Skip to main content

સદીઓ પૂર્વેની જનજાતિથી આધુનિક લોકશાહી સુધીની ભારતના રાજકીય વિકાસની અવિરત યાત્રા



ભારતનો રાજકીય ઇતિહાસ માનવ સમાજની જરૂરિયાતો, સંઘર્ષો અને પરિસ્થિતિઓથી ઘડાયેલો એક ગતિશીલ પ્રવાહ છે. શરૂઆતમાં માનવ સમાજ “જન” અથવા "જનજાતિ" તરીકે જીવતો હતો, જ્યાં કોઈ નિશ્ચિત સીમા કે રાજ્ય વ્યવસ્થા નહોતી. ઋગ્વેદના સમયમાં “રાજન” માત્ર એક નેતા હતો, સર્વશક્તિમાન રાજા નહીં. સભા અને સમિતિ જેવા તંત્રો દ્વારા નિર્ણય લેવાતા, જે પ્રારંભિક લોકશાહી તત્વોને દર્શાવે છે જેમાં સત્તાનો સ્ત્રોત સમાજ પોતે હતો.


જ્યારે સમય આગળ વધ્યો અને ખેતીનો વિકાસ થયો, ત્યારે લોકો એક જગ્યાએ સ્થિર થયા. જમીન પર અધિકારની ભાવના ઊભી થઈ અને “જન” ધીમે ધીમે “જનપદ”માં પરિવર્તિત થયો (ઈ.સ. પૂર્વે ૬ થી ૧૦ મી સદી). આ પરિવર્તન માત્ર આર્થિક નહોતું, પરંતુ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ હતું. આ સમયમાં સીમાઓ નક્કી થઈ, સુરક્ષા જરૂરી બની અને કર વ્યવસ્થા શરૂ થઈ, રાજાની ભૂમિકા મજબૂત થવા લાગી અને સત્તા ધીમે ધીમે કેન્દ્રિત થવા લાગી.


ઈ.સ. પૂર્વે ૬૦૦ પછી મહાજનપદ યુગમાં આ વિકાસ વધુ સ્પષ્ટ બન્યો. મગધ (બિંબિસાર, અજાતશત્રુ), કોશલ, કાશી જેવા શક્તિશાળી રાજ્યો ઊભા થયા, જ્યારે વજ્જી અને લિચ્છવી જેવા ગણરાજ્યોમાં સમૂહ આધારિત શાસન ચાલુ રહ્યું. અહીં રાજાશાહી અને ગણરાજ્ય બંને સાથે અસ્તિત્વમાં હતા. ગણરાજ્યોમાં નેતાઓની પસંદગી સહમતિ કે મત દ્વારા થતી, જ્યારે રાજાશાહી રાજ્યોમાં વંશપરંપરા મજબૂત બનતી ગઈ. આ તબક્કે સમાજે અલગ-અલગ શાસન વ્યવસ્થાનો અનુભવ કર્યો.


ઈ.સ. પૂર્વે ૩૨૧ માં  ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના માર્ગદર્શક કૌટિલ્યે પ્રથમ વખત વિશાળ ભારતીય ભૂમિને એક કેન્દ્રિય સત્તા હેઠળ એકત્રિત કરી. સમ્રાટ અશોકના સમયમાં આ સામ્રાજ્ય નૈતિક અને ધાર્મિક મૂલ્યો સાથે વધુ સુવ્યવસ્થિત બન્યું. કેન્દ્રિય બ્યુરોક્રસી, કર વ્યવસ્થા અને જાસૂસી તંત્ર દ્વારા રાજ્ય મજબૂત બનાવાયું. અહીં “રાજ્ય”થી “સામ્રાજ્ય” તરફનું સ્પષ્ટ પરિવર્તન થયું જ્યાંથી રાજા “ચક્રવર્તી” તરીકે ઓળખાયો.


