"આદિપુરુષ" સમાજ સામે ઉગામેલું વૈચારિક હથિયાર
આજના સમયમાં સમાજની પડતી નું કારણ વૈચારિક નબળાઈ છે. જેમ
ચાલવા – દોડવા – કાર્યવંત રહેવા માટે શારીરિક ક્ષમતાની જરૂર પડે છે તેમ જીવનપદ્ધતિમાં
પવિત્રતા અને હકારાત્મકતા જાળવી રાખવા માટે વૈચારિક ક્ષમતા અતિ અનિવાર્ય બની રહે
છે. જે જીવનપદ્ધતિ માત્ર દેખાવ પુરતી કાર્યરત હોય અથવા તો તેના અનુસરણ કે અનુકરણ
થી કાઈ ઉપજતું ન હોય તે નિષ્ક્રિયતા કરતા પણ વધારે નુકશાનકારક સાબિત થાય છે.
“પવનના વેગ કરતા પવનનો આવેગ” હમેશા વધુ વિનાશ નોતરે છે, આ જ બાબત જીવનપદ્ધતિને લાગુ પડે છે.
જીવનપદ્ધતિની વૈચારિક મજબૂતાઈ ખતમ થઇ છે તે સત્ય છે? જો “હા” તો તેની પાછળ કોણ નિમિત બન્યું ???
ભારતીય પરંપરા અને વારસાને મૂળ સ્વરૂપથી અલગ બતાવવાની હિમત કોણે કરી??? વૈચારિક મજબૂતાઈ કેવી રીતે પેદા કરવી ??? તેનો મૂળભૂત આધાર શું ??? જીવનપદ્ધતિ
ને ક્યારે સક્ષમ, હકારાત્મક અને પવિત્ર છે તેમ કહી શકાય??? આવા અનેક પ્રશ્નો ના
જવાબ શેના ઉપર આધારિત છે ??? તે મૂળ વિષય છે.
અંગ્રેજો એવું માનતા હતા કે કોઈ પણ સમાજ ને ખત્મ કરી નાખવો
હોય તો તેમની શિક્ષણ પદ્ધતિ અને ઈતિહાસ મુલ્યો ને ગમે તેમ કરી ને બદલી નાખો અથવા
તો નષ્ટ કરી નાખો એટલે સમાજ આપો આપ ખત્મ
થઇ જશે, એને ગોળીઓ ધરબી દેવાની જરૂર નહી પડે. આવું કરવાથી જીવતો સમાજ પાંગળો અને
નિ:સહાય બની જશે. નષ્ટ થયેલા સમાજને સહાય
કરનારું કોઈ વધશે તો સમાજ ઉભો થાય ને ??? આ અનુસરીને જ ભારતમાં અંગ્રેજીભાષા નો
પ્રવેશ થયો અને પછી શું થયું તે આપ સર્વે સામે છે જ !
ખેર, અફસોસ નો કોઈ અર્થ નથી !
અતિત ના રોદણા રોવાથી ભવિષ્યની યોજનાઓ ઉપર પણ પાણી ફરી ફરી
વળતું હોય છે . એનો મતલબ એવો નથી કે અતિતને ભૂલી જવું, પણ એનો સ્પષ્ટ મતલબ એવો છે
કે ભૂતકાળ વિસરવા માટે નહી પરંતુ મનોમંથન કરવા માટે યાદ રાખવો.
ચિંતા જીવતા માણસને માત્ર જીવતું હાડપિંજર બનાવી નાખે છે
જયારે ચિંતવન પાંગળા થઇ ગયેલા, હારી ગયેલા નિ: સહાય માણસને લાંબી રેસ નો ઘોડો
બનાવી ને ફરીથી રેસમાં ઉતારે છે અને આયોજનપૂર્વક દોડ માં સામેલ થાય તો જીતાડી પણ
દે છે.
“આદિપુરુષ” નામનું ફિલ્મ જે તાજેતરમાં જ રીલીઝ થયું છે તે આ
સમાજની માનસિકતા માંથી હકારાત્મકતા અને પવિત્રતા દુર કરવા માટે સમજદારી પૂર્વક
ઉગામેલું હથિયાર છે. આવા હથિયારો જ સમાજ માટે ઘાતક સાબિત થાય છે.
