Monday, 2 December 2019

એકવાર મિત્ર બનાવી તો જો

જીવવું લાગશે ખૂબ સરળ,
એક વાર જિંદગી ને સમજી તો જો !!!

દુઃખ દર્દ માં પણ ખૂબ સરળતા હશે,
એક વાર પ્રયત્ન કરી તો જો !!!

નિખાલસતા અનુભવાશે સંબંધો માં,
એક વાર સંબંધ બાંધી તો જો !!!

દુનિયા જીતવા એક મિત્ર કાફી છે,
બસ એક વાર મિત્ર બનાવી તો જો !!!

Author:

Uttam Trasadiya

Date: 02.12.2019

Email: uttam@uttamtrasadiya.in

“બેટી બચાઓ, બેટી પઢાઓ” એ માત્ર સ્લોગન માં લખવા માટે નથી.

ઓમ શાંતિ ડો. પ્રિયંકા રેડ્ડી…
આખા દેશ માટે આ કરુણ ઘટના છે…
“બેટી બચાઓ, બેટી પઢાઓ” એ માત્ર સ્લોગન માં લખવા માટે નથી. 
એક દીકરી જે ડોકટર બનીને માં બાપ ના સપનાઓ પુરા કરવા નોકરી કરવા જતી હોય અને એકલતા નો લાભ લઈને એની સાથે બળાત્કાર જેવા દુષ્કૃત્ય બાદ હત્યા કરવા માં આવે અને આખા દેશ ના પક્ષ – અપક્ષ અને વિપક્ષ ના નેતાઓ ઘટના ના 4..4 દિવસ પછી પણ ચૂપ બેસે ત્યારે ખરેખર લાગે છે કે નપુંસકતા હદ વટાવી રહી છે…
મિત્રો જાગો… ડો. પ્રિયંકા પણ કોઈક ની દીકરી હતી, કોઈક ની બહેન હતી…
આજે એક તેલંગણા ની દીકરી હતી કાલે કોઈ આપણા ગુજરાત નું હશે, ક્યાં સુધી સહન કરશો ???
આજે એક હિન્દી બોલનાર દીકરી હતી કાલે ગુજરાતી બોલનારી બહેન હશે, ક્યાં સુધી સહન કરશો ???
આજે કોઈ બીજા પરિવાર ની દીકરી હતી કાલે કોઇ મારા કે તમારા પરિવાર નું હશે, ક્યાં સુધી સહન કરશો ???
આ અમાનવીય કૃત્ય માં સામેલ તમામ સામે કેસ નહિ સીધી ફાંસી ની સજા થવી જોઈએ એમાં બે મત નથી, પણ મારી વાત હવે શરૂ થાય છે….
જે થવાનું હતું એ થઇ ગયું જેના થી તમામ લાગણીશીલ અને માનવીય વિચારધારા ના લોકોને દુઃખ છે પણ બીજી કોઈ દીકરી સાથે આવી ઘટના ન બને એના માટે સમાજ ના પ્રબુદ્ધ નાગરિકો એ જાગવાની જરૂર છે…
મારી વિચારશક્તિ પ્રમાણે અમુક વાતો અહીંયા લખું છું, સારી અને સાચી લાગે તો કાલ થી જ તમારા પરિવાર માં અમલ એ જ આશા રહેશે.
1. આપણા પરિવાર ની દીકરીઓ (બહેન, પત્ની, માતા, ફોઈ, માસી, મામી કે પછી અન્ય કોઈ પણ હોય) ને જ્યારે કાઈ પણ મુશ્કેલી હોય તો એની વાત ને મજાક માં નહિ પણ ગંભીરતા થી લઈએ અને એને પરિવાર માંથી પૂર્ણ હૂંફ આપવાનો પ્રયત્ન કરીએ.
