Thursday, 30 October 2025

આવનારા યુગમાં ટેક્નોલોજી નહિ, માનવીય બુદ્ધિ અને સંવેદના જ સૌથી મોટી શક્તિ બનશે.

 


આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે માણસની બુદ્ધિને મશીનમાં ઉતારવાનો અદ્ભુત પ્રયત્ન છે. દુનિયા ઝડપથી ડિજિટલ બની રહી છે, મશીનો વિચારવા, શીખવા અને નિર્ણય લેવાની ક્ષમતા મેળવી રહ્યા છે. આ બદલાવથી ઘણી નોકરીઓ ઓછી થશે, પરંતુ અનેક નવી તકો પણ ઊભી થશે. ખાસ કરીને ખેતી, પશુપાલન, માનવીય ઇમોશન સાથે જોડાયેલા વ્યવસાય અને કન્સલ્ટિંગ ક્ષેત્રોમાં તો ભવિષ્ય એકદમ ઉજ્જવળ છે.


ખેતી માનવ જીવનનો મૂળ આધાર છે અને હવે તે પરંપરાગત નહિ, સ્માર્ટ ખેતી બનતી જાય છે. AI આધારિત ટેક્નોલોજીથી ખેડૂત હવે જમીનની હાલત, તાપમાન, ભેજ, પાણી અને ખાતરનું પ્રમાણ દરેક બાબત જાણીને યોગ્ય નિર્ણય લઈ શકે છે. ડ્રોન અને સેન્સરથી પાકનું આરોગ્ય ચકાસી શકાય છે, જેનાથી ઉપજ વધે છે અને ખર્ચ ઘટે છે. આવી ટેક્નોલોજી સાથે કામ કરતા યુવા ખેડૂત અને એગ્રો ઉદ્યોગસાહસિકો માટે આવનાર સમય સોનેરી બની શકે છે. ગામડાંઓમાં “AI ફાર્મ કન્સલ્ટિંગ” જેવી નવી સેવા શરૂ થઈ શકે છે, જ્યાં ડેટા આધારિત માર્ગદર્શન આપીને ખેડૂતોને સક્ષમ બનાવી શકાય. ખેતી ક્ષેત્રમાં ટેકનોલોજી હવે સ્પર્ધા નહિ, સહયોગી સાબિત થશે.


પશુપાલન ક્ષેત્રમાં પણ AI ચમત્કારિક પરિવર્તન લાવી રહ્યું છે. પશુઓની તબિયત હવે માનવીના અંદાજ પર નહિ પરંતુ સેન્સર અને સ્માર્ટ ઉપકરણો પર આધારિત રહેશે. દૂધ ઉત્પાદન, ખોરાકનું સંતુલન, આરોગ્ય ચકાસણી અને બ્રીડિંગ – આ બધું જ ડેટા અને AI દ્વારા વધુ વૈજ્ઞાનિક રીતે સંભવ બને છે. જે ખેડૂત અગાઉ એકલદોકલો પ્રયત્ન કરતો હતો, તે હવે ટેક્નોલોજીની મદદથી વધુ ચોક્કસ અને નફાકારક રીતે વ્યવસાય કરી શકે છે. આવી વ્યવસ્થાથી ગ્રામીણ યુવાનો માટે નવા પ્રકારના ઉદ્યોગ ઊભા થઈ શકે છે – જેમ કે ડેરી ડેટા એનાલિસિસ, સ્માર્ટ એનિમલ મેનેજમેન્ટ, અને AI આધારિત ફાર્મ સોલ્યુશન્સ.


માનવીય ભાવનાઓ સાથે જોડાયેલા ક્ષેત્રો જેમ કે કાઉન્સેલિંગ, લાઈફ કોચિંગ, વેલનેસ ગાઈડન્સ, રિલેશનશિપ કન્સલ્ટિંગ વગેરેમાં તો ભવિષ્ય વધુ ઉજળું છે કારણ કે મશીન ગમે તેટલું બુદ્ધિશાળી બને એ વ્યક્તિની દિલની લાગણી સમજી શકતું નથી. 


લોકો ટેક્નોલોજીથી થાક્યા છે; તેમને હવે માનવીય સંવેદનાનો સ્પર્શ જોઈએ છે. AI માહિતી આપે છે, પરંતુ સહાનુભૂતિ, સમજણ અને હૃદયથી જોડાણ ફક્ત માણસ જ આપી શકે છે. આથી આગામી વર્ષોમાં ઈમોશનલ ઈન્ટેલિજન્સ ધરાવતા લોકોની મોટી માંગ ઊભી થશે.


