Monday, 11 February 2019

વ્યક્તિત્વ એટલે મનથી ઉદ્દભવતા વિચારોની આભા

વ્યક્તિત્વ એટલે વ્યક્તિના વિચારોનું વાસ્તવિક સ્વરૂપ.
કોઈ વ્યક્તિ જેવું વિચારે છે તેવું તે કરે છે અને તે કાર્યો જ તેનું વ્યક્તિત્વ નક્કી કરે છે.
વાસ્તવિક સ્વરૂપમાં વિચારોની આભા જ વ્યક્તિત્વની નિશાની છે.
આ વિચારોનું સર્જક એટલે વ્યક્તિનું મન.
મગજ ક્યારેય કોઈ વિચાર કરતુ નથી, વિચાર હમેશા મન કરે છે કારણકે આત્મા અને મનનું જોડાણ એ કુદરતની દેન છે એટલે જ ડોકટરો મગજને રીપેર કરી શકે છે મન ને નહિ.
મન એ અખૂટ શક્તિ અને અનંત વિચારોનો ભંડાર છે, જ્યાં અનંત હોય તેનો કોઈ ઈલાજ ન હોય.
આપણે માત્ર પૃથ્વી સુધી પહોંચતા સૂર્યના કિરણો ને અનુભવી શકીએ છીએ પરંતુ એ કિરણો નું સર્જન કરી રહેલા સૂર્ય ના તપને અનુભવી શકાતું નથી.
આવું જ વિચારોનું છે, કોઈ વ્યક્તિના વિચાર ને અનુભવવો અશક્ય છે માત્ર તે વિચાર ના વાસ્તવિક સ્વરૂપને અનુભવી શકાય છે, સમજી શકાય છે, તેનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકાય છે.
જે વ્યક્તિ સર્જનાત્મક પ્રકૃતિ ધરાવે છે તે જ વ્યક્તિ વિચારી શકે છે. જેને કાઈ સર્જન કરવાની ઈચ્છા નથી તે ક્યારેય મનના ચિંતન સુધી પહોંચી શકતો નથી તે માત્ર સર્જિત વસ્તુઓ કે પરિસ્થિતિઓનું સંતોષપૂર્વક સંચાલન કરી શકે છે જેને તેના વ્યક્તિત્વ સાથે કાઈ લેવા દેવા રહેતા નથી.
ધર્મગુરુઓ અને શિક્ષકો દ્વારા શીખવવામાં આવે છે કે મન ઉપર અંકુશ રાખો, નિયંત્રણ રાખો. જેમ આકાશ ના છેડા ને અને દરિયા ના તળિયાને કોઈ નિયંત્રણ નથી તેમ મન ને નિયંત્રણ અશક્ય વાત છે. સર્જન ને કોઈ સીમા હોતી નથી. સર્જન તો શૂન્ય થી શરૂ થાય છે, અનંત સુધી આંબવા માટે.. જે શરૂઆત ચોક્કસ સમય અને ચોક્ક્સ મર્યાદા પૂરતી સીમિત હોય તે શરૂઆત ક્યારેય મનથી થઈ શકે નહીં કારણકે મન એ અનંતનો ખજાનો છે...
અંકુશ એના પર થઇ શકે જે મર્યાદિત હોય, માનવ સર્જિત વસ્તુનો અંકુશ અને મર્યાદા છે એટલે જ તેના વપરાશ ને અંકુશ લગાવવામાં આવે છે.
મન સર્જિત પ્રેમ, લાગણી, હૂંફ, આત્મીયતા અને વિચારોને અંકુશ લાગી શકે નહીં.
જે પૂર્ણ છે તે અનંત છે, તે અમૂલ્ય છે એટલે જ પ્રેમ કે લાગણી કે વિચારો રૂપિયા ના ભાવે મળી શકતા નથી. 
મન એક એવો ભંડાર છે જે ક્યારેય ખૂટી શકે નહીં, સૂર્ય ની શક્તિ જેવો ભંડાર છે...
મન પર અંકુશ રાખવાની સલાહ દેનાર ને ખબર જ નથી કે મન ની તાકાત સૂર્યની શક્તિ જેટલી છે. 
જ્યારે કોઈ વ્યક્તિ મન ના અનંત ભંડાર ના સહયોગે આત્મા ના આનંદ તરફ ગતિ શરૂ કરે છે ત્યારે તે નિર્ભય થઈ જાય છે...
અનંત નો આનંદ નિર્ભય અને અપેક્ષા રહિત હોય છે, અનંત ને પામવા કરતા માણવા માં વધુ આનંદ હોય છે...
ઘણા લોકો એવું કહેતા ફરે છે કે આપણને સંતોષ છે, એવા લોકો ખરેખર અનંત સુધી સફર કરવાની હિંમત નથી એટલે પોતાની જાત ને સંતોષી સિદ્ધ કરતા ફરે છે.
અનંત તો એક અનુભવ છે જે માત્ર આનંદ થી માણી શકાય...
'જીવન થી સંતોષ છે' એવો દાવો કરનાર વ્યક્તિ કે સમુદાય ખરેખર સ્વાર્થી જીવન જીવે છે અને એવો સ્વાર્થ જે પરમાર્થમાં ક્યારેય પરિણમી શકવાનો નથી.
પરમાર્થ માટે કરેલો સ્વાર્થ ઉચિત છે, પણ ખોટા બંગણા ફૂંકી ને સંતોષી છું એવો દાવો કરવા માટે જે સ્વાર્થ કરવો પડે છે તે ક્યારેય ઉચિત ન હોઈ શકે..
મન હમેશા સ્વીકાર કરી શકે, કોઈ ને સુધારવા માટે તો મન ક્યારેય તૈયાર હોતું નથી.. દુનિયા સુધારવા નીકળેલા મહાત્માઓ તેમના સર્વાંગી સુખ માટે ફરે છે ઘણા એવા સાધુ છે જે નિજાનંદી હોય જે ક્યારેય કોઈ ને સુધારવાની કોશિશ નથી કરતા તમામનો સ્વીકાર કરે છે  અને આ નિજાનંદ ને કોઈ મર્યાદા ન હોઈ શકે કારણ તે મનથી પ્રગટે છે.
એટલે જ મનથી જીવનાર વ્યક્તિ અનંત સુખ નો અનુભવ અનંત વખત કરે છે કારણકે તેના વિચારો અનંત તાકાત ધરવતા હોય છે અને આવા અનંત વિચારોની આભા જ વ્યક્તિત્વ ની ઓળખ છે.

Author:

Uttam Trasadiya

Date: 11.02.2019

Email: uttam@uttamtrasadiya.in