2. દીકરીઓ ત્યારે જ કોઈ વાત રજૂ નથી કરતી જ્યારે પરિવાર એના ઉપર ધ્યાન નથી આપતો. આપણે સૌ આપણા પરિવાર ની દીકરી ને પોતાના વિચારો રજૂ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપીએ.
3. જો આપણા પરિવાર માં કોઈ વર્કિંગ વુમન હોય તો એ જે માર્ગે થી પસાર થાય છે એ રસ્તા ઉપર આવતા ઘર, મહોલ્લા માં આપણે આપણી અનુકૂળતા મુજબ પારિવારિક સંબંધો નું નિર્માણ કરીએ જેથી તત્કાળ સમયે કામ આવી શકે.
4. સોશિયલ મીડિયા ના માધ્યમ થી આજે દીકરીઓ ને ખૂબ બ્લેકમેલ કરવામાં આવે છે. આપણા પરિવાર માં સોશિયલ મીડિયા નો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની યોગ્ય માર્ગદર્શન બેઠક સમયાંતરે કરીએ.
5. પરિવાર ના બધા જ સભ્યો એક બીજા ના સોશિયલ મીડિયા એકાઉન્ટ માં કનેક્ટેડ રહીએ જેથી મુશ્કેલી ના સમયે જરૂરી માહિતી મેળવી શકાય.
6. આપણા પરિવાર નું કોઈ પણ સભ્ય જ્યાં નોકરી કે ધંધો કરે છે ત્યાંના તેના સહકર્મીઓ, સ્થાનિકો સાથે આપણે પારિવારિક જોડાયેલા રહીએ. આ જોડાય થી મુશ્કેલી ના સમયે હકીકત જાણવામાં મદદ મળશે.
7. ગુજરાત – ભારત માં હજારોની સંખ્યામાં સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ એકેડેમીઓ કામ કરે છે. આ સંસ્થાની સહાય થી દર વર્ષે અથવા દર બે વર્ષે આપણા પરિવાર ના તમામ સદસ્યો માટે સેલ્ફ ડિફેન્સ ટ્રેઇનિંગ નું આયોજન કરીએ.
8. ઘણા બધા યુવાન યુવતીઓ યુવાની ના મદમાં ચારિત્ર્ય અને પરિવાર ને ન શોભે એવા અસભ્ય કામ કરતા હોય છે એનું મૂળ કારણ તેમના મિત્રો છે. મિત્રો કેવા બનાવવા એની કાળજી લેતા ઘરે થી જ શીખવાડીએ.
9. ઘર માં રોજ સવારે અને સાંજે સામુહિક પ્રાર્થનાનું આયોજન કરીએ જેથી માનસિક શક્તિ નું નિર્માણ થશે.
10. ઘરમાં રોજ સાંજે 15 મિનિટ, 30 મિનિટ કે કલાક જેવી અનુકૂળતા એ મુજબ એક બેઠક કરીએ જ્યાં બધા ખુલ્લા દિલ થી પોતાની વાત રાખી શકે જેથી સંગઠન શક્તિ નું નિર્માણ થશે, પરિવાર ના બધા સભ્યો એક બીજા ની નજીક આવશે.
11. અંતિમ છે સંસ્કાર ; જે બાળક હંમેશા માં બાપ, કાકા કાકી, મામા મામી, ફોઈ ફુઆ, અને બીજા વડીલ પરિવારજનોના વર્તન થી જ શીખે છે જેથી આપણું વર્તન હકારાત્મક ચારિત્ર્ય ભર્યું હોય એ ખૂબ જરૂરી છે.
જય હિન્દ, વંદે ભારત માતરમ.