રામાયણ આધારિત આ ફિલ્મના મૂળભૂત સ્ત્રોત તરીકે રામાયણનો
ઉપયોગ કરવામાં આવ્યો અને પ્રચાર પ્રસાર માટે
યુવાનોનો!
રામાયણના નામે થયેલા આવા ગોરખધંધા સમાજ માટે અણુબોમ્બ નહિ
તો બીજું શું છે???
સીતાજી ના વસ્ત્રો ક્યારેય તેમની મર્યાદા નું ઉલંઘન કરતા
હોય તેવા હોઈ શકે નહિ જે આપણે રામાયણ માં જોયું છે. તેની સાથે ફેર બદલ કરીને
સીતાજીને મર્યાદા વિહીન ચીતરવાનો નિમ્ન પ્રયાસ થયો.
ઇન્દ્રજીત અને હનુમાનજી નો એક સંવાદ આ ફિલ્મ માં દર્શાવ્યો
જેમાં હનુમાનજી ઇન્દ્રજીતને કહે છે, “ લંકા ભી તેરે બાપ કી ! તેલભી તેરે બાપ કા, કપડાભી તેરે બાપકા... અબ જલેગી તો જલેગી ભી
તેરે બાપકી !
આવા ડાયલોગ સાંભળીને આપણે કહેવાતા ભદ્રસમાજ ના લોકો તાળીઓના
ગડગડાટ કરીએ,
ખીખીયારી અને ચિચિયારી કરીએ તે કેટલું યોગ્ય ?? આપણને શરમ આવવી જોઈએ તાળીઓ પાડતા,
ખીખીયારી અને ચિચિયારીઓ કરતા... આપણો બાપ હનુમાન, જગત નો નાથ
ક્યારેય આવા અભદ્ર શબ્દો બોલી જ ન શકે.
સોનાની લંકાને તો જાણે કોલસાની ખાણ બતાવવામાં આવી છે, મૂછો વાળા રામ પહેલી વાર આ આદિપુરુષ
ફિલ્મમાં નજરે પડે છે, દસ માથાનો રાવણ તો એવી રીતે દર્શાવ્યો કે જાણે
પાંચ – પાંચ માણસો એકબીજાની આજુ-બાજુ અને આગળપાછળ ઉભા રહીને દિવાલ પાછળથી
થિયેટરમાં આવેલી મુર્ખાઓની જમાતને જોતા હોય.
બાકી હતું તો દરેક ફિલ્મ-શો માં હનુમાનજી માટે એક ખાલી
ખુરશી રાખવામાં આવે છે. ખરેખર હનુમાનજી જો થિયેટરમાં ભૂલા પડ્યા હોય તો આપણી જેવા
વૈચારિક નબળાનો શું હાલ કરે ??? મનોમંથન કરો તો ખબરપડશે કે આ પ્રકારની ફિલ્મો પણ
જીવનપદ્ધતિની વૈચારિકતા ને નબળી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આવું તો “આદિપુરુષ” માં એવું ઘણું દેખાડવામાં અને ચિતરવામાં
આવ્યું છે જે જોઇને સમાજનો ભદ્ર માણસ નારાજગી અને ગુસ્સાનો ભોગ બનશે જ .
હવે સવાલ એ છે કે આપણે આવું ક્યાં સુધી જોઈશું ? ક્યાં સુધી
સહન કરીશું? આવું
જોઇને અને સહન કરીને આવનારી પેઢીના શું હાલ થશે?
મોર્ડન અને આધુનિકતાના નામે આવી ફિલ્મોમાં અતિ આકર્ષક ગીત
ઉમેરવામાં આવે છે જે યુવાનોને ફિલ્મ જોવા માટે પ્રેરિત કરે. એવા આકર્ષક ડાયલોગ
લખવામાં અને બોલવામાં આવે છે જેની પાછળ આજનો યુવાન આંધળો બને જેથી તેને મૂળ
સ્ત્રોત અને ભવ્ય ઈતિહાસ થી તેને સરળતાથી દુર કરી શકાય.
