પ્રસૂતિની પીડા જણનારીને જ હોય, સુયાણીને નહીં !!! જેણે પીડા વેઠી હોય એ જ માર્ગદર્શન કરી શકે *બાકી જેણે દુઃખ જોયું જ નથી અને સોનાની ચમચી સાથે જન્મ્યા છે એ લેનલોર્ડ ઉદ્યોગકારો ક્યારેય ઉદ્યોગની પીડાને ઓળખી શક્યા નથી આ કડવું છે પણ હકીકત છે.*
પાંચ વર્ષ પહેલાં મોરબીની ધરતી પર મેં પ્રવેશ કર્યો ત્યારે ઉદ્યોગ તેજીના પ્રવાહમાં વહેતો હતો. *કોરોના કાળ પછીની તેજીએ આખા ઉદ્યોગજગતને જાણે પીડામુક્ત કરી દીધું હોય તેવો સુવર્ણકાળ સર્જાયો હતો.*
કારખાનાઓમાં ભઠ્ઠીઓની ધગધગતી જ્યોત, પોલિશિંગ લાઇનના સતત વાગતા સાયરન, સેઠિયાઓને થતી કરોડોની કમાણી, મજૂરોને સમયસર મળતા મહેનતાણાનો ઝગમગાટ, બેંકોને થતી કરોડો રૂપિયાના વ્યાજની આવક નો આનંદ, ટ્રકોની સતત લાઈનો અને બીજું ઘણું બધું જે જોતા લાગતું કે આ ઉદ્યોગના ભવિષ્યની સીમા જ નથી અને સિરામિક ઉદ્યોગને આવનારા વર્ષોના વર્ષો સુધી પડકારવો એ કોઈપણ સંજોગોમાં શક્ય નહીં બને.
પરંતુ એ *તેજી અંદરથી ખોખલી હતી.
ગતિ હતી, પણ દિશા નહોતી; ઉમંગ હતો, પણ વ્યવહારુ સ્ટ્રેટેજી નહોતી.
અંધ વિશ્વાસ અને બાહ્ય ચમક વચ્ચે ઊંડો અંધકાર છુપાયેલો હતો* — જે થોડાં વર્ષોમાં સમગ્ર ઉદ્યોગને ઘેરી લેવાનો હતો.
મેં શરૂઆતથી જ આ અંધકારની ભનક અનુભવી હતી કારણકે *હેતુ વગરની ગતિથી પ્રગતિ શક્ય બનતી નથી.*
જે યુનિટમાં હું જોડાયો, ત્યાંથી લઈને ધીમે ધીમે જે ઉદ્યોગકારો સાથે સંપર્કમાં આવ્યો — દરેકને હું મારી ક્ષમતા મુજબ સમજાવવાનો પ્રયત્ન કરતો રહ્યો.
હું વિરોધ ફેલાવવા નહિ, ચેતવણી આપવા પ્રયાસ કરતો હતો.
પરંતુ *સુખમાં ડૂબેલો માણસ ઘણી વાર ‘પાછું વાળીને જોવા’ પણ નથી ઈચ્છતો, અને જેને જોવું જ નથી તેને સમજાવવા કેવી રીતે?*
મારા દરેક શબ્દ તેમનાં માટે ખોટા સમયે કરેલા વાણી વિલાસ અને મૂર્ખામી સમાન હતા.
પ્રગતિની દોટમાં દોડતા ઉદ્યોગકારોને જોખમની દિશા બતાવતી મારી આંગળી અપ્રિય લાગતી.
મારા શબ્દોમાં ભવિષ્યમાં આવનાર દુઃખનો અણસાર હતો — અને સુખી માણસને દુઃખની ભાષા સુખના સમયે ઈશ્વર પણ સમજાવી શક્યો નથી; આ જ તો માનવ-પ્રકૃતિનો વિસંગતિ ભરેલો ખેલ છે.
ત્યાંથી સમય નીકળતો ગયો…
અને આજે?