Author:

Uttam Trasadiya

Date: 02.12.2019

Email: uttam@uttamtrasadiya.in

Thursday, 5 September 2019

શિક્ષક દિવસ

શિક્ષકનું પ્રથમ કર્તવ્ય છે કે તે વિદ્યાર્થીઓ ને પરિસ્થિતિ ને દબાવી દેવાનું નહિ પણ સામનો કરવાનું જ્ઞાન આપે.
ભારતની આ આધુનિક પેઢીનું દુર્ભાગ્ય છે કે તેઓ સામનો કરવા ની બદલે પરિસ્થિતિ ને દબાવી દેવામાં માને છે.
એ દબાયેલો જ્વાળામુખી ક્યારેય પણ વિનાશ સર્જી શકે.

આજે આ આધુનિક યુગ માં ગણતર ના અભાવે અને  માત્ર પુસ્તકિયા જ્ઞાનને આધારે બાળકોનું માનસિક સ્તર દિવસે ને દિવસે નીચે આવી રહ્યું છે.
જ્યારે પરિસ્થિતિ સારી હોય ત્યારે જીરવતા અને જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે ઝઝૂમતા શીખવવામાં નહિ આવે તો આગામી સમય કાળરૂપ હશે.

માત્ર શિક્ષણ ને નહિ; સાથે સંસ્કાર ને પણ પ્રાધાન્ય મળે,
માત્ર ધર્મ ને નહિ; સાથે એના મર્મ ને પણ પ્રાધાન્ય મળે,
માત્ર સ્વચ્છતા ને નહિ; સાથે પવિત્રતા ને પણ પ્રાધાન્ય મળે એને ખરા અર્થ માં શિક્ષિત કહેવાય.

સમય ની સાથે પરિવર્તન પણ અનિવાર્ય છે, એ પરિવર્તન ને જૂની પેઢીઓ ની ટીકા ની નહિ પણ સહકારની અપેક્ષા હોય છે. વડીલો ના જરૂરી અનુભવો ના આધારે યુવા પેઢીઓમાં આવી રહેલું પરિવર્તન સ્વીકાર્ય બને એ જ સાચી શિક્ષા છે.

દુર્ભાગ્ય વશ ભારત ની આ કહેવાતી ધર્મપ્રેમી જનતા એ એવા મહાપુરુષોને ભૂતકાળ માં ગાળો આપી જે સત્ય આચરણ ના સિદ્ધાંતો ને સ્થાપવા માંગતા હતા. એમના વિચારો આજે વિશ્વવ્યાપી બન્યા છે પણ ભારત ની જનતા આજે પણ એ વિભૂતિઓને ઓળખી શકી નથી. જ્યાં સુધી આપણને આપણા જ પૂર્વજો નું, એમના વિચારો નું, ભૌગોલિક વારસા નું ગૌરવ નહિ હોય ત્યાં સુધી દેશ માં સ્વાભિમાનના, વિવેક ના, ભાઈચારા અને એકતા ના સગડ ક્યારેય જોવા નહિ મળે.

આજનું બાળક શિક્ષણથી કંટાળી ને આત્મહત્યા કરે, હિંસક શિક્ષણથી પ્રેરિત થઈ ને ગેર પ્રવૃતિઓ આચરે, બળાત્કાર અને અત્યાચાર જેવા ગંભીર ગુના નો શિકાર બને તો એ દેશની GDP (G- ગરીમા, D - દેશદાઝ  , P - પરંપરા) ક્યારેય ઉપર નહિ આવે.

દેશ ના આર્થિક, રાજકીય, સામાજિક, ભૌગોલિક, ધાર્મિક અને ઉદ્યોગિક વિકાસ નો પાયો શિક્ષણ છે.
જ્યાં સુધી પાયો મજબૂત નહિ બને ત્યાં સુધી ઇમારત ના ટકવાનો પ્રશ્ન કરવો એ જ મુર્ખતા છે અને એ પાયો મજબૂત કરવાની જવાબદારી શિક્ષક ની છે.

Author:

