Sunday, 6 August 2023

"રાષ્ટ્રીય મિત્રતા દિવસ - 2023"

 

"રાષ્ટ્રીય મિત્રતા દિવસ"


    ખરી મિત્રતાને સમય, સ્થળ, તારીખ કે પરિસ્થિતિ સાથે કાઈ લેવા દેવા હોતા નથી.

    સમય, સ્થળ તારીખ કે પરિસ્થિતિ કાંઇપણ હોય, વાત જ્યારે મિત્રતાની આવે ત્યારે એને નિભાવવાની ભાવના હોય તે ખરી ભાઈબંધી !

    અમેરિકામાં ઇસ. ૧૯૧૯ માં પ્રથમ વખત રવિવાર ને મિત્રતા દિવસ તરીકે ઉજવવા નો પ્રસ્તાવ રખાયો અને ઇસ. ૧૯૩૫ માં અમેરિકાએ જાહેર કર્યું કે વિશ્વભર માં ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારને મિત્રતા દિવસ તરીકે ઉજવીએ; ત્યારથી ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર મૈત્રી દિવસ તરીકે ઉજવાય છે.

    મૈત્રીએ ભાવાત્મક જોડાણ છે જે માનવ સમુદાયને એક બીજા માટે લાગણીશીલ, માનવતાવાદી અને નિષ્ઠાવાન અને વફાદાર બનવાની પ્રેરણા પૂરી પાડે છે. ભાવાત્મક જોડાણ અંતે માનવ - માનવ વચ્ચે ઈશ્વર નિર્મિત દિવ્ય અને પવિત્ર લગાવ ઊભો કરે છે.

    "મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે" આવી દિવ્ય પ્રાર્થનાઓ સંબંધની તાકાતનું ગુણગાન વર્ણવે છે. મૈત્રીભાવ સંબંધોની પવિત્રતાની એટલી ઊંચી પરાકાષ્ઠા છે, જ્યાં માનવ - માનવ માટે સરળતાથી શૂન્ય થઈ માન - અપમાન બધુ ભૂલીને એકબીજા માટે આત્મીય ભાવ, દિવ્યભાવ, વફાદારી ભાવ અને જરૂર પડે તો બલિદાન ભાવનાનું નિર્માણ કરી જાણે છે અને નિભાવી જાણે છે; એટલે વર્ષોના વર્ષો પછી કૃષ્ણ - સુદામા ની મૈત્રી, દુર્યોધન અને કર્ણની મૈત્રી,  પ્રભુ શ્રીરામ - સુગ્રીવની મૈત્રી ના ગુણગાન જગતમાં ગવાય છે.

     દિવસ આપણને સૌને મૈત્રીભાવની પવિત્રતાનો અનુભવ કરાવી એકબીજા માટે ખૂબ આત્મીય જોડાણ આપે તેવા મંગલ ભાવ સાથે રાષ્ટ્રીય મૈત્રી દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

🏻 Uttam Trasadiya 06.08.2023

Monday, 24 July 2023

“કાળગોજારો અકસ્માત – એક ચેતવણી”

 

“કાળગોજારો અકસ્માત – એક ચેતવણી”



બે-ત્રણ દિવસ પૂર્વે અમદાવાદના એસ.જી. હાઈવે ઉપર થયેલા કાળગોજારા અકસ્માતે તમામ ગુજરાતીઓની ઊંઘ હરામ કરી દીધી.

“ધરમ કરતા ધાડ” પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું – અમદાવાદમાં.

ગાડી અને ટ્રક વચ્ચે રાત્રે ૧૨.૦૦ વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં અચાનક જ મદદ માટે મસ મોટું ટોળું રોડ ઉપર પહોચે છે, જેમને ખબર નહોતીકે મદદ કરવા આવેલા આપણે રહેવાના નથી અને પરિવાર નિરાધાર થઇ જશે.

મદદે પહોચેલાઓ પૈકી અમુક તો માત્ર અકસ્માત જોવા જ આવ્યા હોય તેમ પણ બને. તે બધા ઉપર અચાનક જ “મોટા ઘરની ખોટી ઓલાદ” એ ૧૪૦ કિમી પ્રતિ કલાક ની ઝડપે ગાડી ચડાવી દીધી અને કુલ નવ યુવાનો જે ખરેખર આશાસ્પદ નવયુવાનો હતા તેમના અકાળે અવસાન થયા.