AI પછીનું યુગ કન્સલ્ટિંગ અને એડવાઇઝરી ક્ષેત્ર માટે પણ સુવર્ણ અવસર લાવશે. લોકો પાસે માહિતી તો ઘણી હશે, પરંતુ યોગ્ય નિર્ણય માટે માર્ગદર્શક જોઈએ. AI ડેટા આપે છે, પરંતુ ડેટાનો અર્થ શું છે અને એ પરથી કઈ દિશામાં આગળ વધવું તે નક્કી કરનાર માણસ જ છે કારણકે અંતે ટેક્નોલોજીનો વિકાસ એ માનવીના મગજમાં ઉછરેલા વિચારોનું પરિણામ છે. 


બિઝનેસ કન્સલ્ટિંગ, ફાઇનાન્સિયલ ગાઈડન્સ, એજ્યુકેશનલ એડવાઇઝિંગ કે લીગલ કન્સલ્ટિંગ – દરેક ક્ષેત્રમાં માનવીની સમજણ અને અનુભવ અમૂલ્ય રહેશે.


AI માણસનો શત્રુ નથી, એ તો માણસની શક્તિમાં વધારો કરે છે. ભવિષ્ય એ લોકોનું છે જે ટેક્નોલોજી શીખવા તૈયાર છે, નવા વિચારો સ્વીકારી શકે છે અને માનવીય મૂલ્યોને જીવંત રાખી શકે છે. AI પછીનું યુગ એ માનવીની બુદ્ધિ અને સંવેદનાની કસોટી છે. ખેતી અને પશુપાલન જેવી મૂળભૂત વ્યવસ્થાઓ વધુ વૈજ્ઞાનિક બનશે, ઇમોશન આધારિત વ્યવસાય વધુ માનવીય બનશે, અને કન્સલ્ટિંગ ક્ષેત્ર વધુ શક્તિશાળી બનશે.


આ સમય ભયનો નથી પણ બદલાવને સમજવાનો છે. જે ટેક્નોલોજીને સાધન બનાવી માનવીના હિત માટે વાપરે છે, એ જ સાચો વિજેતા છે. 


AI પછીનું ભવિષ્ય એવા લોકોનું છે જે દિલ અને મગજ બંનેથી કામ લે છે — કારણ કે આવનારા યુગમાં ટેક્નોલોજી નહિ, માનવીય બુદ્ધિ અને સંવેદના જ સૌથી મોટી શક્તિ બનશે. 


✍️ ઉત્તમ ત્રાસડીયા ૩૦.૧૦.૨૦૨૫

Wednesday, 29 October 2025

સમયની સાથે નવી ટેકનોલોજીનો સ્વીકાર કરીને આપણે જો નવી તકો શોધીશું નહીં તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઘણી નોકરીઓનો ભોગ લઈ લેશે.



AI એટલે એક એવી ટેકનોલોજી જે માણસની જેમ વિચારવાનું, સમજાવવાનું અને શીખવાડવાનું જાણે છે. આજે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બહુ ઝડપથી વધી રહ્યું છે. ઘણી બાબતો હવે માણસ નહિ, મશીન વધુ સારો રીતે કરી શકે છે. એ જ કારણ છે કે ભવિષ્યમાં અનેક નોકરીઓ બદલાઈ જશે કે બંધ પણ થઈ શકે છે. આ બાબત માનવ સમાજ માટે મોટો પડકાર છે. 


સૌથી પહેલા અસર થશે ફેક્ટરી અને ઉત્પાદન ક્ષેત્રમાં. રોબોટ્સ દિવસ - રાત કામ કરે, ક્યારેય થાકે નહીં અને ભૂલ પણ ઓછી કરે. ટાઇલ્સ, કાર, ઇલેક્ટ્રોનિક્સ, બધું જ ઓટોમેટિક મશીનો બનાવી દેશે. જેના કારણે હજારો કામદાર લોકોને રોજગાર માટે નવી દિશા શોધવી પડશે.