Uttam Trasadiya

Date: 05.09.2019

Email: uttam@uttamtrasadiya.in

Monday, 18 March 2019

વ્યક્તિ વિશેષ: માન. શ્રી મનોહર પારીકર

આઈ.આઈ.ટી મુંબઈ જેવી ખ્યાતનામ કોલેજ માંથી સ્નાતક ની ડિગ્રી મેળવ્યા બાદ સંઘ ના આદેશ થી રાજનીતિ માં જોડાયેલા શ્રી મનોહર પરિકર સાહેબ ની જીવન શૈલી દિલચસ્પ અને આશ્ચર્ય માં મૂકી દે તેવી હતી.
26 વર્ષ જેટલી નાની વયે  ગોવા પ્રાંત ના સંઘ ચાલક ની જવાબદારી કુશળતા પૂર્વક નિભાવ્યા બાદ સંઘ ના આદેશ થી ભારત ની રાજનીતિ માં તેમનું આગમન થયું. રાજનેતા કેવો હોય એનું આદર્શ ઉદાહરણ શ્રી મનોહર પરિકર સાહેબ ના જીવન માંથી શીખવા જેવું છે.
ગોવા ની એક 5 સ્ટાર હોટેલ માં જ્યારે તેઓ પહોંચે છે ત્યારે તેમના સાદા કપડાં ને લીધે હોટેલ નો વોચમેન તેમને પ્રવેશ ની મનાઈ ફરમાવે છે.
એક મુખ્યમંત્રી કક્ષા ની બીજી કોઈ વ્યક્તિ કદાચ આ અપમાન સહન ન કરી શકે ! , જ્યારે સાહેબ કોઈ પણ ઉગ્ર પ્રતિક્રિયા આપ્યા વગર આયોજકો ની રાહ જુએ છે.
એવા હતા એ  મૃદુ સ્વભાવ ના સંવેદનશીલ રાજનેતા !
ગોવા વિધાનસભા ના સત્ર દરમિયાન રસ્તા ઉપર ના અતિશય ટ્રાફિક ને લીધે જ્યારે તેમનો કાર કાફલો અટવાઈ જાય છે ત્યારે પોલીસ પ્રશાસન ને ધમકાવ્યા વગર અતિ શાંત સ્વભાવે એક સામાન્ય નાગરિક ના સ્કૂટર ઉપર બેસીને તેઓ વિધાનસભા ભવન પહોંચે છે.
એવા હતા એ સરળ સ્વભાવ ના સક્રિય રાજનેતા !
રક્ષા મંત્રાલય ની અતિ મહત્વપૂર્ણ જવાબદારી છોડી ને માત્ર ને માત્ર ગોવા ની જનતા ના કલ્યાણ અર્થે ગોવા પરત ફરી કુશળતા પૂર્વક સંચાલન સંભાળે છે.
એવા હતા એ  જનતા ના હ્ર્દય સમ્રાટ ત્યાગી રાજનેતા !
તેમના રાજકીય જીવન ની એક પણ મુસાફરી માં દેશ ની તિજોરી નો એક પણ રૂપિયો ખોટો વેડફાય નહિ એ માટે બિઝનેસ ક્લાસની મુસાફરી ની જગ્યાએ ઇકોનોમી કલાસ માં જ મુસાફરી કરવાનું પસન્દ કરતા.
એવા હતા એ કરકસર પૂર્વક જીવનારા જાગ્રત રાજનેતા !
આદરણીય શ્રી મનોહર પરિકર સાહેબ
આજે આપણી વચ્ચે નથી પરંતુ એમના સિદ્ધાંતો અને જીવનશૈલી સદાય યુવા હ્ર્દય માં જીવતી રહે એ જ અભ્યર્થના સાથે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ...

Author:

