Sunday, 29 March 2020

માનવતા નું ટેસ્ટિંગ !

વિશ્વમાં કોરોના વાઇરસ નો પ્રથમ કેસ 01.12.2019 ના રોજ ચાઇના ના વુહાન શહેર માં સામે આવ્યો હતો જે જોત જોતામાં માત્ર 3 મહિના જેટલા ટૂંકા ગાળા માં વિશ્વ ના તમામ દેશ માં ફેલાયો. ભારતમાં કોરોના વાઇરસ ની ગંભીર અસર ના એંધાણને પગલે 22 માર્ચ 2020 ના જનતા કરફ્યુ ના જન સમર્થન બાદ ભારત લોક ડાઉન ને આજે પાંચમો દિવસ છે.

સમાચાર પત્રો, સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા વગેરે દ્વારા મળી રહેલા સમાચારો ના આધારે આજે આખો દેશ ઘર માં પુરાયો છે : ઘણા સ્વેચ્છાએ, ઘણા મજબૂરી માં તો ઘણા દબાણ ને લીધે !
જેમાં હું કે તમે કોઈ બાકાત નથી.

આ સમય માં અનુભવાઈ રહ્યું છે કે આખા વિશ્વના  માત્ર આરોગ્ય નું ટેસ્ટિંગ જ નહિ પણ તમામ વ્યક્તિની માનવતાનું પણ ટેસ્ટિંગ થઈ રહ્યું છે.

ઉદાર મનના લોકો ફૂડપેકેટ વિતરણ જેવી સેવા કામગીરીમાં લાગ્યા છે તો દાતારો, ઉદ્યોગકારો, સામાજિક અને ધાર્મિક સંસ્થાનો લાખો - કરોડો રૂપિયાના દાન નો ધોધ વરસાવી સરકાર ના હાથ મજબૂત કરવાની સેવા માં લાગ્યા છે.

આ સમયે રાષ્ટ્ર અને રાજ્ય ની સરકારો પણ અતિ સતર્કતા સાથે જન કલ્યાણ અને જન આરોગ્ય બાબતે ચિંતિત અને કાર્યરત છે. અબજો રૂપિયા ના બજેટ ની જાહેરાત, મહામારી ના સમય માં જનસેવા માં લાગેલા પોલીસ , ડોકટર્સ અને અનિવાર્ય ચીજ વસ્તુઓના વિક્રેતા ના આરોગ્ય માટે લાખો રૂપિયા ના વીમા કવચ ની જાહેરાત, આર.બી.આઈ જેવી રાષ્ટ્રીય બેન્ક દ્વારા થયેલી લોન અને emi લક્ષી જાહેરાતો થી તમામ ને  માનસિક અને આર્થિક રાહત આપવાનો સરાહનીય પ્રયાસ સરકાર દ્વારા થયો છે.

જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા ફળ, શાકભાજી, કરિયાણું અને છાશ - દૂધ જેવી જરૂરી વસ્તુઓ તમામ ને પોતાના ઘરે જ પ્રાપ્ત થાય એ માટે પ્રયાસો થઈ રહ્યા છે.

સંપૂર્ણ રાષ્ટ્ર માં પોલીસ જવાનો અને અમુક મહત્વ ના વિસ્તારો માં સૈન્ય ના જવાનો તમામ લોકો ને ઘરે રહેવા માટે સમજાવી રહ્યા છે, તો જે ન માને ત્યાં દબાણપૂર્વક પ્રયત્નો થઈ રહ્યા છે.

આ બધી ઘટનાઓ માં એક વાત સામાન્ય છે જે છે માનવતા નું ટેસ્ટિંગ !

નેતા હોય કે અધિકારી, પોલીસ હોય કે સમાજ સેવક, દાતા હોય કે ઉદ્યોગ પતિ તમામ લોકો રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ સમજી યથા યોગ્ય મદદરૂપ થઈ ને માનવતા દાખવી રહ્યા છે અને મારા મતે માનવતા ના ટેસ્ટિંગ માં તે તમામ પાસ છે જ પણ વાત છે સામાન્ય નાગરિક ની !!!