બીજું મોટું ક્ષેત્ર છે IT અને કોમ્પ્યુટર જગત જેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને જન્મ આપ્યો. અત્યાર સુધી પ્રોગ્રામર, સોફ્ટવેર એન્જિનિયર ખુબ સુરક્ષિત નોકરીમાં ગણાતા હતા. હવે AI પોતે કોડ લખી દે છે, વેબસાઈટ બનાવી દે છે અને ડેટા એનાલિસિસ પણ કરે છે. આવનારા સમયમાં સામાન્ય લેવલના પ્રોગ્રામર્સની જરૂરિયાત ખૂબ નહિવત થઈ જશે એટલે પરિસ્થિતિ તો એવી ઊભી થાય કે AI ના જન્મદાતાનો જ ભોગ લેવાઈ જશે. 


બેન્કીંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં તો AI પહેલાથી જ મજબૂત બની ગયું છે. મોબાઇલ અને ઓનલાઈન બેન્કિંગથી માણસોને રૂબરૂ બ્રાંચ ઉપર જવાનું ઓછું થઈ ગયું છે. લોન તપાસથી લઈને એકાઉન્ટ ઓપનિંગ સુધી બધું જ AI ઝડપી અને સસ્તું કરી શકે છે તેથી ક્લેરિકલ સ્ટાફની નોકરીઓ જોખમમાં મુકાઈ શકે.


ગ્રાહક સેવા એટલે કે કૉલ સેન્ટર અને BPOમાં, Chatbot અને Voice-AI હવે 24 કલાક સહાયતા આપે છે. હજારો લોકોનું કામ એક જ સોફ્ટવેર કરી દે છે. યુવાનોને મળતી આ એન્ટ્રી લેવલ નોકરીઓમાં ઘટાડો થઇ શકે છે.


રિટેઇલ દુકાનોમાં પણ બદલાવ ઘેરો છે. મોલમાં કે સુપરમાર્કેટમાં કેશિયર વગરનું બિલિંગ, ઓટોમેટિક સ્ટોક મેનેજમેન્ટ જેવી વ્યવસ્થા વધી રહી છે. દુકાનોમાં કામ કરનારો સ્ટાફ ઓછો થવાની શક્યતા સ્પષ્ટ દેખાય છે.


શિક્ષણ ક્ષેત્રમાં AI ટ્યુટર, ઓનલાઈન પરીક્ષણ અને અન્ય કાગળ કામ સરળ બનાવી દે છે. એટલે ખાસ કરીને ખાનગી શાળાઓમાં શિક્ષકોની સંખ્યા ઓછી થવાની શક્યતાઓ વધી રહી છે. 


મેડિકલ, મીડિયા, કાયદા જેવા ક્ષેત્રમાં પણ કામની રીતો બદલાઈ રહી છે. ડોક્ટરને રિપોર્ટ સમજવામાં AI મદદ કરે છે, રિપોર્ટ લખે છે, કેસ શોધે છે એટલે માણસની જરૂરિયાત રહેશે પણ એટલા લોકોને હવે કામ નહીં મળે જેટલાની પહેલા જરૂરિયાત હતી. 


આ બધું જોતા સ્પષ્ટ લાગે કે ભવિષ્ય અંધકારમય છે પણ હકીકત એ છે કે AI ને રોકી શકાય તેમ નથી. 


બદલાવને સ્વીકારવા અને નવાં કૌશલ્ય શીખવા જ એકમાત્ર રસ્તો છે. જે લોકો ક્રિએટિવ છે, જે લોકો લોકોને સમજતા આવે છે, નેતૃત્વ કરે છે, નવી ટેકનોલોજી શીખવા તૈયાર છે તે લોકો માટે તો ભવિષ્યમાં વધુ તકો ઊભી થશે.


પ્રશ્ન એ નથી કે નોકરીઓ જશે કે નહીં. પ્રશ્ન એ છે કે આપણે નવી દુનિયા માટે કેટલા તૈયાર છીએ. જે પોતાને સમય સાથે બદલશે તે આગળ વધશે. 


AI આપણા માટે પડકાર પણ છે અને સૌથી મોટો મોકો પણ... વિશેષ વાત આવતા લેખમાં... 


✍️ ઉત્તમ ત્રાસડીયા ૨૯.૧૦.૨૦૨૫

કમોસમી વરસાદ : પ્રકૃતિ નું હનન કરી માનવ પોતે જ પોતાના લાઈફ ઈન્સ્યોરન્સની વેલીડીટી એક્સપાયર કરી રહ્યો છે.



