Tuesday, 22 March 2022

રિવ્યુ: ધ કશ્મીર ફાઇલ્સ

 


“TheKashmirFiles” જોયા પછી જેટલી વખત એ દ્રશ્યો નજર સમક્ષ આવે એટલી વખત નિઃશબ્દ અને સ્તબ્ધ થઇ જવાય. 


બોર્ડર ઉપર તમે નક્કી કરી શકો કે તમારા દુશમન કેટલા છે અને કોણ કોણ છે કારણકે જેટલા દુશમન હોય એટલા તમારી સામે જ ઉભા હોય પરંતુ સમાજમાં તમારે દુશમન શોધવામાં ખુબ મુશ્કેલી પડે કારણકે પહેલો સગો બનેલો પાડોશી પણ તમારી વિરૂદ્ધ ગદ્દારોનો સાથીદાર ક્યારે બને તે નક્કી ન થઇ શકે. હમ ઔર તુમ ભાઈ - ભાઈ કહીને ગદ્દારોના સાથીદાર બનતા પાડોશીનું કડવું સત્ય એટલે "ધ કાશ્મીર ફાઇલ્સ"


પત્રકારત્વને સમાજનો નિષ્પક્ષ આધાર માનવામાં આવે છે. જયારે નીડરતા જતી રહે છે ત્યારે નિષ્પક્ષતા બચાવી શકાતી નથી. કહેવતમાં બોલવું ખુબ સારું લાગે કે "અડગ મન ના માનવી ને હિમાલય નડતો નથી" અને આવું બોલતા હોય ને અચાનક કુતરું પાછળ પડે પછી દીવાલ કુદવાની વીરતા બતાવનારા ય ઘણા જોવા મળે. એવા જ ડરેલા પત્રકારત્વનો સચોટ અને ધારદાર સાક્ષીરૂપ પુરાવો એટલે "ધ કાશ્મીર ફાઇલ્સ"


અંગ્રેજો વર્ષો પહેલા એવું માનતા હતા કે કોઈ દેશની વિરાસત, સઁસ્કૃતિ અને ઇતિહાસ નું પતન કરવું હોય તો ત્યાંના મૂલ્ય શિક્ષણ અને અભ્યાસને કાં તો બદલી નાખો અને કાં તેના મૂળ સ્વરૂપ ને નષ્ટ કરી નાખો જેથી આવનારી પેઢીને વાસ્તવિકતા થી દૂર કરવામાં સરળતા રહેશે. આજની પેઢીને મૂલ્ય શિક્ષણ, ઇતિહાસિક સત્ય અને કાશ્મીરી વિડમ્બણાઓની મૂળ હકીકતથી દૂર રાખવાનું પાપ કરનાર અમુક યુનિવર્સીટીઓના અભ્યાસ અને પ્રોફેસરોની નગ્ન વાસ્તવિકતાનું દર્શન એટલે "ધ કાશ્મીર ફાઇલ્સ"


જાપાનમાં એક વિદ્યાર્થીને પૂછવામાં આવેલું કે આ દેશને નુકશાન કરનાર સાથે તું શું કરે ??? એ રાષ્ટ્રવાદી વિદ્યાર્થીનો જવાબ હતો કે,"જો એ ગુનેગાર મારો પરમ મિત્ર હોય તો પણ કાયદાકીય રીતે કડક સજા અપાવવામાં સરકારને સમર્થન કરું, રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર રક્ષા સાથે છેડછાડ કરનાર ને જીવવાનો અધિકાર ન હોય." FRIENDSHIP BEFORE NATION પોલિસી ને વેગવંતી બનાવી મિત્રતા આગળ નીજી સ્વાર્થ ખાતર જુકનાર બેઈમાન નેતાઓની રૂડીને રૂપાળી દેખાતી છબી પાછળના કાળા દાગ એટલે "ધ કશ્મીર ફાઇલ્સ"


રાષ્ટ્રના કણ કણ અને રજ રજમાં રાષ્ટ્રીયતાનો વાસ હોવો જોઈએ. લખવા કે બોલવા ખાતર નહીં પરંતુ હૃદયસ્થ રાષ્ટ્રીયતા એને કહેવાય જેમાં તમામ ધર્મો અને તમામ લોકોને તમામ પ્રકારે સમાન અધિકાર હોય; રહેવાનો, જીવવાનો અને કામ કરવાનો. તમામ લોકોનું રહેવું, જીવવું અને કામ એ રાષ્ટ્રને સમર્પિત હોય. "આઝાદી - આઝાદી" ના નામે ખરી સ્વતંત્રતાનો ભોગ આપીને જન્નત જેવા કાશ્મીર ને જહ્નુમ બનાવનારા એ આતંકી તત્વોની દર્દનાક આતંકી પ્રવુતિઓની સત્ય કહાની એટલે "ધ કશ્મીર ફાઇલ્સ"


"ધ કશ્મીર ફાઇલ્સ" એ કોઈ ફિલ્મ નહીં પરંતુ રાષ્ટ્ર વિરુદ્ધ ઉભા કરવામાં આવેલા કરતૂતોની કહાની છે જેમાં ચોક્કસ સમુદાયને હાથો બનાવીને ભારત ઉપર પ્રહાર કરવાના પૂર્ણ પ્રયત્નો થયા. જેને ભારતીય હોવા પર ગર્વ છે, જેને ભારતીય વિરાસતનું ગર્વ છે, જેને રાષ્ટ્રને પરમ વૈભવ પર પહોંચાડવાની તમન્ના છે, જે ખરેખર પોતાના જીવ થી વધારે રાષ્ટ્રને પ્રેમ કરે છે તેવા તમામ ભારતીયો એ આ ફિલ્મ જોવું જ રહ્યું. 


કાશ્મીર ભારતની આન, બાન અને શાન છે અને રહેશે...

જય હિન્દ 🇮🇳 



- ઉત્તમ ત્રાસડિયા (21.03.2022)