એ જ લોકો આજે સંકટના વાવાઝોડામાં ઝઝૂમી રહ્યા છે.
*સિરામિક ઉદ્યોગના આશરે ૨૦-૨૫% યુનિટો સિવિયર ક્રાઈસિસનો સામનો કરી રહ્યા છે જેમાંથી હું જ્યાં જોડાયો એ પણ બાકાત નથી.*
પરંતુ આ આંકડો અંતિમ નથી, જો આજનું વલણ જાળવી રાખવામાં આવશે અને અત્યારે ચાલતું વિચલિત અને અસમંજસ ભરેલું સ્ટ્રેટેજી વગર ઉદ્યોગ ચલાવવાનું ચકરડું ચાલું રહેશે તો આવનાર વર્ષોમાં આ ૨૦-૨૫% નો આંકડો એટલે જ રહેશે નહીં; આખી ઈન્ડસ્ટ્રી પોતાના જ ભાર નીચે દબાઈ જશે.
હું પોતે એ વાવાઝોડાનો ભોગ બની ચૂક્યો છું.
મારો ધંધો ગુમાવ્યો, પરિશ્રમ ગુમાવ્યો, સપના ગુમાવ્યા પરંતુ મનોબળ ગુમાવ્યું નથી. *મોરબીની એક માનસિકતા છે કે તૂટી જાય પણ વળ મૂકે નહીં; પણ હું એમાંનો નથી એટલે જાહેરમાં આત્મસન્માન પૂર્વક મારી નિષ્ફળતા સ્વીકારું છું કારણકે નિષ્ફળતાના કારણો સમજી સ્વીકાર કરવો એ જ સફળતાનું પ્રતીક છે અને સ્વીકારી લેવાથી ભાર હળવો થઈ જાય છે તે પણ અનુભવાય છે.*
હા, જંગ હારી ગયો છું, પરંતુ જિંદગી નહીં અને આ હિમંત કોઈ દાનમાં મળી નથી, સદગુરુની કૃપા અને માં બાપએ આપેલા માનસિક ટેકાના કારણે હજી અડીખમ છું.
મારા જીવનના આ કઠોર અનુભવ વચ્ચે એક વાક્ય મારા અંતરમાં ઊંડે આલેખાઈ ગયું છે —
“જ્યારે ધંધાનો સેનાપતિ પોતાના સૈનિકના શબ્દોને સમજવા તૈયાર નથી રહેતો, ત્યારે તે સેનાનું ભવિષ્ય ક્યારેય સલામત રહેતું નથી.” આ વાત દરેક ડિસિઝન મેકરને લાગુ પડે છે.
ઉદ્યોગકાર સેનાપતિ છે,અને સ્ટાફ, સલાહકારો, માર્કેટિંગ ટીમ, હકીકતે કાર્ય કરતા લોકો એના સૈનિકો છે.
જે દિવસે સેનાપતિને પોતાના જ સૈનિકોના શબ્દો ‘નગણ્યા’ લાગવા લાગે,એ દિવસથી સેનાનું પતન નિશ્ચિત થઈ જાય છે.
મોરબીના અનેક ઉદ્યોગો એ જ ભૂલનો ભોગ બની રહ્યા છે.
*અહંકારનો પથ્થર જ્યારે કાન પર જામે, ત્યારે સત્યનો ઘંટનાદ સંભળાતો બંધ થઈ જાય છે.*
હું આ બધું કેમ લખું છું?
કારણ કે મારી વેદના વ્યક્તિગત નથી.
*મેં જે ગુમાવ્યું છે તે પાછું લાવી શકાતું નથી, પરંતુ હું આ શબ્દોથી બીજાની નૈયા ડૂબે નહીં તેવું ઈચ્છું છું.*
મારા દ્વારા ગયા વર્ષોમાં વ્યક્તિગત રીતે કે જાહેરમાં લખવામાં આવેલા મેસેજ કે કરવામાં આવેલી ટકોર મારો ટાઈમપાસ નહોતો કે વ્યક્તિગત પ્રશંસાની ભૂખ કે કોઈ રાજકીય અભરખાની ઈચ્છા નહોતી, એ ઉદ્યોગને બચાવવા એક અર્થપૂર્ણ પ્રયત્ન હતો, પ્રાર્થના હતી, ચેતવણી હતી પરંતુ કટુ સત્ય એ છે કે મારી એ પ્રાર્થના કે પ્રયત્નને કાયમ મૂર્ખામી માનવામાં આવી.