ઈ.સ. પૂર્વે ૨૦૦ થી ઈ.સ. ૬૦૦ ના સમયગાળામાં મૌર્ય સામ્રાજ્યના પતન પછી ફરીથી વિખંડન શરૂ થયું અને શુંગ, કાન્વ, કુષાણ (કનિષ્ક), સાતવાહન જેવા પ્રદેશીય રાજ્યો ઊભા થયા. ગુપ્ત યુગ (ચંદ્રગુપ્ત બીજો અને સમુદ્રગુપ્ત) દરમિયાન સંસ્કૃતિ અને વિજ્ઞાનનો વિકાસ થયો, પરંતુ કેન્દ્રિય સત્તા મર્યાદિત રહી. ગુપ્ત યુગ પછી ભારત ફરી નાના રાજ્યોમાં વિભાજિત થયું જે દર્શાવે છે કે કેન્દ્રિય અને વિકેન્દ્રિત સત્તા વચ્ચેનું સંતુલન સતત બદલાતું રહ્યું. 


૭ થી ૧૨ મી સદી દરમિયાન ઉત્તરમાં રાજપૂત રાજ્યો (ચૌહાણ, સિસોદિયા) અને દક્ષિણમાં ચોળ, પાંડ્ય અને ચાલુક્ય વંશો મજબૂત બન્યા. આ સમયમાં વંશપરંપરાગત રજવાડા પ્રબળ બન્યા, જ્યાં સત્તા રાજા અને જમીન સાથે જોડાયેલી હતી અને આ સમયમાં યુદ્ધ, ગૌરવ અને પ્રદેશીય સત્તા રાજકારણના મુખ્ય તત્વો બન્યા.


ઇ.સ. ૧૨૦૬ પછી દિલ્હી સલ્તનતના સમયમાં (કૂતુબુદ્દીન ઐબક, અલાઉદ્દીન ખિલજી, મુહમ્મદ તુગલક) કેન્દ્રિય શાસન મજબૂત બન્યું, પરંતુ સ્થાનિક રાજાઓ સંપૂર્ણપણે નષ્ટ થયા નહોતા. ઘણા હિંદુ રાજાઓ “વસાલ” તરીકે રહ્યા એટલે કે તેઓ સત્તા હેઠળ હતા પરંતુ તેમના વિસ્તારમાં મર્યાદિત સ્વતંત્રતા જાળવી રાખી.


મુઘલ યુગ (૧૫૨૬-૧૭૦૭)માં બાબર, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબે વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું. અકબરની મન્સબદારી પ્રથા અને ધાર્મિક સહિષ્ણુતાએ શાસનને સ્થિર બનાવ્યું. આ સમયમાં નાના રાજાઓ અને રજવાડાઓ સંપૂર્ણ ગુલામ નહોતા, પરંતુ અર્ધસ્વતંત્ર તરીકે મુઘલ સત્તા હેઠળ કાર્ય કરતા. આ એક પ્રકારનું સંકલિત શાસન હતું, જેમાં કેન્દ્ર અને પ્રદેશ વચ્ચે સંતુલન જાળવવામાં આવ્યું.


ઔરંગઝેબ પછી મુઘલ સામ્રાજ્ય નબળું પડ્યું અને અઢારમી સદીમાં મરાઠા (શિવાજી), સીખ (રણજીતસિંહ) અને મુઘલ નવાબો (બંગાળ, અવધ, હૈદરાબાદ) જેવી પ્રદેશીય શક્તિઓ ઊભી થઈ જે ભારતીય ઇતિહાસમાં ફરી વખત વિકેન્દ્રિત સત્તાનો તબક્કો હતો.


ઇ.સ. ૧૭૫૭ ના પ્લાસી યુદ્ધ પછી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારત પર નિયંત્રણ સ્થાપિત કર્યું. લોર્ડ વેલેસ્લીની અને લોર્ડ ડેલહાઉસીની   વિલીનીકરણની નીતિઓ દ્વારા 562 રજવાડાઓને બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ જોડવામાં આવ્યા. આ સમયમાં રાજાઓ અસ્તિત્વમાં રહ્યા, પરંતુ વાસ્તવિક સત્તા અંગ્રેજો પાસે હતી. આ તબક્કામાં ભારતીય રાજકીય વ્યવસ્થા વિદેશી શક્તિના નિયંત્રણ હેઠળ આવી ગઈ.


