થર જ્યારે કાન પર જામે, ત્યારે સત્યનો ઘંટનાદ સંભળાતો બંધ થઈ જાય છે.*


હું આ બધું કેમ લખું છું?

કારણ કે મારી વેદના વ્યક્તિગત નથી.

*મેં જે ગુમાવ્યું છે તે પાછું લાવી શકાતું નથી, પરંતુ હું આ શબ્દોથી બીજાની નૈયા ડૂબે નહીં તેવું ઈચ્છું છું.*


મારા દ્વારા ગયા વર્ષોમાં વ્યક્તિગત રીતે કે જાહેરમાં લખવામાં આવેલા મેસેજ કે કરવામાં આવેલી ટકોર મારો ટાઈમપાસ નહોતો કે વ્યક્તિગત પ્રશંસાની ભૂખ કે કોઈ રાજકીય અભરખાની ઈચ્છા નહોતી, એ ઉદ્યોગને બચાવવા એક અર્થપૂર્ણ પ્રયત્ન હતો, પ્રાર્થના હતી, ચેતવણી હતી પરંતુ કટુ સત્ય એ છે કે મારી એ પ્રાર્થના કે પ્રયત્નને કાયમ મૂર્ખામી માનવામાં આવી. 


*હજી જો આવનારા સમયમાં સ્ટ્રેટેજી પૂર્ણ વ્યવસાયનીતિ, ઉધારી બંધ કરવા સામે ઝુંબેશ અને સામૂહિક માર્કેટિંગ સ્ટ્રેટેજી ઉપર ફોકસ કરવામાં નહીં આવે તો આજે હું ભોગ બન્યો એમ આવનારા સમયમાં લગભગ કોઈ બાકાત નહીં રહે.*


જો તમે આ વાંચીને દુઃખ અનુભવો તો એ સંવેદનાનો પ્રથમ સ્પર્શ છે.પરંતુ તે ક્ષણે તમારી જાતને પ્રશ્ન જરૂર પૂછજો કે, 

“આ જે હું વાંચી રહ્યો છું, તે લખનારએ કેટલું જીવીને લખ્યું હશે?”


*હું આ શબ્દો કોઈ માન કે પ્રતિષ્ઠા માટે લખતો નથી પરંતુ આ લેખ સિરામિક ઉદ્યોગની ડૂબતી નૈયાને બચાવવા મારા હ્રદય નો અંતિમ ઉદ્ગાર છે.*


*જો ઉદ્યોગકારો આજેય નહીં જાગે અને આવનારા સમયમાં એ જ હેતુ વગરની ગતિ, એ જ ગેરવલણ, એ જ ભાવયુદ્ધ ચાલુ રહેશે તો આ ઉદ્યોગનો ઈતિહાસ ફરીથી લખાશે, પણ એ ઈતિહાસ ગૌરવનો નહીં પતનનો હશે.*


અંતે મારી આશા માત્ર એટલી જ છે —

કે મારા આ શબ્દો ભઠ્ઠીઓની ગરમીમાં ઓગળી ન જાય અને પોલિશિંગ લાઇનના સાયરન વચ્ચે દબાઈ ન જાય, બજારના ભાવયુદ્ધમાં હારી ન જાય પણ કોઈ એક ઉદ્યોગકારના હૃદયમાં ચેતનાનો દીવો પ્રગટાવે જે આ ઉદ્યોગને ફરી ગૌરવપૂર્ણ બનાવી શકશે. 


જો એક વ્યક્તિ પણ સાચી દિશા તરફ પાછો વળશે તો મારી વેદના વ્યર્થ નહીં જાય કારણકે પાછો વળેલો દરેક વ્યક્તિ પોતાની વ્યક્તિગત જવાબદારી સમજી નિષ્ઠાપૂર્વક એકતા જાળવી રાખવાનું કામ કરશે તો જ સામૂહિક ફાયદો થશે. 


જો આ લેખ આવનારા સમયમાં ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવામાં મદદરૂપ થશે તો *મારા "નાશ" ને પણ આખા ટ્રેડને "વિનાશ" માંથી ઉગારવાનું કર્મફળ માનીશ.* 


ખેર, સિરામિકનો વ્યવસાય છોડી દીધો છે પણ આપ સૌ સાથેના સંબંધો કાયમ અકબંધ છે અને રહેશે. મારા સારા - નરસા સમયમાં જેણે જેણે મને ધૂળની એક મુઠ્ઠી જેટલી ય મદદ કરી છે એ બધાને વંદન અને અભિનંદન સહ, સૌને જય શ્રી રામ !!! 


હજી કહું છું - જાગી જજો ! એકતા જ બચાવજે 🙏🏻


✍️ ઉત્તમ ત્રાસડીયા ૧૭.૧૨.૨૦૨૫ 

Sunday, 14 December 2025

રિવ્યૂ - ધુરંધર ; “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું”

 


“ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું”

વાહ !!!! 

એક એવો ડાયલોગ જે આખી ફિલ્મનો સારાંશ છે . ફિલ્મ જોતા જ દિલની અંદર ઊંડે સુધી અસર કરે એવો આ ડાયલોગ છે.


