“કાળગોજારો અકસ્માત – એક ચેતવણી”
બે-ત્રણ દિવસ
પૂર્વે અમદાવાદના એસ.જી. હાઈવે ઉપર થયેલા કાળગોજારા અકસ્માતે તમામ ગુજરાતીઓની ઊંઘ
હરામ કરી દીધી.
“ધરમ કરતા ધાડ”
પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું – અમદાવાદમાં.
ગાડી અને ટ્રક
વચ્ચે રાત્રે ૧૨.૦૦ વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં અચાનક જ મદદ માટે મસ મોટું ટોળું
રોડ ઉપર પહોચે છે, જેમને ખબર નહોતીકે મદદ કરવા આવેલા આપણે રહેવાના નથી અને પરિવાર
નિરાધાર થઇ જશે.
મદદે પહોચેલાઓ પૈકી
અમુક તો માત્ર અકસ્માત જોવા જ આવ્યા હોય તેમ પણ બને. તે બધા ઉપર અચાનક જ “મોટા
ઘરની ખોટી ઓલાદ” એ ૧૪૦ કિમી પ્રતિ કલાક ની ઝડપે ગાડી ચડાવી દીધી અને કુલ નવ યુવાનો
જે ખરેખર આશાસ્પદ નવયુવાનો હતા તેમના અકાળે અવસાન થયા.
નવ – નવ લાશોથી ચીખ
પોકારતો એ રોડ કેટલો બિહામણો બન્યો હશે, લોહીથી ખરડાયેલો પુલ કેટલો ભયાવહ બન્યો હશે, આ બધું નજરે જોયા પછી જે ત્યાં હાજર હશે તેમની અત્યારે મનોદશા કેટલી
ગંભીર હશે તેની કલ્પના માત્ર ધ્રુજારી છોડાવી દે છે.
કાયદાએ કાયદાનું
કામ શરુ કર્યું, સરકારે સહાય ની જાહેરાતો કરી, ગૃહપ્રધાન
સાહેબ ન્યાય અપાવવા બાબતે અતિ આક્રમક અને કડક થયા, સર્વે
સમાજના લોકોએ શ્રધાંજલિ કાર્યક્રમો કર્યા, જે બધું થવું જ
જોઈએ જે માનવતાની નિશાની સમું છે.
મુદ્દો એ
છે કે જવાબદાર કોણ?
વાંક કોનો ? આવી ઘટનાઓને રોકવા શું
કરવું ?
મન – મસ્તિક – મગજ
બધું સુન્ન હતું એટલે ત્રણ દિવસ તપ આ બાબતે લખવાનું કે બોલવાનું તો દુર માત્ર
વિચારથી પણ ધબકારો ચુકી જવાતો હતો.
આ
ઘટના માટે તથ્ય પટેલ જવાબદાર ?
રોડ ઉપર
નીકળેલા બિચારા નિર્દોષ યુવાનો જવાબદાર ? બધા ના માં – બાપ જવાબદાર ?
સરકાર કે
સીસ્ટમ કે નિયમો જવાબદાર ?
નિસ્વાર્થ
સેવાભાવના જવાબદાર ?
કોણ
જવાબદાર ?
સહજ છે
અત્યારે આવા પ્રશ્નો થાય જ ...
ત્રણ દિવસના મનોમંથન પછી એટલું કહેવાની
હિમત કરું છું કે આ બધી બાબતો પાછળ પ્રેમ – શિસ્ત અને અનુશાશન નો અભાવ જવાબદાર છે.
પ્રેમ – શિસ્ત અને અનુશાશન ના સુમેળ
વગર આ ઘટનાઓને રોકવા માટે કોઈ સમર્થ નથી.
અકસ્માત એ ઈશ્વરીય દેન નથી, આપણી ગંભીર ભૂલ નું પરિણામ છે.
શિસ્ત અને અનુશાશન
વગર માં-બાપે આપેલો પ્રેમ તથ્ય પટેલ ને જેલમાં લઇ ગયો. એ નબીરો છુટવો ન જોઈએ, હવે
તેને સ્વતંત્રતાનો કોઈ અધિકાર નથી. દાખલો બેસે તેટલી કડક કાર્યવાહી થવી જ જોઈએ અને
થશે જ; મને ન્યાય પાલિકા ઉપર પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે.
હવે વાત કરીએ આ નવ
યુવાનોની જે નિર્દોષ હોવા છતાં આકસ્મિક મૃત્યુ પામ્યા, ઘરના દીપક બુઝાયા,
પરિવારની આશાનું કિરણ ગાયબ થયું.
કોઈને સલાહ દેતા
પહેલા સ્વીકારભાવ થી કહું છું કે હું પણ જયારે કોલેજ લાઈફમાં હતો ત્યારે અમે
મિત્રો પણ રાત્રે ફરતા અને નાસ્તો કરવા જતા સાથે બેસીને ગપ્પા મારતા, હસી મજાક
કરતા.