અંતે ૧૯૪૭ માં  ભારતને સ્વાતંત્ર્ય મળ્યું અને સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રજવાડાઓનું એકીકરણ થયું. ૧૯૫૦ માં  બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક સર્વભૌમ લોકશાહી ગણરાજ્ય બન્યું. અહીં દરેક નાગરિકને મતાધિકાર મળ્યો અને સત્તા વધુ વ્યાપક અને સુવ્યવસ્થિત સ્વરૂપમાં ફરીથી લોકોના હાથમાં આવી. 


આ સમગ્ર યાત્રા દર્શાવે છે કે ભારતની રાજકીય વ્યવસ્થા સતત પરિવર્તનશીલ રહી છે. શરૂઆતમાં સત્તા સમાજમાંથી ઉત્પન્ન થઈ, પછી તે રાજાશાહી અને સામ્રાજ્યમાં કેન્દ્રિત થઈ, ત્યારબાદ વિખંડન અને બહારની સત્તાના નિયંત્રણમાંથી પસાર થઈ અને અંતે આધુનિક લોકશાહીમાં પરિવર્તિત થઈ. 


✍️ ઉત્તમ ત્રાસડીયા ૧૮.૦૩.૨૦૨૬ 

Popular posts from this blog

રિવ્યુ - "લાલો" શ્રી કૃષ્ણ સદા સહાયતે!

  ગુજરાતી ફિલ્મ  “ લાલો ”  માત્ર એક સિનેમા નથી પરંતુ ઘરઘરમાં બનતી સત્ય ઘટનાનો અરીસો છે,અને સાથે સાથે ભગવાન કૃષ્ણ દરેક સંકટમાં કોઈ ને કોઈ રૂપે હાજર રહે છે, એવો શાંત સંદેશ પણ આપી જાય છે. આખા ફિલ્મનું કેન્દ્ર છે લાલજી — રીક્ષા ચલાવી પરિવારનો ગુજરાન ચલાવતો, દિલથી સારો, પરંતુ કરજ અને પરિસ્થિતિઓના ભારથી કંટાળી ગયેલો સામાન્ય માણસ. ઘરે તુલસી જેવી સ્નેહભરી પત્ની, અને ખુશી નામની ફૂલ જેવી દીકરી. પરંતુ એક દિવસ કિસ્મત એવી દિશામાં વળી જાય છે કે ખુશીનું એક્સિડન્ટ થાય છે અને આખું ઘર હચમચી જાય છે. દવાખાનાના બિલ, ઈલાજ, દવાઓ… અને તે બધું પૂરું કરવા માટે લીધેલું કરજ. કરજનું ભારણ વધતા લાલજીનું મન તૂટી પડે છે. મિત્રોના રવાડે દારૂનો હાથ પકડે છે, અંતે સમજણ    વધુ ગુમાવે    છે અને જીવન ખોટા રસ્તે જવા માંડે છે. આ તોફાન વચ્ચે તુલસી એકલી ઊભી છે ખુશીની સંભાળ, ઘરનો ભાર અને લાલજીની ચિંતા બધું એકસાથે. તેણીના પિતા ગામના સરપંચ છે, પણ તુલસીએ ભાગીને લગ્ન કર્યા હતા તેના ઘરના ઘા આજે પણ ઠીક નહોતા થયા. આખી ઘટના એ જ સમયે અદભૂત વળાંક લે છે, જ્યાં માણસની શક્તિ    પૂરી    થાય...

