Thursday, 5 September 2019

શિક્ષક દિવસ

શિક્ષકનું પ્રથમ કર્તવ્ય છે કે તે વિદ્યાર્થીઓ ને પરિસ્થિતિ ને દબાવી દેવાનું નહિ પણ સામનો કરવાનું જ્ઞાન આપે.
ભારતની આ આધુનિક પેઢીનું દુર્ભાગ્ય છે કે તેઓ સામનો કરવા ની બદલે પરિસ્થિતિ ને દબાવી દેવામાં માને છે.
એ દબાયેલો જ્વાળામુખી ક્યારેય પણ વિનાશ સર્જી શકે.

આજે આ આધુનિક યુગ માં ગણતર ના અભાવે અને  માત્ર પુસ્તકિયા જ્ઞાનને આધારે બાળકોનું માનસિક સ્તર દિવસે ને દિવસે નીચે આવી રહ્યું છે.
જ્યારે પરિસ્થિતિ સારી હોય ત્યારે જીરવતા અને જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે ઝઝૂમતા શીખવવામાં નહિ આવે તો આગામી સમય કાળરૂપ હશે.

માત્ર શિક્ષણ ને નહિ; સાથે સંસ્કાર ને પણ પ્રાધાન્ય મળે,
માત્ર ધર્મ ને નહિ; સાથે એના મર્મ ને પણ પ્રાધાન્ય મળે,
માત્ર સ્વચ્છતા ને નહિ; સાથે પવિત્રતા ને પણ પ્રાધાન્ય મળે એને ખરા અર્થ માં શિક્ષિત કહેવાય.

સમય ની સાથે પરિવર્તન પણ અનિવાર્ય છે, એ પરિવર્તન ને જૂની પેઢીઓ ની ટીકા ની નહિ પણ સહકારની અપેક્ષા હોય છે. વડીલો ના જરૂરી અનુભવો ના આધારે યુવા પેઢીઓમાં આવી રહેલું પરિવર્તન સ્વીકાર્ય બને એ જ સાચી શિક્ષા છે.

દુર્ભાગ્ય વશ ભારત ની આ કહેવાતી ધર્મપ્રેમી જનતા એ એવા મહાપુરુષોને ભૂતકાળ માં ગાળો આપી જે સત્ય આચરણ ના સિદ્ધાંતો ને સ્થાપવા માંગતા હતા. એમના વિચારો આજે વિશ્વવ્યાપી બન્યા છે પણ ભારત ની જનતા આજે પણ એ વિભૂતિઓને ઓળખી શકી નથી. જ્યાં સુધી આપણને આપણા જ પૂર્વજો નું, એમના વિચારો નું, ભૌગોલિક વારસા નું ગૌરવ નહિ હોય ત્યાં સુધી દેશ માં સ્વાભિમાનના, વિવેક ના, ભાઈચારા અને એકતા ના સગડ ક્યારેય જોવા નહિ મળે.

આજનું બાળક શિક્ષણથી કંટાળી ને આત્મહત્યા કરે, હિંસક શિક્ષણથી પ્રેરિત થઈ ને ગેર પ્રવૃતિઓ આચરે, બળાત્કાર અને અત્યાચાર જેવા ગંભીર ગુના નો શિકાર બને તો એ દેશની GDP (G- ગરીમા, D - દેશદાઝ  , P - પરંપરા) ક્યારેય ઉપર નહિ આવે.

દેશ ના આર્થિક, રાજકીય, સામાજિક, ભૌગોલિક, ધાર્મિક અને ઉદ્યોગિક વિકાસ નો પાયો શિક્ષણ છે.
જ્યાં સુધી પાયો મજબૂત નહિ બને ત્યાં સુધી ઇમારત ના ટકવાનો પ્રશ્ન કરવો એ જ મુર્ખતા છે અને એ પાયો મજબૂત કરવાની જવાબદારી શિક્ષક ની છે.

Author:

Uttam Trasadiya

Date: 05.09.2019

Email: uttam@uttamtrasadiya.in