નવ – નવ લાશોથી ચીખ પોકારતો એ રોડ કેટલો બિહામણો બન્યો હશે, લોહીથી ખરડાયેલો પુલ કેટલો ભયાવહ બન્યો હશે, આ બધું નજરે જોયા પછી જે ત્યાં હાજર હશે તેમની અત્યારે મનોદશા કેટલી ગંભીર હશે તેની કલ્પના માત્ર ધ્રુજારી છોડાવી દે છે.

કાયદાએ કાયદાનું કામ શરુ કર્યું, સરકારે સહાય ની જાહેરાતો કરી, ગૃહપ્રધાન સાહેબ ન્યાય અપાવવા બાબતે અતિ આક્રમક અને કડક થયા, સર્વે સમાજના લોકોએ શ્રધાંજલિ કાર્યક્રમો કર્યા, જે બધું થવું જ જોઈએ જે માનવતાની નિશાની સમું છે.

મુદ્દો એ છે કે જવાબદાર કોણ?

વાંક કોનો ? આવી ઘટનાઓને રોકવા શું કરવું ?

મન – મસ્તિક – મગજ બધું સુન્ન હતું એટલે ત્રણ દિવસ તપ આ બાબતે લખવાનું કે બોલવાનું તો દુર માત્ર વિચારથી પણ ધબકારો ચુકી જવાતો હતો.

આ ઘટના  માટે તથ્ય પટેલ જવાબદાર ?

રોડ ઉપર નીકળેલા બિચારા નિર્દોષ યુવાનો જવાબદાર ? બધા ના માં – બાપ જવાબદાર ?

સરકાર કે સીસ્ટમ કે નિયમો જવાબદાર ?

નિસ્વાર્થ સેવાભાવના જવાબદાર ?

કોણ જવાબદાર ?

સહજ છે અત્યારે આવા પ્રશ્નો થાય જ ...

ત્રણ દિવસના મનોમંથન પછી એટલું કહેવાની હિમત કરું છું કે આ બધી બાબતો પાછળ પ્રેમ – શિસ્ત અને અનુશાશન નો અભાવ જવાબદાર છે.

પ્રેમ – શિસ્ત અને અનુશાશન ના સુમેળ વગર આ ઘટનાઓને રોકવા માટે કોઈ સમર્થ નથી.

અકસ્માત એ ઈશ્વરીય દેન નથી, આપણી ગંભીર ભૂલ નું પરિણામ છે.

શિસ્ત અને અનુશાશન વગર માં-બાપે આપેલો પ્રેમ તથ્ય પટેલ ને જેલમાં લઇ ગયો. એ નબીરો છુટવો ન જોઈએ, હવે તેને સ્વતંત્રતાનો કોઈ અધિકાર નથી. દાખલો બેસે તેટલી કડક કાર્યવાહી થવી જ જોઈએ અને થશે જ; મને ન્યાય પાલિકા ઉપર પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે.

હવે વાત કરીએ આ નવ યુવાનોની જે નિર્દોષ હોવા છતાં આકસ્મિક મૃત્યુ પામ્યા, ઘરના દીપક બુઝાયા, પરિવારની આશાનું કિરણ ગાયબ થયું.

કોઈને સલાહ દેતા પહેલા સ્વીકારભાવ થી કહું છું કે હું પણ જયારે કોલેજ લાઈફમાં હતો ત્યારે અમે મિત્રો પણ રાત્રે ફરતા અને નાસ્તો કરવા જતા સાથે બેસીને ગપ્પા મારતા, હસી મજાક કરતા.

કદાચ ઈશ્વરની મરજી હશે કે અમને કાઈ થયું નહી બાકી આવી ઘટનાનો ભોગ બનતા હું પણ બાકાત રહી શકું નહી, પરંતુ હવે જાગવાની અને ચિંતન કરવાની જરૂર છે.

હવે જમાનો ફાસ્ટ થયો છે, સમય બદલાયો છે, વાહન અને વસ્તી બંને ધ્રુસકેને ભૂસકે વધી રહ્યા છે, ટ્રાફિકનું પ્રમાણ વધી રહ્યું છે.

