AI એટલે એક એવી ટેકનોલોજી જે માણસની જેમ વિચારવાનું, સમજાવવાનું અને શીખવાડવાનું જાણે છે. આજે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બહુ ઝડપથી વધી રહ્યું છે. ઘણી બાબતો હવે માણસ નહિ, મશીન વધુ સારો રીતે કરી શકે છે. એ જ કારણ છે કે ભવિષ્યમાં અનેક નોકરીઓ બદલાઈ જશે કે બંધ પણ થઈ શકે છે. આ બાબત માનવ સમાજ માટે મોટો પડકાર છે.
સૌથી પહેલા અસર થશે ફેક્ટરી અને ઉત્પાદન ક્ષેત્રમાં. રોબોટ્સ દિવસ - રાત કામ કરે, ક્યારેય થાકે નહીં અને ભૂલ પણ ઓછી કરે. ટાઇલ્સ, કાર, ઇલેક્ટ્રોનિક્સ, બધું જ ઓટોમેટિક મશીનો બનાવી દેશે. જેના કારણે હજારો કામદાર લોકોને રોજગાર માટે નવી દિશા શોધવી પડશે.
બીજું મોટું ક્ષેત્ર છે IT અને કોમ્પ્યુટર જગત જેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને જન્મ આપ્યો. અત્યાર સુધી પ્રોગ્રામર, સોફ્ટવેર એન્જિનિયર ખુબ સુરક્ષિત નોકરીમાં ગણાતા હતા. હવે AI પોતે કોડ લખી દે છે, વેબસાઈટ બનાવી દે છે અને ડેટા એનાલિસિસ પણ કરે છે. આવનારા સમયમાં સામાન્ય લેવલના પ્રોગ્રામર્સની જરૂરિયાત ખૂબ નહિવત થઈ જશે એટલે પરિસ્થિતિ તો એવી ઊભી થાય કે AI ના જન્મદાતાનો જ ભોગ લેવાઈ જશે.
બેન્કીંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં તો AI પહેલાથી જ મજબૂત બની ગયું છે. મોબાઇલ અને ઓનલાઈન બેન્કિંગથી માણસોને રૂબરૂ બ્રાંચ ઉપર જવાનું ઓછું થઈ ગયું છે. લોન તપાસથી લઈને એકાઉન્ટ ઓપનિંગ સુધી બધું જ AI ઝડપી અને સસ્તું કરી શકે છે તેથી ક્લેરિકલ સ્ટાફની નોકરીઓ જોખમમાં મુકાઈ શકે.
ગ્રાહક સેવા એટલે કે કૉલ સેન્ટર અને BPOમાં, Chatbot અને Voice-AI હવે 24 કલાક સહાયતા આપે છે. હજારો લોકોનું કામ એક જ સોફ્ટવેર કરી દે છે. યુવાનોને મળતી આ એન્ટ્રી લેવલ નોકરીઓમાં ઘટાડો થઇ શકે છે.
રિટેઇલ દુકાનોમાં પણ બદલાવ ઘેરો છે. મોલમાં કે સુપરમાર્કેટમાં કેશિયર વગરનું બિલિંગ, ઓટોમેટિક સ્ટોક મેનેજમેન્ટ જેવી વ્યવસ્થા વધી રહી છે. દુકાનોમાં કામ કરનારો સ્ટાફ ઓછો થવાની શક્યતા સ્પષ્ટ દેખાય છે.
શિક્ષણ ક્ષેત્રમાં AI ટ્યુટર, ઓનલાઈન પરીક્ષણ અને અન્ય કાગળ કામ સરળ બનાવી દે છે. એટલે ખાસ કરીને ખાનગી શાળાઓમાં શિક્ષકોની સંખ્યા ઓછી થવાની શક્યતાઓ વધી રહી છે.
મેડિકલ, મીડિયા, કાયદા જેવા ક્ષેત્રમાં પણ કામની રીતો બદલાઈ રહી છે. ડોક્ટરને રિપોર્ટ સમજવામાં AI મદદ કરે છે, રિપોર્ટ લખે છે, કેસ શોધે છે એટલે માણસની જરૂરિયાત રહેશે પણ એટલા લોકોને હવે કામ નહીં મળે જેટલાની પહેલા જરૂરિયાત હતી.
આ બધું જોતા સ્પષ્ટ લાગે કે ભવિષ્ય અંધકારમય છે પણ હકીકત એ છે કે AI ને રોકી શકાય તેમ નથી.
બદલાવને સ્વીકારવા અને નવાં કૌશલ્ય શીખવા જ એકમાત્ર રસ્તો છે. જે લોકો ક્રિએટિવ છે, જે લોકો લોકોને સમજતા આવે છે, નેતૃત્વ કરે છે, નવી ટેકનોલોજી શીખવા તૈયાર છે તે લોકો માટે તો ભવિષ્યમાં વધુ તકો ઊભી થશે.
પ્રશ્ન એ નથી કે નોકરીઓ જશે કે નહીં. પ્રશ્ન એ છે કે આપણે નવી દુનિયા માટે કેટલા તૈયાર છીએ. જે પોતાને સમય સાથે બદલશે તે આગળ વધશે.
AI આપણા માટે પડકાર પણ છે અને સૌથી મોટો મોકો પણ... વિશેષ વાત આવતા લેખમાં...
✍️ ઉત્તમ ત્રાસડીયા ૨૯.૧૦.૨૦૨૫