કુદરત જ્યારે સળંગ ચાલે ત્યારે જ જીવન સળંગ ચાલે. કુદરતને અવગણીને વિકાસ જેવો દેખાતો માર્ગ, હકીકતમાં વિનાશનું શોર્ટકટ સાબિત થઈ રહ્યો છે અને આ શોર્ટકટ લેવામાં હું ને તમે બધા આવી ગયા ... ખરેખર વિચારવા જેવું છે 🙏🏻


માવઠું હોય કે કમોસમી વરસાદ, વાતાવરણનું તાપમાન પલટી જાય કે હવા-પાણી ગંદા થઈ જાય… આ બધું કોઈ જાદુથી નથી થતું એ તો આપણાં જ હાથથી કરાયેલા કામોનું સીધું-સીધું રીટર્ન છે 😶‍🌫️ અને જ્યારે ભૂલ નો આભાસ થાય ત્યારે સ્વીકારી ને હજી પાછું વળવું એ મૂર્ખામી નથી ... વાલિયો લૂંટારો જો વાલ્મીકી થઈ શકે તો હજી માનવ માત્ર સુધરે એટલે આ પ્રકૃતિ ફરી ખિલખિલાટ કરી શકે. 


આપણે શહેર વધાર્યા, રોડ-બ્રિજ બનાવ્યા, ઉદ્યોગો ઉભા કર્યા પરંતુ કુદરતના મૂળભૂત સિદ્ધાંતો અને નિયમોને અવગણ્યા. ઝાડ કાપવા, ભુમિનો અનિયંત્રિત ઉપયોગ, પાણીના સ્રોતોનો દુરુપયોગ, વાહનોથી ફાટી નીકળતો ધુમાડો, પ્લાસ્ટિકના પહાડ, આ બધા કારણે પૃથ્વીનું સ્વાસ્થ્ય ખરાબ થઈ ચૂક્યું છે. 


પ્રદૂષણ વધ્યું એટલે વાતાવરણની ગતિ પણ ભટકાઈ ગઈ. એનું પરિણામ છે આ કમોસમી વરસાદ 🌧️


અને આ વરસાદનું નુકસાન કોને?

કોઈ મંત્રીઓની બારીઓમાં તો પાણી ભરાતું નથી. સમસ્યા તો સામાન્ય જન અને ખેડૂતોને જ ચિંગમ ની જેમ ચોંટે છે. 


નીપજ ને પાક બરબાદ થાય,

ખેડૂતના સ્વપ્નો પણ ભીની માટીમાં રગદોળાય,

સરકાર સહાય જાહેર કરે એટલે સરકારી તિજોરીને નુકશાન, 

ફેક્ટરીઓના કામધંધામાં આંટાઘૂંટી ને વિલંબ,

રસ્તા ડૂબે પાણીમાં ને, 

શાળા-કોલેજમાં અકારણ રજા રાખવાને લીધે બાળકોના અભ્યાસમાં ખાડો, 

હોસ્પિટલોમાં દર્દીઓ વધે,

મચ્છરજનક બીમારીઓનો પ્રકોપ અને આવું ઘણું બધું ... આમ સમગ્ર સમાજની ગતિ ધીમી પડી જાય.


પ્રકૃતિ કોઈ દુશ્મન નથી

એ તો આપણી માતા છે 🌱

માત્ર એક સિદ્ધાંત યાદ રાખવો

જ્યાં કુદરતનો સહકાર

ત્યાં જીવનનો ઉછેર

જ્યાં કુદરતને ઇજા

ત્યાં જીવનમાં સંકટ


મારી સમજણમાં દિવાળી 🪔 પછી વરસાદ નો બનાવ આ પહેલો છે અને એ ગ્લોબલ વોર્મિંગ નો જ પ્રભાવ છે. 


પ્રકૃતિ હજી માવઠા રૂપે પ્રહાર કરીને આપણને વિનંતી કરે છે કે, 

“મને બચાવો, તો હું તમને બચાવીશ”


સવાલ એટલો જ છે કે 

આપણે ક્યારે સમજીશું ? ? ? 


માટે હવે જાગવાની વેળા છે.

ઝાડ લગાવીએ. પ્રદૂષણ ઘટાડીએ. પ્લાસ્ટિકનો ત્યાગ કરીએ. પાણી બચાવીએ.