અમે કાકા -  બાપા ના પાંચભાઈઓ જયારે અભ્યાસ કરતા ત્યારે મારા પિતાશ્રીએ વોટ્સએપ ગ્રુપ બનાવેલું જેમાં રોજ લાઈવ લોકેશન નાખવું ફરજીયાત હતું. એ સમયે અઘરું લાગતું કે પિતાશ્રી આપણી સ્વતંત્રતા ઉપર ઝાઝી રોક લગાવી રહ્યા છે પરંતુ આવી ઘટનાઓ સાંભળ્યા પછી એવો એહસાસ થાય છે કે જે થતું તે બરાબર હતું જેના લીધે અમે ફરતા તો પણ વ્યક્તિગત રીતે બીકના લીધે પણ સલામતી નું ખુબ ધ્યાન રાખતા.

છતાં ઘણી વાર મોકાનો લાભ લઈને પિતાશ્રીને બહાના આપી દેતા તેનું આજે દુખ થાય છે. એક સંતાન તરીકે આ ઘટના પછી હું મારા પિતાશ્રીની ભૂતકાળમાં આપેલા બહાનાઓ બદલ માફી માંગું છું.

મારો કહેવાનો તાત્પર્ય એ છે કે માં – બાપે શિસ્ત અને અનુશાશન વગરના પ્રેમ ઉપર રોક લગાવવી જોઈએ. સમય સંજોગે આ અકસ્માત રાત્રે થયો બાકી આવી ઘટનાઓ દિવસે પણ બને તો છે જ ને !

તથ્ય પટેલ જેવા સુખી ઘરના છોકરાવના માં – બાપને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમારા સંતાનોને વધુ પડતા ભૂખલાડ ન લડાવો, અંતે ભોગવવું બીજાને પડે છે અને તમારી પાસે દિવાલ સાથે માથું ભટકાડીને રડવા સિવાય કઈ વિકલ્પ નહિ બચે.

કાયદો છોડશે નહિ, કુદરત માફ નહી કરે  અને તમને તમારી સગવડતા જ કાળ સમો અજગર બનીને ભરખી જશે.

“દેશ આઝાદ થશે તે સુનિશ્ચિત હતું પણ ફરીથી ગુલામ ન બને તે માટે યુવા નિર્માણ અને યુવા નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ” ની ભાવના સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની શરૂઆત થયેલી, તેમ આવી ઘટનાઓ પછી મારા કે તમારા વાણી કે વર્તન કે વિચારોનો કોઈ મતલબ નથી તે માત્ર સ્મશાન વૈરાગ્ય છે, બસ આવી ઘટનાઓ ન બને તે માટે ચિંતવન કરવાની, જાગ્રત રહેવાની અને કાળજીયુક્ત પગલાલેવાની જરૂર છે જે આપણી સૌની ફરજ છે.

મારા ગુરુજી પુ. આત્માનંદ સરસ્વતીજીનો કાયમ સંદેશ રહ્યો છે કે, “ સ્વેચ્છિક બંધન મનુષ્યની સ્વતંત્રતાનું કાયમ રક્ષણ કરે છે”

કોઈપણ પગલું ભરતા પહેલા આપણે ક્યાં જવું, ક્યારે જવું, કોની સાથે જવું, શું કરવું, શું કામ કરવું, કેવી રીતે કરવું, આ બધી બાબતોનો પુનઃ વિચાર કરી લેવો અને સાથે એક વાત કાયમ યાદ રાખવી જોઈએ કે, “મારે પણ પરિવાર છે, જેને મારી જરૂર છે, જે મારી રાહ જુએ છે”

મૃતકોને વિનમ્ર શ્રધાંજલિ, મેં મારા ત્રણ મિત્રો ગુમાવ્યાનો અફસોસ મને અંદરથી જગાડી ગયો.

