Tuesday, 30 November 2021

સાંભરે


તપ (સંઘર્ષ) સાંભરે,
તપસ્વી (દાદા) સાંભરે...
બોરડીના મીઠા બોર સાંભરે,
વ્હાલા અમારા માલ - ઢોર સાંભરે...
વરસાદી માહોલ સાંભરે,
ધોળા - "રૂ" નો મોલ સાંભરે...
જેનાથી બીતા ઈ બાવો સાંભરે,
મીઠા પાણીનો કૂવો સાંભરે...
ઝાડીએ અથડાતા પવનના વાણા સાંભરે,
રોંઢાના ઈ ટાણા સાંભરે...
દાદા,
તમારી ખેતીનું શાણપણ સાંભરે,
અહીં આવુંને મુને,
મારી મસ્તીનું બાળપણ સાંભરે...

(વર્ષો પછી નવા વર્ષના પાવન દિવસે અમારી નાની વાડીએ... મનના ભાવો...બાળપણ તાજું થાય... દાદા સાંભરે...)

Author:

Uttam Trasadiya

Date: 05.11.2021

Email: uttam@uttamtrasadiya.in

વ્યક્તિ વિશેષ: શ્રી ઘનશ્યામ રમેશભાઈ સુદાણી

 "સફળતા મળતી નથી, મેળવવી પડે છે"

આ શબ્દો છે ગુજરાતના છેવાડાના ગામથી ઉગી રહેલા એક "દોડવીર સાવજના"

ઘનશ્યામ રમેશભાઈ સુદાણી !
25 વર્ષના આ યુવાને એવી સિદ્ધિઓ મેળવી છે જે સામન્યતઃ અસાધારણ છે.


સ્કૂલમાં નાનપણથી દોડની સ્પર્ધામાં ભાગ લેતા લેતા પોતાની કારકિર્દી રમતગમત ક્ષેત્રે જ બનાવવી છે એવું નક્કી કરીને નીકળેલો આ યુવાન સોમનાથથી મહાદેવના દર્શન કરીને નીકળે છે અને 1800 કિલોમીટરનું અંતર કાપી રાઘવેન્દ્ર સરકારને અયોધ્યામાં જઈ ને ધજા ચડાવે છે.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા નોંધવામાં આવે છે કે માત્ર 21 દિવસમાં 1800 કિલોમીટર દોડી જવું એ અસાધારણ સિદ્ધિ છે.
અમદાવાદના રાજપથ ક્લ્બમાં નોન - સ્ટોપ 72 કલાક સુધી દોડવાનો રેકોર્ડ ધરાવતા આ વિરલાની એક જ ધૂન છે દેશને રમત ગમત ક્ષેત્રે ગોલ્ડ મેડલ અપાવવો છે.

ફરી એ જ જોમ એ જ જુસ્સા સાથે 2024ના પેરિસ ઓલમ્પિકની તૈયારી કરવા 14.10.2021 થી આફ્રિકા અને રશિયા એમ વિદેશ પ્રવાસે જઇ રહ્યા છે પરમ સખા ઘનશ્યામ સુદાણી !

પરિણામ એ સમયના હાથની વાત છે પરંતુ પ્રયત્નો ને સો સો સલામ દોસ્ત !

અભિનંદન દોસ્ત,
આપ કલરવ પરિવારના સદસ્ય છો એ વાતનું વિશેષ ગૌરવ છે વ્હાલા. કલરવ પરિવાર વતી વિદેશ યાત્રા માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.

તમારા આત્મવિશ્વાસ અને સંઘર્ષ માટે એક દિવસ આ દેશ ગૌરવ લેશે એમાં લેશ માત્ર શંકા નથી.

યે દિન બ્હોત કુછ સીખા રહે હૈ ક્યોંકિ યહી દિન યાદ આને વાલે હૈ ! 

Author:

Uttam Trasadiya

Date: 29.09.2021

Email: uttam@uttamtrasadiya.in