ગુજરાતી ફિલ્મ “લાલો” માત્ર એક સિનેમા નથી પરંતુ ઘરઘરમાં બનતી સત્ય ઘટનાનો અરીસો છે,અને સાથે સાથે ભગવાન કૃષ્ણ દરેક સંકટમાં કોઈ ને કોઈ રૂપે હાજર રહે છે, એવો શાંત સંદેશ પણ આપી જાય છે.
આખા ફિલ્મનું કેન્દ્ર છે લાલજી —
રીક્ષા ચલાવી પરિવારનો ગુજરાન ચલાવતો,
દિલથી સારો,
પરંતુ કરજ અને પરિસ્થિતિઓના ભારથી કંટાળી ગયેલો સામાન્ય માણસ.
ઘરે તુલસી જેવી સ્નેહભરી પત્ની,
અને ખુશી નામની ફૂલ જેવી દીકરી.
પરંતુ એક દિવસ કિસ્મત એવી દિશામાં વળી જાય છે કે ખુશીનું એક્સિડન્ટ થાય છે અને આખું ઘર હચમચી જાય છે.
દવાખાનાના બિલ, ઈલાજ, દવાઓ…
અને તે બધું પૂરું કરવા માટે લીધેલું કરજ.
કરજનું ભારણ વધતા લાલજીનું મન તૂટી પડે છે.
મિત્રોના રવાડે દારૂનો હાથ પકડે છે,
અંતે સમજણ વધુ ગુમાવે છે અને જીવન ખોટા રસ્તે જવા માંડે છે.
આ તોફાન વચ્ચે તુલસી એકલી ઊભી છે
ખુશીની સંભાળ, ઘરનો ભાર અને લાલજીની ચિંતા બધું એકસાથે.
તેણીના પિતા ગામના સરપંચ છે, પણ તુલસીએ ભાગીને લગ્ન કર્યા હતા તેના ઘરના ઘા આજે પણ ઠીક નહોતા થયા.
આખી ઘટના એ જ સમયે અદભૂત વળાંક લે છે, જ્યાં માણસની શક્તિ પૂરી થાય, ત્યાંથી ભગવાનની લીલા શરૂ થાય છે.
સમયના તોફાનમાં લાલો, એટલે કે ભગવાન કૃષ્ણ, માનવીના સ્વરૂપમાં શાંતિપૂર્ણ રીતે એક પ્રવાસી ના સ્વરૂપમાં પ્રવેશ કરે છે.
બોલ્યા વગર, ઘમંડ વગર, પ્રચાર વગર, દરેક વસ્તુનો જ્ઞાતા છતાં અજાણ્યો બની ને માત્ર કરુણા સાથે.
જ્યારે લાલજી સંપૂર્ણપણે ખોવાઈ જાય છે
અને ઘર છોડીને ચોરી ના રવાડે ભાગી જાય છે,
ત્યારે પરિવાર ભાંગી પડે છે.
તુલસીને સહારો જોઈએ,
અને એ સમયે
ભગવાન ખરીદીના નામે
તુલસીને નોકરી અપાવવાની વ્યવસ્થા કરે છે.
એ નોકરી કંઈ મોટી નથી,
પણ જીવન નિર્વાહ માટે તે પૂરતી છે.
આ દરમિયાન તુલસીના પિતા,
જેઓ દામાદથી વેર ધરાવતા હતા,
છતાં ખુશીની હાલત અને તુલસીના આંસુઓ જોયા બાદ પિતૃત્વના ભાવથી પિઘળી જાય છે.
આ છે કૃષ્ણની લીલા કે જે માણસના મનમાં યોગ્ય ભાવ જગાવે.
લાલજીને શોધવામાં કાયદો, રાજકારણ, સમાજ બધું કામે લાગે છે, પણ તેની પાછળ જે શક્તિ કામ કરે છે તે જ છે ભગવાન કૃષ્ણની અનુકંપા...
લાલજી પાછો મળે છે,
થાકેલો, તૂટેલો, અને બધી જ પરિસ્થિતિ થી ભાગી પડેલો ઈશ્વર ના આધારે જીવતા એક નવા જીવન સાથે ... કારણકે ભગવાન કૃષ્ણ માત્ર તેને પરિસ્થતિ માંથી બહાર કાઢે છે એવું નથી પણ ભૂલનો આભાસ પણ કરાવે છે જેથી નવા જીવનમાં સફળ થઈ શકાય...
અને અંતે,
જેવું એક કુટુંબ સ્વપ્નમાં પણ ન વિચારે
એવો મિલાપ થાય છે.
ગેરસમજ દૂર થાય છે.
સંકટો ઓગળી જાય છે.
પરિવાર એક બને છે.
ખુશી ફરી હસવા લાગે છે.
લાલજીનું જીવન નવી દિશા પકડે છે.
તુલસીનું હૃદય રાહતથી ધબકે છે.
પિતા પુનઃ બેટીને આશીર્વાદ આપે છે.
આ બધું જોઈને,
દરેક દર્શકના હૃદયમાં એક જ ભાવ ઊગે છે—
“હા… ઈશ્વર છે,,,
માણસની વચ્ચે,
ઘટનાની વચ્ચે,
અને ભાગ્યની વેળામાં
લીલા કરતા રહે છે.”
લાલો માત્ર પાત્ર નથી.
લાલો એ ભગવાન કૃષ્ણનો સંદેશ છે—
કે માનવી કેટલો પણ તૂટી પડે,
ઈશ્વર આપણો સાથ ક્યારેય નથી છોડતા...
અને બીજો મહત્વપૂર્ણ સંદેશ એવો આપે છે કે કોઈ વ્યક્તિ પાપી નથી કોઈ વ્યક્તિ પુણ્યાત્મા નથી, બધું પરિસ્થિતિ ને આધીન હોય છે. પરિવર્તનની ઇચ્છા ધરાવતો દરેક વ્યક્તિ વાલિયા લૂંટારા માંથી વાલ્મીકિ થઈ શકે....
✍️ ઉત્તમ ત્રાસડીયા ૧૭.૧૧.૨૦૨૫