“અસ્તુ”

 

ઉત્તમ ત્રાસડીયા

તારીખ: ૨૪/૦૭/૨૦૨૩

મો. +૯૧ ૯૭ ૩૭ ૭૩૪ ૭૩૪

Friday, 23 June 2023

"આદિપુરુષ" સમાજ સામે ઉગામેલું વૈચારિક હથિયાર



"આદિપુરુષ" સમાજ સામે ઉગામેલું વૈચારિક હથિયાર



 

આજના સમયમાં સમાજની પડતી નું કારણ વૈચારિક નબળાઈ છે. જેમ ચાલવા – દોડવા – કાર્યવંત રહેવા માટે શારીરિક ક્ષમતાની જરૂર પડે છે તેમ જીવનપદ્ધતિમાં પવિત્રતા અને હકારાત્મકતા જાળવી રાખવા માટે વૈચારિક ક્ષમતા અતિ અનિવાર્ય બની રહે છે. જે જીવનપદ્ધતિ માત્ર દેખાવ પુરતી કાર્યરત હોય અથવા તો તેના અનુસરણ કે અનુકરણ થી કાઈ ઉપજતું ન હોય તે નિષ્ક્રિયતા કરતા પણ વધારે નુકશાનકારક સાબિત થાય છે.

“પવનના વેગ કરતા પવનનો આવેગ” હમેશા વધુ વિનાશ નોતરે છે, આ જ બાબત જીવનપદ્ધતિને લાગુ પડે છે.

જીવનપદ્ધતિની વૈચારિક મજબૂતાઈ ખતમ થઇ છે તે સત્ય છે? જો “હા” તો તેની પાછળ કોણ નિમિત બન્યું ??? ભારતીય પરંપરા અને વારસાને મૂળ સ્વરૂપથી અલગ બતાવવાની હિમત કોણે કરી??? વૈચારિક મજબૂતાઈ કેવી રીતે પેદા કરવી ??? તેનો મૂળભૂત આધાર શું ??? જીવનપદ્ધતિ ને ક્યારે સક્ષમ, હકારાત્મક અને પવિત્ર છે તેમ કહી શકાય??? આવા અનેક પ્રશ્નો ના જવાબ શેના ઉપર આધારિત છે ??? તે મૂળ વિષય છે.

અંગ્રેજો એવું માનતા હતા કે કોઈ પણ સમાજ ને ખત્મ કરી નાખવો હોય તો તેમની શિક્ષણ પદ્ધતિ અને ઈતિહાસ મુલ્યો ને ગમે તેમ કરી ને બદલી નાખો અથવા તો  નષ્ટ કરી નાખો એટલે સમાજ આપો આપ ખત્મ થઇ જશે, એને ગોળીઓ ધરબી દેવાની જરૂર નહી પડે. આવું કરવાથી જીવતો સમાજ પાંગળો અને નિ:સહાય બની જશે. નષ્ટ થયેલા સમાજને  સહાય કરનારું કોઈ વધશે તો સમાજ ઉભો થાય ને ??? આ અનુસરીને જ ભારતમાં અંગ્રેજીભાષા નો પ્રવેશ થયો અને પછી શું થયું તે આપ સર્વે સામે છે જ !

ખેર, અફસોસ નો કોઈ અર્થ નથી !

અતિત ના રોદણા રોવાથી ભવિષ્યની યોજનાઓ ઉપર પણ પાણી ફરી ફરી વળતું હોય છે . એનો મતલબ એવો નથી કે અતિતને ભૂલી જવું, પણ એનો સ્પષ્ટ મતલબ એવો છે કે ભૂતકાળ વિસરવા માટે નહી પરંતુ મનોમંથન કરવા માટે યાદ રાખવો.

ચિંતા જીવતા માણસને માત્ર જીવતું હાડપિંજર બનાવી નાખે છે જયારે ચિંતવન પાંગળા થઇ ગયેલા, હારી ગયેલા નિ: સહાય માણસને લાંબી રેસ નો ઘોડો બનાવી ને ફરીથી રેસમાં ઉતારે છે અને આયોજનપૂર્વક દોડ માં સામેલ થાય તો જીતાડી પણ દે છે.

“આદિપુરુષ” નામનું ફિલ્મ જે તાજેતરમાં જ રીલીઝ થયું છે તે આ સમાજની માનસિકતા માંથી હકારાત્મકતા અને પવિત્રતા દુર કરવા માટે સમજદારી પૂર્વક ઉગામેલું હથિયાર છે. આવા હથિયારો જ સમાજ માટે ઘાતક સાબિત થાય છે.