રિવ્યૂ - ધુરંધર ; “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું”

  “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું” વાહ !!!!  એક એવો ડાયલોગ જે આખી ફિલ્મનો સારાંશ છે . ફિલ્મ જોતા જ દિલની અંદર ઊંડે સુધી અસર કરે એવો આ ડાયલોગ છે. નાગરિકોની વિશ્વસનીયતા અને જીવની સુરક્ષા જાળવવા માટે કંધાર હાઈજેકના આતંકવાદીઓને છોડવા પડ્યા એ ભારતની મજબૂરી હતી પરંતુ ત્યારબાદ ઘરમાં ઘૂસીને બદલો લેવાની ભારતની હિંમત અને ક્ષમતા એ સરકારની મજબૂત ઇચ્છાશક્તિ અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ છે. ફિલ્મ જોતા જ ભારતીય સુરક્ષા એજન્સીના વફાદાર એજન્ટ્સ માટે માન આપોઆપ બે ગણું થઈ જશે. વિદેશી ધરતી પર અસહ્ય પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય જાસૂસો કેવી રીતે પોતાની પકડ મજબૂત રાખે છે અને દેશની સુરક્ષા માટે સતત સંઘર્ષ કરે છે તે દ્રશ્યો અત્યંત અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. પોતાની આંખો સામે પોતાની જ ટીમના સાથી પર શારીરિક અત્યાચાર થતો હોવા છતાં પથ્થર દિલ બની, મક્કમ મનોબળ અને બદલો લેવાની ક્ષમતા જાળવી રાખવી "આ કોઈ કાયરનું કામ નથી." પ્રથમ નજરે આ દ્રશ્યો માનવતા મરી પરવારી હોય એવો આભાસ કરાવશે પરંતુ પરિસ્થિતિ અને કારણનું ઊંડું અવલોકન કરશો તો સમજાશે કે દુશ્મનનો મિત્ર બનીને દુશ્મનને જ ખતમ કરવાની રણનીતિ સામાન્ય વિચારશક્તિ કે ક...

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!  ============================ મોરબી — એક નાનું શહેર, પરંતુ એક વિશાળ ઉદ્યોગનું ધબકતું હૃદય છે. અહીંનું સિરામિક ઉદ્યોગ એશિયાના સૌથી મોટા ઉદ્યોગોમાંનું એક ગણાય છે. કરોડો રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન અને લાખો લોકોના રોજગાર સાથે મોરબીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં, પણ દુનિયાના અનેક ખૂણાઓમાં ગુંજતું આવ્યું છે. પરંતુ આજે આ ગૌરવમય ઉદ્યોગ એક એવા વળાંક પર ઊભો છે જ્યાં તેની સમૃદ્ધિ કરતાં એની નબળાઈ વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉદ્યોગના મૂળમાં ઘૂસી ગયેલું સૌથી મોટું અને ઘાતક પરિબળ છે “પ્રાઈઝ વોર” આ લડાઈ કોઈ ટ્રેડર કે ગ્રાહક સાથે નથી, આ લડાઈ ઉદ્યોગકારો પોતે એકબીજાને સામે ઊભા થઈને લડી રહ્યા છે અને એ જ આ ઉદ્યોગના ધીમે ધીમે થતા પતનનું સૌથી મોટું કારણ છે. આજથી માત્ર બે-ત્રણ વર્ષ પહેલાં ૨x૪ સ્ક્વેર ફૂટ (૬૦૦x૧૨૦૦ mm) સાઇઝની ટાઇલ્સ રૂ. ૨૮ થી ૩૫ સુધીના ભાવે વેચાતી હતી. એ જ સાઇઝની ટાઇલ્સ આજે ફક્ત રૂ. ૧૮ ના તળિયાના ભાવે વેચાઈ રહી છે. જે ટાઇલ્સ ક્યારેક ગુણવત્તાની સ્પર્ધાથી વેચાતી હતી, એ હવે ભાવની લડાઈમાં મૃતઃપાય થઈ રહી  છે. ગુણવત્તા ગૌણ બની ગઈ છે અને સૌથ...