*હજી જો આવનારા સમયમાં સ્ટ્રેટેજી પૂર્ણ વ્યવસાયનીતિ, ઉધારી બંધ કરવા સામે ઝુંબેશ અને સામૂહિક માર્કેટિંગ સ્ટ્રેટેજી ઉપર ફોકસ કરવામાં નહીં આવે તો આજે હું ભોગ બન્યો એમ આવનારા સમયમાં લગભગ કોઈ બાકાત નહીં રહે.*
જો તમે આ વાંચીને દુઃખ અનુભવો તો એ સંવેદનાનો પ્રથમ સ્પર્શ છે.પરંતુ તે ક્ષણે તમારી જાતને પ્રશ્ન જરૂર પૂછજો કે,
“આ જે હું વાંચી રહ્યો છું, તે લખનારએ કેટલું જીવીને લખ્યું હશે?”
*હું આ શબ્દો કોઈ માન કે પ્રતિષ્ઠા માટે લખતો નથી પરંતુ આ લેખ સિરામિક ઉદ્યોગની ડૂબતી નૈયાને બચાવવા મારા હ્રદય નો અંતિમ ઉદ્ગાર છે.*
*જો ઉદ્યોગકારો આજેય નહીં જાગે અને આવનારા સમયમાં એ જ હેતુ વગરની ગતિ, એ જ ગેરવલણ, એ જ ભાવયુદ્ધ ચાલુ રહેશે તો આ ઉદ્યોગનો ઈતિહાસ ફરીથી લખાશે, પણ એ ઈતિહાસ ગૌરવનો નહીં પતનનો હશે.*
અંતે મારી આશા માત્ર એટલી જ છે —
કે મારા આ શબ્દો ભઠ્ઠીઓની ગરમીમાં ઓગળી ન જાય અને પોલિશિંગ લાઇનના સાયરન વચ્ચે દબાઈ ન જાય, બજારના ભાવયુદ્ધમાં હારી ન જાય પણ કોઈ એક ઉદ્યોગકારના હૃદયમાં ચેતનાનો દીવો પ્રગટાવે જે આ ઉદ્યોગને ફરી ગૌરવપૂર્ણ બનાવી શકશે.
જો એક વ્યક્તિ પણ સાચી દિશા તરફ પાછો વળશે તો મારી વેદના વ્યર્થ નહીં જાય કારણકે પાછો વળેલો દરેક વ્યક્તિ પોતાની વ્યક્તિગત જવાબદારી સમજી નિષ્ઠાપૂર્વક એકતા જાળવી રાખવાનું કામ કરશે તો જ સામૂહિક ફાયદો થશે.
જો આ લેખ આવનારા સમયમાં ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવામાં મદદરૂપ થશે તો *મારા "નાશ" ને પણ આખા ટ્રેડને "વિનાશ" માંથી ઉગારવાનું કર્મફળ માનીશ.*
ખેર, સિરામિકનો વ્યવસાય છોડી દીધો છે પણ આપ સૌ સાથેના સંબંધો કાયમ અકબંધ છે અને રહેશે. મારા સારા - નરસા સમયમાં જેણે જેણે મને ધૂળની એક મુઠ્ઠી જેટલી ય મદદ કરી છે એ બધાને વંદન અને અભિનંદન સહ, સૌને જય શ્રી રામ !!!
હજી કહું છું - જાગી જજો ! એકતા જ બચાવજે 🙏🏻
✍️ ઉત્તમ ત્રાસડીયા ૧૭.૧૨.૨૦૨૫