રામાયણ આધારિત આ ફિલ્મના મૂળભૂત સ્ત્રોત તરીકે રામાયણનો ઉપયોગ કરવામાં આવ્યો અને પ્રચાર પ્રસાર માટે  યુવાનોનો!

રામાયણના નામે થયેલા આવા ગોરખધંધા સમાજ માટે અણુબોમ્બ નહિ તો બીજું શું છે???

સીતાજી ના વસ્ત્રો ક્યારેય તેમની મર્યાદા નું ઉલંઘન કરતા હોય તેવા હોઈ શકે નહિ જે આપણે રામાયણ માં જોયું છે. તેની સાથે ફેર બદલ કરીને સીતાજીને મર્યાદા વિહીન ચીતરવાનો નિમ્ન પ્રયાસ થયો.

ઇન્દ્રજીત અને હનુમાનજી નો એક સંવાદ આ ફિલ્મ માં દર્શાવ્યો જેમાં હનુમાનજી ઇન્દ્રજીતને કહે છે, “ લંકા ભી તેરે બાપ કી ! તેલભી તેરે બાપ કા, કપડાભી તેરે બાપકા... અબ જલેગી તો જલેગી ભી તેરે બાપકી !

આવા ડાયલોગ સાંભળીને આપણે કહેવાતા ભદ્રસમાજ ના લોકો તાળીઓના ગડગડાટ કરીએ, ખીખીયારી અને ચિચિયારી કરીએ તે કેટલું યોગ્ય ?? આપણને શરમ આવવી જોઈએ તાળીઓ પાડતા, ખીખીયારી અને ચિચિયારીઓ કરતા... આપણો બાપ હનુમાન, જગત નો નાથ ક્યારેય આવા અભદ્ર શબ્દો બોલી જ ન શકે.

સોનાની લંકાને તો જાણે કોલસાની ખાણ બતાવવામાં આવી છે, મૂછો વાળા રામ પહેલી વાર આ આદિપુરુષ ફિલ્મમાં નજરે પડે છે,  દસ માથાનો રાવણ તો એવી રીતે દર્શાવ્યો કે જાણે પાંચ – પાંચ માણસો એકબીજાની આજુ-બાજુ અને આગળપાછળ ઉભા રહીને દિવાલ પાછળથી થિયેટરમાં આવેલી મુર્ખાઓની જમાતને જોતા હોય.

બાકી હતું તો દરેક ફિલ્મ-શો માં હનુમાનજી માટે એક ખાલી ખુરશી રાખવામાં આવે છે. ખરેખર હનુમાનજી જો થિયેટરમાં ભૂલા પડ્યા હોય તો આપણી જેવા વૈચારિક નબળાનો શું હાલ કરે ??? મનોમંથન કરો તો ખબરપડશે કે આ પ્રકારની ફિલ્મો પણ જીવનપદ્ધતિની વૈચારિકતા ને નબળી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આવું તો “આદિપુરુષ” માં એવું ઘણું દેખાડવામાં અને ચિતરવામાં આવ્યું છે જે જોઇને સમાજનો ભદ્ર માણસ નારાજગી અને ગુસ્સાનો ભોગ બનશે જ .

હવે સવાલ એ છે કે આપણે આવું ક્યાં સુધી જોઈશું ? ક્યાં સુધી સહન કરીશું? આવું જોઇને અને સહન કરીને આવનારી પેઢીના શું હાલ થશે?

મોર્ડન અને આધુનિકતાના નામે આવી ફિલ્મોમાં અતિ આકર્ષક ગીત ઉમેરવામાં આવે છે જે યુવાનોને ફિલ્મ જોવા માટે પ્રેરિત કરે. એવા આકર્ષક ડાયલોગ લખવામાં અને બોલવામાં આવે છે જેની પાછળ આજનો યુવાન આંધળો બને જેથી તેને મૂળ સ્ત્રોત અને ભવ્ય ઈતિહાસ થી તેને સરળતાથી દુર કરી શકાય.