આ એક પ્રકારનું બ્લેક મેઈલીંગ અને હિપ્નોટિઝમ છે જેની આડ
માં જીવનપદ્ધતિમાંથી વાસ્તવિકતા, હકારાત્મકતા અને પવિત્રતા દુર કરવામાં આવે
છે. આ રીતે મૂળ ભાતીગળ સંસ્કૃતિ, ઈતિહાસ અને વારસાથી આજની
યુવા પેઢીને દુર કરવામાં આવે છે અને અંતે આધુનિકતાનો શિકાર બનેલો આજનો યુવા પાંગળો
અને નિ:સહાય બને છે અંતે ખોખલા થયેલા યુવાનોનો સમૂહ સમાજને ખોખલો અને પાંગળો કરે
છે અને નષ્ટ થયેલો સમાજ ધર્મવિરોધી પ્રવૃતિઓ માટે અતિ સરળતાથી ભોળવાઈ જાય છે.
વ્યસન માત્ર માણસને વ્યક્તિગત નુકશાન કરે છે જયારે બ્લેક
મેઈલીંગ અને હિપ્નોટિઝમના શિકાર બનેલા યુવાનો થી નિર્મિત સમાજનો વ્યભિચાર
રાષ્ટ્રની વિરાસત, વિચારધારા અને સમાજ વ્યવસ્થાને નુકશાન કરે છે.
આવા ગોરખધંધાથી બચવા શું કરવું તે જાણવું પણ મહત્વનું છે, જેથી આજનીયુવા પેઢીને યોગ્ય દિશા અને
દ્રષ્ટિ આપી શકાય.
પ્રથમ તો બાળપણથી જ બાળકને ધર્મ, વિજ્ઞાન, સંસ્કૃતિ, ઈતિહાસ અને રાષ્ટ્રપ્રેમ ના ઘૂંટડા પાઓ જેનથી તૃપ્ત થયેલું બાળક
ભવિષ્યમાં મજબુત યુવા તરીકે ઉભરશે જે ક્યારેય બ્લેક મેઈલીંગ કે હિપ્નોટિઝમનો શિકાર
નહી બને.
રાષ્ટ્રવિરોધી, રાષ્ટ્રની વિચારધારા વિરોધી અને સમાજની
વ્યવસ્થાને નુકશાન કરતા હોય તેવા ફિલ્મ, ગીત, વાંચન અને વ્યાખ્યાનનો બહિષ્કાર કરતા
થવું પડશે તો જ વૈચારિક તંદુરસ્તી જળવાઈ રહેશે જેનાથી જીવનપદ્ધતિની હકારાત્મકતા
અને પવિત્રતા બચાવી શકીશું.
રાષ્ટ્રની અસ્મિતાનું પુન: દર્શન થઇ શકે તેવા ધાર્મિક, આધ્યાત્મિક, વૈચારિક
અને ભવ્ય વાંચનનો નિરંતર અભ્યાસ કરવો પડશે અને વ્યાખ્યાનો કે વાંચનમાળાના આયોજન
દ્વારા તેને ઘર – ઘર સુધી પહોચાડવો પડશે જેથી ગેરવ્યાજબી, ગેરલાયક અને ગેરમાર્ગે
દોરતા વિચારો પ્રત્યે ક્યારેય આકર્ષણ નહિ ઉદ્ભવે.
અનુભવની મિશાલ હોય તેવા વડીલોના માર્ગદર્શન ઉપર વિશ્વાસ
રાખવો પડશે જેથી વિરોધના ચક્કર માં ભોગ ન બની જઈએ. જયારે ખબર જ હોય કે ૪૪૦ વોલ્ટ
ના પ્લગ માં આંગળી નાખવાથી શોટ લાગે ત્યારે આંગળી નાખવાનો અનુભવ કરવાની જરૂર નથી.
તેમ સમાજના શિક્ષિત, દીક્ષિત અને પ્રતિષ્ટિત વિચારશીલ માણસોના નિવેદનને પ્રમાણભૂત
માની તેમના દ્વારા ગેરવ્યાજબી કે ગેરલાયક ઠેરવવામાં આવતા તમામ કાર્યોનો બહિષ્કાર
વગર અનુભવે કરવામાં જ ભલાઈ છે.
અસ્તુ !
Uttam Trasadiya (22.06.2023)