પ્રકૃતિને સહકાર આપીએ એ આપણાં જીવનનો સૌથી મોટો લાઇફ ઇન્સ્યોરન્સ છે 🌍


✍️ ઉત્તમ ત્રાસડીયા ૨૭.૧૦.૨૦૨૫

Monday, 20 October 2025

🎇 દિવાળી — આવો ફેલાવીએ પંચ પરિવર્તનનો દિવ્ય પ્રકાશ 🎇




ભારતીય પરંપરામાં તહેવારો માત્ર ઉત્સવ નથી પરંતુ ઉત્સવ હોવાની સાથોસાથ તે સંસ્કૃતિ અને મૂલ્યોને જીવંત રાખવાની અદભૂત પ્રણાલી છે. દિવાળી પણ એવો જ પર્વ છે જે આનંદ, પ્રકાશ અને સમૃદ્ધિનો સંદેશ આપે છે, પરંતુ સાથે સાથે આપણને સમાજ, રાષ્ટ્ર અને કુટુંબ પ્રત્યેના કર્તવ્યોનું સ્મરણ પણ કરાવે છે. આ પર્વ ફક્ત દિવા પ્રગટાવવાનો કે મીઠાઈ વહેંચવાનો નથી, પણ ઉજાસને આપણી વિચારસરણી અને વર્તનમાં ઉતારવાનો અવસર છે. દિવાળીના પ્રકાશ સાથે એક નવી શરૂઆત, નવો વિચાર અનેનવો સંકલ્પ કરવો — એ જ આ પર્વનો સાચો અર્થ છે.


દિવાળી પહેલાં ઘરોની સફાઈ થાય છે, અંધકાર દૂર કરવા માટે દિવા પ્રગટાવવામાં આવે છે અને પરિવારમાં આનંદનો માહોલ સર્જાય છે. પરંતુ એ ઉજાસ ઘરની ચાર દિવાલોમાં જ મર્યાદિત ન રહે — તે સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચે, એ માટે દરેક નાગરિકે પોતાના સ્તરે વિચારવું જરૂરી છે. 


સ્વદેશી વાપરવાનો સંકલ્પ એ દિવાળીના સૌથી મહત્વના સંદેશોમાંનો એક છે. આજે બજારમાં વિદેશી ચીજવસ્તુઓનો કબજો છે, પરંતુ જો આપણે જાગૃત નાગરિક બનીને સ્થાનિક ઉત્પાદકો દ્વારા બનાવેલી વસ્તુઓ ખરીદીએ, તો એ હજારો પરિવારો માટે રોશની બની શકે છે. 


સ્વદેશી દીવા, પરંપરાગત મીઠાઈઓ અને ભારતીય હસ્તકલા આપણા ઘરને ઉજાસથી ભરશે સાથોસાથ દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનાવશે. આ રીતે એક નાનકડો દીવો પણ આત્મનિર્ભર ભારતના સપનામાં આપણી ભાગીદારી બની શકે છે.


દિવાળીના પર્વ સાથે સ્વચ્છતા અને વ્યવસ્થા પણ ગાઢ રીતે જોડાયેલી છે. આપણે ઘર સાફ કરીએ છીએ કારણ કે સ્વચ્છતા પ્રકાશને આવકારવાનું પ્રતીક છે. એ જ રીતે જો દરેક નાગરિક પોતાના સમાજ અને શહેરને પણ પોતાનું ઘર માનીને સ્વચ્છ રાખે, નિયમોનું પાલન કરે અને જવાબદાર નાગરિક તરીકે વર્તે, તો દેશ પણ ઉજ્જવળ બની શકે છે. રસ્તા પર કચરો ન ફેંકવો, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, જાહેર સંપત્તિને પોતાનું સમજીને તેની કાળજી લેવી — આ બધા કાર્ય દિવાળીના દીવા જેટલાં જ પવિત્ર છે.


દિવાળી અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ પણ બહુ મહત્વનો છે. પ્રકાશનો આ પર્વ કુદરત સાથે તાદાત્મ્ય સાધી ઉજવવો જોઈએ. વધુ પડતા ફટાકડા અને અવાજથી પ્રદૂષણ વધે છે, જે માનવજાત અને પ્રાણીઓ બંને માટે નુકસાનકારક છે. પ્રકૃતિ આપણી માતા છે અને તે પોતાનું માતૃકર્મ નિભાવી આપણું રક્ષણ કરે છે છે — તે હવા, પાણી અને ધરતીના સ્વરૂપે આપણને જીવન આપે છે તેથી રક્ષકનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. ઓછા ફટાકડા ફોડવા, સ્વચ્છ રીતે ઉત્સવ ઉજવવા અને વૃક્ષારોપણ જેવા સંકલ્પોથી આ પર્વ વધુ અર્થપૂર્ણ બની શકે છે.