આ એક પ્રકારનું બ્લેક મેઈલીંગ અને હિપ્નોટિઝમ છે જેની આડ માં જીવનપદ્ધતિમાંથી  વાસ્તવિકતા, હકારાત્મકતા અને પવિત્રતા દુર કરવામાં આવે છે. આ રીતે મૂળ ભાતીગળ સંસ્કૃતિ, ઈતિહાસ અને વારસાથી આજની યુવા પેઢીને દુર કરવામાં આવે છે અને અંતે આધુનિકતાનો શિકાર બનેલો આજનો યુવા પાંગળો અને નિ:સહાય બને છે અંતે ખોખલા થયેલા યુવાનોનો સમૂહ સમાજને ખોખલો અને પાંગળો કરે છે અને નષ્ટ થયેલો સમાજ ધર્મવિરોધી પ્રવૃતિઓ માટે અતિ સરળતાથી ભોળવાઈ જાય છે.

વ્યસન માત્ર માણસને વ્યક્તિગત નુકશાન કરે છે જયારે બ્લેક મેઈલીંગ અને હિપ્નોટિઝમના શિકાર બનેલા યુવાનો થી નિર્મિત સમાજનો વ્યભિચાર રાષ્ટ્રની વિરાસત, વિચારધારા અને સમાજ વ્યવસ્થાને નુકશાન કરે છે.

આવા ગોરખધંધાથી બચવા શું કરવું તે જાણવું પણ મહત્વનું છે, જેથી આજનીયુવા પેઢીને યોગ્ય દિશા અને દ્રષ્ટિ આપી શકાય.

પ્રથમ તો બાળપણથી જ બાળકને ધર્મ, વિજ્ઞાન, સંસ્કૃતિ, ઈતિહાસ અને રાષ્ટ્રપ્રેમ ના ઘૂંટડા પાઓ જેનથી તૃપ્ત થયેલું બાળક ભવિષ્યમાં મજબુત યુવા તરીકે ઉભરશે જે ક્યારેય બ્લેક મેઈલીંગ કે હિપ્નોટિઝમનો શિકાર નહી બને.  

રાષ્ટ્રવિરોધી, રાષ્ટ્રની વિચારધારા વિરોધી અને સમાજની વ્યવસ્થાને નુકશાન કરતા હોય તેવા ફિલ્મ, ગીત, વાંચન અને વ્યાખ્યાનનો બહિષ્કાર કરતા થવું પડશે તો જ વૈચારિક તંદુરસ્તી જળવાઈ રહેશે જેનાથી જીવનપદ્ધતિની હકારાત્મકતા અને પવિત્રતા બચાવી શકીશું.

રાષ્ટ્રની અસ્મિતાનું પુન: દર્શન થઇ શકે તેવા ધાર્મિક, આધ્યાત્મિક, વૈચારિક અને ભવ્ય વાંચનનો નિરંતર અભ્યાસ કરવો પડશે અને વ્યાખ્યાનો કે વાંચનમાળાના આયોજન દ્વારા તેને ઘર – ઘર સુધી પહોચાડવો પડશે જેથી ગેરવ્યાજબી, ગેરલાયક અને ગેરમાર્ગે દોરતા વિચારો પ્રત્યે ક્યારેય આકર્ષણ નહિ ઉદ્ભવે.

અનુભવની મિશાલ હોય તેવા વડીલોના માર્ગદર્શન ઉપર વિશ્વાસ રાખવો પડશે જેથી વિરોધના ચક્કર માં ભોગ ન બની જઈએ. જયારે ખબર જ હોય કે ૪૪૦ વોલ્ટ ના પ્લગ માં આંગળી નાખવાથી શોટ લાગે ત્યારે આંગળી નાખવાનો અનુભવ કરવાની જરૂર નથી.

તેમ સમાજના શિક્ષિત, દીક્ષિત અને પ્રતિષ્ટિત વિચારશીલ માણસોના નિવેદનને પ્રમાણભૂત માની તેમના દ્વારા ગેરવ્યાજબી કે ગેરલાયક ઠેરવવામાં આવતા તમામ કાર્યોનો બહિષ્કાર વગર અનુભવે કરવામાં જ ભલાઈ છે.

અસ્તુ ! 


Uttam Trasadiya (22.06.2023)

uttam@uttamtrasadiya.in