એક નાગરિક તરીકે આપણે આપણી ફરજો ચુકતા નથી ને ??? આ સમય માં આ પ્રશ્ન આપણે આપણી જાત ને પૂછવો ખૂબ મહત્વનો છે.

પોલીસ તંત્ર ની મનાઈ છતાં રસ્તાઓ પર ભટકવું એ એક નાગરિક ને શોભા આપે એવા લક્ષણ નથી જ !!
આજે પ્રશાસન કડક છે તો આપણી સલામતી માટે જ કડક છે, પોલીસ ને કોઈ વ્યક્તિગત ફાયદો તો છે જ નહીં ને !!!

ઘણી બધી સોસાયટીઓ માં વસતા ઈંટર્ન ડોકટર્સ, નર્સ અને પોતાના જીવ ના જોખમે સમાજ ઉપયોગી સેવા માં રોકાયેલા બંધુઓને ત્યાં ના રહીશો પ્રવેશ ન આપી ને અથવા તેમને ધૂતકારી ને શુ સાબિત કરવા માંગે છે ???
માણસ છીએ તો માનવતા પૂર્ણ વ્યવહાર કરતા શીખીએ !! આ એ બંધુઓ છે જેણે મહામારી ના સમય માં પોતાનો જીવ જોખમ માં મુકયો છે ; માત્ર ને માત્ર રાષ્ટ્ર ને ઉગારવા માટે, નાગરિકો ને બચાવવા માટે...

અન્ન અને પાણી જેવી મહામૂલી વસ્તુઓ નો બગાડ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું એ આપણી મહત્વની ફરજ છે.

પહેલી વખત કદાચ એવો બનાવ બન્યો છે કે માણસે જીવવા માટે કમાવવાનું છોડી દીધું છે. પૈસા ની પાછળ ગાંડો થયેલો માણસ આજે આરોગ્ય માટે ચિંતિત છે. આ સમય માં આપણે એક વાત ચોક્કસ નોંધી શકીએ કે પૈસા, સતા અને વૈભવ કરતા પર્યાવરણ, પ્રકૃતિ અને પરિવાર અતિ મહત્વ ના છે.

રૂપ કરતા આરોગ્ય,
રૂપિયા કરતા પરિવાર,
ફાર્મ હાઉસ પાર્ટી કરતા પરિવાર સમૂહ ભોજન,
ડી.જે ના ગ્રુપ ડાન્સ કરતા પરિવાર નો સંવાદ,
ઘોંઘાટ કરતા શાંત પ્રકૃતિ,
પ્રદુષણ કરતા સ્વચ્છ આકાશ ને મહત્વ આપવાનો આનંદ કઈક અલગ છે જ જેની અનુભૂતિ કરવાના આ દિવસો છે.

આ દિવસો ના ફળ સ્વરૂપે આપણે પ્રાપ્ત કરીશુ પરિવાર ની એકતા, સ્વચ્છ પ્રકૃતિ, વ્યક્તિગત ધીરજ ની કેળવણી, બિન જરૂરી વસ્તુઓ થી દૂર રહેવાની કળા, પશુ પક્ષી અને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા, બાળપણ ની યાદો અને બીજું ઘણું બધું અને પાછું તદ્દન નિઃશુલ્ક !!! જ્યાં થી એક વાત નોંધી શકીએ કે જે પૂર્ણ છે તેનો કોઈ ચાર્જ હોતો જ નથી. બસ માનવતા ખાતર આવનારા સમય માં આ તમામ વસ્તુઓ ને આપણે જાળવીએ અને આનંદમય જિંદગી જીવીએ.

Author:

Uttam Trasadiya

Date: 29.03.2020

Email: uttam@uttamtrasadiya.in