નાગરિકોની વિશ્વસનીયતા અને જીવની સુરક્ષા જાળવવા માટે કંધાર હાઈજેકના આતંકવાદીઓને છોડવા પડ્યા એ ભારતની મજબૂરી હતી પરંતુ ત્યારબાદ ઘરમાં ઘૂસીને બદલો લેવાની ભારતની હિંમત અને ક્ષમતા એ સરકારની મજબૂત ઇચ્છાશક્તિ અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ છે.


ફિલ્મ જોતા જ ભારતીય સુરક્ષા એજન્સીના વફાદાર એજન્ટ્સ માટે માન આપોઆપ બે ગણું થઈ જશે. વિદેશી ધરતી પર અસહ્ય પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય જાસૂસો કેવી રીતે પોતાની પકડ મજબૂત રાખે છે અને દેશની સુરક્ષા માટે સતત સંઘર્ષ કરે છે તે દ્રશ્યો અત્યંત અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. પોતાની આંખો સામે પોતાની જ ટીમના સાથી પર શારીરિક અત્યાચાર થતો હોવા છતાં પથ્થર દિલ બની, મક્કમ મનોબળ અને બદલો લેવાની ક્ષમતા જાળવી રાખવી "આ કોઈ કાયરનું કામ નથી."


પ્રથમ નજરે આ દ્રશ્યો માનવતા મરી પરવારી હોય એવો આભાસ કરાવશે પરંતુ પરિસ્થિતિ અને કારણનું ઊંડું અવલોકન કરશો તો સમજાશે કે દુશ્મનનો મિત્ર બનીને દુશ્મનને જ ખતમ કરવાની રણનીતિ સામાન્ય વિચારશક્તિ કે ક્ષુલ્લક બુદ્ધિથી શક્ય નથી.


“યે નયા ભારત હૈ, જો ઘર મેં ઘૂસકર મારતા હૈ”લખવામાં અને વાંચવામાં સરળ તથા વોટ્સએપ સ્ટેટસ માટે આકર્ષક લાગતી આ લાઇનને હકીકતમાં અમલમાં મૂકવા માટે કેટલું સહન કરવું પડે છે, તેનો ખરો અનુભવ કરવા માટે આ ફિલ્મ એકવાર જોવી જ જોઈએ.


ફિલ્મમાં ભારતની રાજનૈતિક સ્થિતિને પણ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. ડિપ્લોમેટ્સ અને ઇન્ટેલિજન્સ એજન્ટ્સ દ્વારા આપવામાં આવતી માહિતી ને હલકી રીતે લેવાથી કેટલું ગંભીર નુકસાન થઈ શકે છે તે બાબતને ખૂબ સરળ અને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી છે.


આ દેશના સૈનિકો અને પોલીસ તો વંદનને પાત્ર છે જ, પરંતુ મારું અંગત મંતવ્ય છે કે

“હદમાં રહીને લડવું કરતાં, હદ પાર જઈને લડવું વધારે અતિ કઠિન હોય છે.”


ઇન્ટેલિજન્સ ઓફિસર્સ અને RAW ટીમ માટે તો સાષ્ટાંગ દંડવત કરવાનું મન થઈ જાય એવું આ એક શાનદાર મૂવી છે. આવી અસરકારક ફિલ્મ બનાવવા બદલ તમામ કલાકારો અને સર્જક ટીમને અભિનંદન.


સુરક્ષા એજન્સીઓની કાર્યપદ્ધતિ, ભારતની આંતરિક સુરક્ષા, આંતરરાષ્ટ્રીય સંબંધો, રાજનીતિ, તર્કશક્તિ અને રહસ્યમય બાબતોમાં રસ ધરાવતા દરેક વ્યક્તિએ આ ફિલ્મ એક વખત અવશ્ય જોવી જોઈએ.


✍️ ઉત્તમ ત્રાસડીયા ૧૪.૧૨.૨૦૨૫ 

Monday, 17 November 2025

રિવ્યુ - "લાલો" શ્રી કૃષ્ણ સદા સહાયતે!

 


ગુજરાતી ફિલ્મ લાલો માત્ર એક સિનેમા નથી પરંતુ ઘરઘરમાં બનતી સત્ય ઘટનાનો અરીસો છે,અને સાથે સાથે ભગવાન કૃષ્ણ દરેક સંકટમાં કોઈ ને કોઈ રૂપે હાજર રહે છે, એવો શાંત સંદેશ પણ આપી જાય છે.


આખા ફિલ્મનું કેન્દ્ર છે લાલજી —

રીક્ષા ચલાવી પરિવારનો ગુજરાન ચલાવતો,

દિલથી સારો,

પરંતુ કરજ અને પરિસ્થિતિઓના ભારથી કંટાળી ગયેલો સામાન્ય માણસ.

ઘરે તુલસી જેવી સ્નેહભરી પત્ની,

અને ખુશી નામની ફૂલ જેવી દીકરી.

પરંતુ એક દિવસ કિસ્મત એવી દિશામાં વળી જાય છે કે ખુશીનું એક્સિડન્ટ થાય છે અને આખું ઘર હચમચી જાય છે.