કદાચ ઈશ્વરની મરજી હશે કે અમને કાઈ થયું નહી બાકી આવી ઘટનાનો ભોગ
બનતા હું પણ બાકાત રહી શકું નહી, પરંતુ હવે જાગવાની અને ચિંતન કરવાની
જરૂર છે.
હવે જમાનો ફાસ્ટ
થયો છે, સમય બદલાયો છે, વાહન અને વસ્તી બંને
ધ્રુસકેને ભૂસકે વધી રહ્યા છે, ટ્રાફિકનું પ્રમાણ વધી રહ્યું છે.
અમે કાકા - બાપા ના પાંચભાઈઓ જયારે અભ્યાસ કરતા ત્યારે
મારા પિતાશ્રીએ વોટ્સએપ ગ્રુપ બનાવેલું જેમાં રોજ લાઈવ લોકેશન નાખવું ફરજીયાત
હતું. એ સમયે અઘરું લાગતું કે પિતાશ્રી આપણી સ્વતંત્રતા ઉપર ઝાઝી રોક લગાવી રહ્યા
છે પરંતુ આવી ઘટનાઓ સાંભળ્યા પછી એવો એહસાસ થાય છે કે જે થતું તે બરાબર હતું જેના
લીધે અમે ફરતા તો પણ વ્યક્તિગત રીતે બીકના લીધે પણ સલામતી નું ખુબ ધ્યાન રાખતા.
છતાં ઘણી વાર
મોકાનો લાભ લઈને પિતાશ્રીને બહાના આપી દેતા તેનું આજે દુખ થાય છે. એક સંતાન તરીકે
આ ઘટના પછી હું મારા પિતાશ્રીની ભૂતકાળમાં આપેલા
બહાનાઓ બદલ માફી માંગું છું.
મારો કહેવાનો
તાત્પર્ય એ છે કે માં – બાપે શિસ્ત અને અનુશાશન વગરના
પ્રેમ ઉપર રોક લગાવવી જોઈએ. સમય સંજોગે
આ અકસ્માત રાત્રે થયો બાકી આવી ઘટનાઓ દિવસે પણ બને તો છે જ ને !
તથ્ય પટેલ જેવા
સુખી ઘરના છોકરાવના માં – બાપને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમારા સંતાનોને
વધુ પડતા ભૂખલાડ ન લડાવો, અંતે ભોગવવું બીજાને પડે છે અને તમારી પાસે દિવાલ સાથે
માથું ભટકાડીને રડવા સિવાય કઈ વિકલ્પ નહિ બચે.
કાયદો છોડશે નહિ, કુદરત માફ નહી કરે અને તમને તમારી સગવડતા જ કાળ સમો અજગર બનીને
ભરખી જશે.
“દેશ આઝાદ થશે તે
સુનિશ્ચિત હતું પણ ફરીથી ગુલામ ન બને તે માટે યુવા નિર્માણ અને યુવા નિર્માણ થકી
રાષ્ટ્ર નિર્માણ” ની ભાવના સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની શરૂઆત થયેલી, તેમ આવી
ઘટનાઓ પછી મારા કે તમારા વાણી કે વર્તન કે વિચારોનો કોઈ મતલબ નથી તે માત્ર સ્મશાન વૈરાગ્ય
છે, બસ આવી ઘટનાઓ ન બને તે માટે ચિંતવન કરવાની, જાગ્રત રહેવાની અને કાળજીયુક્ત
પગલાલેવાની જરૂર છે જે આપણી સૌની ફરજ છે.
મારા ગુરુજી પુ.
આત્માનંદ સરસ્વતીજીનો કાયમ સંદેશ રહ્યો છે કે, “
સ્વેચ્છિક બંધન મનુષ્યની સ્વતંત્રતાનું કાયમ રક્ષણ કરે છે”
કોઈપણ પગલું ભરતા
પહેલા આપણે ક્યાં જવું, ક્યારે જવું, કોની
સાથે જવું, શું કરવું, શું કામ કરવું,
કેવી રીતે કરવું, આ બધી બાબતોનો પુનઃ વિચાર કરી લેવો અને
સાથે એક વાત કાયમ યાદ રાખવી જોઈએ કે, “મારે પણ પરિવાર છે, જેને મારી જરૂર છે, જે મારી રાહ જુએ છે”
મૃતકોને વિનમ્ર
શ્રધાંજલિ, મેં મારા ત્રણ મિત્રો ગુમાવ્યાનો અફસોસ મને અંદરથી જગાડી ગયો.
“અસ્તુ”
ઉત્તમ ત્રાસડીયા
તારીખ: ૨૪/૦૭/૨૦૨૩
મો. +૯૧ ૯૭ ૩૭ ૭૩૪
૭૩૪