Uttam Trasadiya

Date: 18.03.2019

Email: uttam@uttamtrasadiya.in

Monday, 11 February 2019

વ્યક્તિત્વ એટલે મનથી ઉદ્દભવતા વિચારોની આભા

વ્યક્તિત્વ એટલે વ્યક્તિના વિચારોનું વાસ્તવિક સ્વરૂપ.
કોઈ વ્યક્તિ જેવું વિચારે છે તેવું તે કરે છે અને તે કાર્યો જ તેનું વ્યક્તિત્વ નક્કી કરે છે.
વાસ્તવિક સ્વરૂપમાં વિચારોની આભા જ વ્યક્તિત્વની નિશાની છે.
આ વિચારોનું સર્જક એટલે વ્યક્તિનું મન.
મગજ ક્યારેય કોઈ વિચાર કરતુ નથી, વિચાર હમેશા મન કરે છે કારણકે આત્મા અને મનનું જોડાણ એ કુદરતની દેન છે એટલે જ ડોકટરો મગજને રીપેર કરી શકે છે મન ને નહિ.
મન એ અખૂટ શક્તિ અને અનંત વિચારોનો ભંડાર છે, જ્યાં અનંત હોય તેનો કોઈ ઈલાજ ન હોય.
આપણે માત્ર પૃથ્વી સુધી પહોંચતા સૂર્યના કિરણો ને અનુભવી શકીએ છીએ પરંતુ એ કિરણો નું સર્જન કરી રહેલા સૂર્ય ના તપને અનુભવી શકાતું નથી.
આવું જ વિચારોનું છે, કોઈ વ્યક્તિના વિચાર ને અનુભવવો અશક્ય છે માત્ર તે વિચાર ના વાસ્તવિક સ્વરૂપને અનુભવી શકાય છે, સમજી શકાય છે, તેનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકાય છે.
જે વ્યક્તિ સર્જનાત્મક પ્રકૃતિ ધરાવે છે તે જ વ્યક્તિ વિચારી શકે છે. જેને કાઈ સર્જન કરવાની ઈચ્છા નથી તે ક્યારેય મનના ચિંતન સુધી પહોંચી શકતો નથી તે માત્ર સર્જિત વસ્તુઓ કે પરિસ્થિતિઓનું સંતોષપૂર્વક સંચાલન કરી શકે છે જેને તેના વ્યક્તિત્વ સાથે કાઈ લેવા દેવા રહેતા નથી.
ધર્મગુરુઓ અને શિક્ષકો દ્વારા શીખવવામાં આવે છે કે મન ઉપર અંકુશ રાખો, નિયંત્રણ રાખો. જેમ આકાશ ના છેડા ને અને દરિયા ના તળિયાને કોઈ નિયંત્રણ નથી તેમ મન ને નિયંત્રણ અશક્ય વાત છે. સર્જન ને કોઈ સીમા હોતી નથી. સર્જન તો શૂન્ય થી શરૂ થાય છે, અનંત સુધી આંબવા માટે.. જે શરૂઆત ચોક્કસ સમય અને ચોક્ક્સ મર્યાદા પૂરતી સીમિત હોય તે શરૂઆત ક્યારેય મનથી થઈ શકે નહીં કારણકે મન એ અનંતનો ખજાનો છે...
અંકુશ એના પર થઇ શકે જે મર્યાદિત હોય, માનવ સર્જિત વસ્તુનો અંકુશ અને મર્યાદા છે એટલે જ તેના વપરાશ ને અંકુશ લગાવવામાં આવે છે.
મન સર્જિત પ્રેમ, લાગણી, હૂંફ, આત્મીયતા અને વિચારોને અંકુશ લાગી શકે નહીં.
જે પૂર્ણ છે તે અનંત છે, તે અમૂલ્ય છે એટલે જ પ્રેમ કે લાગણી કે વિચારો રૂપિયા ના ભાવે મળી શકતા નથી. 
મન એક એવો ભંડાર છે જે ક્યારેય ખૂટી શકે નહીં, સૂર્ય ની શક્તિ જેવો ભંડાર છે...
મન પર અંકુશ રાખવાની સલાહ દેનાર ને ખબર જ નથી કે મન ની તાકાત સૂર્યની શક્તિ જેટલી છે. 
જ્યારે કોઈ વ્યક્તિ મન ના અનંત ભંડાર ના સહયોગે આત્મા ના આનંદ તરફ ગતિ શરૂ કરે છે ત્યારે તે નિર્ભય થઈ જાય છે...
અનંત નો આનંદ નિર્ભય અને અપેક્ષા રહિત હોય છે, અનંત ને પામવા કરતા માણવા માં વધુ આનંદ હોય છે...
ઘણા લોકો એવું કહેતા ફરે છે કે આપણને સંતોષ છે, એવા લોકો ખરેખર અનંત સુધી સફર કરવાની હિંમત નથી એટલે પોતાની જાત ને સંતોષી સિદ્ધ કરતા ફરે છે.
અનંત તો એક અનુભવ છે જે માત્ર આનંદ થી માણી શકાય...
'જીવન થી સંતોષ છે' એવો દાવો કરનાર વ્યક્તિ કે સમુદાય ખરેખર સ્વાર્થી જીવન જીવે છે અને એવો સ્વાર્થ જે પરમાર્થમાં ક્યારેય પરિણમી શકવાનો નથી.
પરમાર્થ માટે કરેલો સ્વાર્થ ઉચિત છે, પણ ખોટા બંગણા ફૂંકી ને સંતોષી છું એવો દાવો કરવા માટે જે સ્વાર્થ કરવો પડે છે તે ક્યારેય ઉચિત ન હોઈ શકે..
મન હમેશા સ્વીકાર કરી શકે, કોઈ ને સુધારવા માટે તો મન ક્યારેય તૈયાર હોતું નથી.. દુનિયા સુધારવા નીકળેલા મહાત્માઓ તેમના સર્વાંગી સુખ માટે ફરે છે ઘણા એવા સાધુ છે જે નિજાનંદી હોય જે ક્યારેય કોઈ ને સુધારવાની કોશિશ નથી કરતા તમામનો સ્વીકાર કરે છે  અને આ નિજાનંદ ને કોઈ મર્યાદા ન હોઈ શકે કારણ તે મનથી પ્રગટે છે.
એટલે જ મનથી જીવનાર વ્યક્તિ અનંત સુખ નો અનુભવ અનંત વખત કરે છે કારણકે તેના વિચારો અનંત તાકાત ધરવતા હોય છે અને આવા અનંત વિચારોની આભા જ વ્યક્તિત્વ ની ઓળખ છે.

Author:

Uttam Trasadiya

Date: 11.02.2019

Email: uttam@uttamtrasadiya.in