દિવાળીનું બીજું એક મહત્વનું પાસું છે કુટુંબ પ્રબોધન અને પરિવાર સંવાદ. આજના યુગમાં કુટુંબના સભ્યો વચ્ચેનો સમય અને સંવાદ ઘટી રહ્યો છે. દિવાળી એ એવો અવસર છે જેમાં  આપણે પરિવાર સાથે બેસી ચર્ચા કરી પરિવારના ભૂતકાળના સંસ્મરણો વાગોળતા વાગોળતા સંસ્કારો અને પરંપરાની વાતો નવી પેઢીને આપીએ છીએ. દીવા જેમ એક બીજાને પ્રકાશ આપે છે, તેમ કુટુંબના સભ્યો એકબીજાને પ્રેમ, વિશ્વાસ અને સમજણ આપી શકે છે. આ પર્વ કુટુંબમાં એકતા અને ઉષ્મા વધારવાનો શ્રેષ્ઠ સમય છે. 


દિવાળી પ્રકાશનો પર્વ છે, અને પ્રકાશ ક્યારેય ભેદભાવ નથી કરતો. એ સૌના માટે સમાન રીતે ચમકે છે. એ જ રીતે આપણો સમાજ પણ સમરસતા અને એકતાની દિશામાં આગળ વધે — એ દિવાળીના પર્વનો અઘોષિત સંદેશ છે. જ્ઞાતિ, જાતિ, ધર્મ કે વર્ગના ભેદને ભૂલીને સૌ સાથે મળીને ઉત્સવ ઉજવીએ, એકબીજાને શુભેચ્છા પાઠવીએ અને માનવતાના દીવા પ્રગટાવીએ — ત્યારે જ ઉજાસનો આ પર્વ ખરેખર સર્વસમાવેશક બની શકે છે. સમાજમાં સમરસતા વધારવાનો આરંભ નાના પગલાંથી જ થાય છે — કોઈને મીઠાઈ આપવી, સહાનુભૂતિભર્યો શબ્દ બોલવો કે એકબીજાને સમાન દૃષ્ટિએ જોવું એ પણ એક પ્રકારનો દીવો છે.


દિવાળી આપણને શીખવે છે કે પ્રકાશ ફક્ત અંધકારને હટાવતો નથી, પરંતુ માનવ હૃદયમાં નવી આશા જગાડે છે. આ પર્વે જો આપણે સ્વદેશી વાપરવાનો સંકલ્પ લઈએ, જવાબદાર નાગરિક બનીએ, પર્યાવરણની રક્ષા કરીએ, કુટુંબ સાથે સંવાદ વધારીએ અને સમાજમાં સમરસતા માટે પગલા લઈએ, તો ઉજાસનો આ પર્વ ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ આખા વર્ષ માટે આશા અને પ્રેરણા બની શકે છે.


આવો, આ દિવાળી પર માત્ર દીવા નહીં પરંતુ સંકલ્પો પણ પ્રગટાવીએ. ઉજાસ ફક્ત ઘરમાં નહીં પરંતુ આપણા વિચારોમાં, વર્તનમાં અને સમાજમાં પ્રસરે એ જ સાચી દિવાળી હશે. પ્રકાશનો આ પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને જવાબદારીનો પ્રકાશ ફેલાવે અને આપણે સૌ આ ઉજાસના વાહક બનીએ એ જ શુભકામના સાથે સૌને દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 

જય શ્રી રામ 🙏🏻


✍️ ઉત્તમ ત્રાસડીયા ૨૦.૧૦.૨૦૨૫

🚨 સામૂહિક માર્કેટિંગ સ્ટ્રેટેજી વિના સિરામિક ઉદ્યોગનું પતન : એક ચેતવણી ‼️

 🚨 સામૂહિક માર્કેટિંગ સ્ટ્રેટેજી વિના સિરામિક ઉદ્યોગનું પતન : એક ચેતવણી ‼️ 




===========================


સિરામિક ઉદ્યોગને છેલ્લા કેટલાક વર્ષોમાં જે ધકકા લાગ્યા છે તે માત્ર આંતરરાષ્ટ્રીય બજારના ઉતાર–ચઢાવ કે સ્થાનિક આર્થિક પરિસ્થિતિઓના કારણે નથી. આ ઉદ્યોગના પતન પાછળ એક ખૂબ જ અગત્યનું અને લાંબા ગાળે અસરકારક પરિબળ છે "ઉદ્યોગકારોમાં સામૂહિક માર્કેટિંગ સ્ટ્રેટેજીનો ઘોર અભાવ." 