દવાખાનાના બિલ, ઈલાજ, દવાઓ…

અને તે બધું પૂરું કરવા માટે લીધેલું કરજ.

કરજનું ભારણ વધતા લાલજીનું મન તૂટી પડે છે.

મિત્રોના રવાડે દારૂનો હાથ પકડે છે,

અંતે સમજણ  વધુ ગુમાવે  છે અને જીવન ખોટા રસ્તે જવા માંડે છે.


આ તોફાન વચ્ચે તુલસી એકલી ઊભી છે

ખુશીની સંભાળ, ઘરનો ભાર અને લાલજીની ચિંતા બધું એકસાથે.

તેણીના પિતા ગામના સરપંચ છે, પણ તુલસીએ ભાગીને લગ્ન કર્યા હતા તેના ઘરના ઘા આજે પણ ઠીક નહોતા થયા.

આખી ઘટના એ જ સમયે અદભૂત વળાંક લે છે, જ્યાં માણસની શક્તિ  પૂરી  થાય, ત્યાંથી ભગવાનની લીલા શરૂ થાય છે.


સમયના તોફાનમાં લાલો, એટલે કે ભગવાન કૃષ્ણ, માનવીના સ્વરૂપમાં શાંતિપૂર્ણ રીતે એક પ્રવાસી ના સ્વરૂપમાં પ્રવેશ કરે છે.

બોલ્યા વગર, ઘમંડ વગર, પ્રચાર વગર, દરેક વસ્તુનો જ્ઞાતા છતાં અજાણ્યો બની ને માત્ર કરુણા સાથે.


જ્યારે લાલજી સંપૂર્ણપણે ખોવાઈ જાય છે

અને ઘર છોડીને ચોરી ના રવાડે ભાગી જાય છે,

ત્યારે પરિવાર ભાંગી પડે છે.

તુલસીને સહારો જોઈએ, 

અને એ સમયે

ભગવાન ખરીદીના નામે

તુલસીને નોકરી અપાવવાની વ્યવસ્થા કરે છે.

એ નોકરી કંઈ મોટી નથી,

પણ જીવન નિર્વાહ  માટે તે પૂરતી છે.


આ દરમિયાન તુલસીના પિતા,

જેઓ દામાદથી વેર ધરાવતા હતા,

છતાં ખુશીની હાલત અને તુલસીના આંસુઓ જોયા બાદ પિતૃત્વના ભાવથી પિઘળી જાય છે.

આ છે કૃષ્ણની લીલા કે જે માણસના મનમાં યોગ્ય ભાવ જગાવે.


લાલજીને શોધવામાં કાયદો, રાજકારણ, સમાજ બધું કામે લાગે છે, પણ તેની પાછળ જે શક્તિ કામ કરે છે તે જ છે ભગવાન કૃષ્ણની અનુકંપા...  


લાલજી પાછો મળે છે, 

થાકેલો, તૂટેલો, અને બધી જ પરિસ્થિતિ થી ભાગી પડેલો ઈશ્વર ના આધારે જીવતા એક નવા જીવન સાથે ... કારણકે ભગવાન કૃષ્ણ માત્ર તેને પરિસ્થતિ માંથી બહાર કાઢે છે એવું નથી પણ ભૂલનો આભાસ પણ કરાવે છે જેથી નવા જીવનમાં સફળ થઈ શકાય... 


અને અંતે, 

જેવું એક કુટુંબ સ્વપ્નમાં પણ ન વિચારે

એવો મિલાપ થાય છે.

ગેરસમજ દૂર થાય છે.

સંકટો ઓગળી જાય છે.

પરિવાર એક બને છે.

ખુશી ફરી હસવા લાગે છે.

લાલજીનું જીવન નવી દિશા પકડે છે.

તુલસીનું હૃદય રાહતથી ધબકે છે.

પિતા પુનઃ બેટીને આશીર્વાદ આપે છે.


આ બધું જોઈને,

દરેક દર્શકના હૃદયમાં એક જ ભાવ ઊગે છે—

“હા… ઈશ્વર છે,,, 

માણસની વચ્ચે,

ઘટનાની વચ્ચે,

અને ભાગ્યની વેળામાં

લીલા કરતા રહે છે.”


લાલો માત્ર પાત્ર નથી.

લાલો એ ભગવાન કૃષ્ણનો સંદેશ છે—

કે માનવી કેટલો પણ તૂટી પડે,

ઈશ્વર આપણો સાથ ક્યારેય નથી છોડતા... 


અને બીજો મહત્વપૂર્ણ સંદેશ એવો આપે છે કે કોઈ વ્યક્તિ પાપી નથી કોઈ વ્યક્તિ પુણ્યાત્મા નથી, બધું પરિસ્થિતિ ને આધીન હોય છે. પરિવર્તનની ઇચ્છા ધરાવતો દરેક વ્યક્તિ વાલિયા લૂંટારા માંથી વાલ્મીકિ થઈ શકે.... 


✍️ ઉત્તમ ત્રાસડીયા ૧૭.૧૧.૨૦૨૫