ગુજરાતના મોરબી જેવા શહેરમાં વિકસેલા આ વિશાળ ઉદ્યોગે વિશ્વ બજારમાં પોતાનું મહત્વ સ્થાપિત કર્યું હતું, પરંતુ તે સફળતા લાંબા સમય સુધી ટકી શકી નહીં કારણ કે દરેક ઉદ્યોગપતિએ પોતપોતાના ધંધાને આગળ વધારવાનો પ્રયાસ કર્યો, પરંતુ “ઉદ્યોગ તરીકે” કોઈ સંયુક્ત દિશા કે માર્કેટિંગની નીતિ ઘડાઈ નહીં અને એ ભૂલની કિંમત આખા સિરામિક કલસ્ટરને ચૂકવવી પડી રહી છે. 


શરૂઆતના સમયમાં, સિરામિક ઉદ્યોગે અદ્ભુત ગતિએ પ્રગતિ કરી. નાની-નાની ફેક્ટરીઓથી શરૂ થયેલો ધંધો એક સમયે ભારતના નિકાસ ક્ષેત્રમાં અગ્રેસર બની ગયો. હજારો લોકો માટે રોજગારની તક ઉભી થઈ અને દેશભરમાં મોરબીનું નામ “ટાઇલ્સ સિટી” તરીકે ઓળખાવા લાગ્યું પરંતુ જેમ ઉદ્યોગ વધ્યો તેમ સ્પર્ધા પણ વધી અને દરેક ઉદ્યોગકાર પોતાની  બ્રાન્ડ ઉભો કરવાનો પ્રયાસ કરવા લાગ્યો પરિણામે સિરામિક માર્કેટ એક એકમ તરીકે નહીં પણ અનેક નાના તૂટેલા ખંડોમાં વહેંચાઈ ગયો. 


એકબીજાના પ્રતિસ્પર્ધી બની ગયેલા ઉદ્યોગપતિઓએ ગ્રાહકોને આકર્ષવા માટે ભાવમાં સ્પર્ધા શરૂ કરી અને અહીંથી જ ઉદ્યોગના પતનની શરૂઆત થઈ.


માર્કેટિંગ માત્ર પ્રોડક્ટ વેચવાનું સાધન નથી, તે બજારમાં સ્થિરતા, વિશ્વાસ અને ભાવને જાળવી રાખવાનો પાયો છે. 


જો એક સંયુક્ત માર્કેટિંગ નીતિ હોત — જેમ કે કલેક્શન બ્રાન્ડિંગ, સંયુક્ત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક, આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમા એકસાથે ભાગ લેવાની નીતિ, અને ભાવ નક્કી કરવાની સંયુક્ત સમજ — તો સ્પર્ધા “વિનાશકારી” નહીં પણ “સ્વસ્થ” બની શકી હોત પરંતુ એના વિરુદ્ધ, દરેક કંપનીએ અલગ અલગ ડીલરો બનાવ્યા, અલગ માર્કેટિંગ એજન્સી સાથે જોડાણ કર્યા અને અલગ અલગ ભાવ આપ્યા. ગ્રાહકોએ એ સ્થિતિનો લાભ લીધો અને ભાવમાં ઘટાડા માટે દબાણ કર્યું. ઉદ્યોગપતિઓ વચ્ચે કોઈ સંકલન ન હોવાથી કોઈ એકમાન્ય ભાવ નક્કી થઈ શક્યો નહીં અને નફો ધીમે ધીમે ઘટતો ગયો.


આ સ્થિતિને વધુ ગંભીર એણે બનાવી કે માર્કેટમાં એન્ટ્રી માટે કોઈ યોગ્ય નીતિ ન હોવાને કારણે નવી નવી કંપનીઓ અંધાધૂંધ રીતે પ્રવેશવા લાગી. મોટાભાગના નવા ખેલાડીઓ પાસે મજબૂત બ્રાન્ડિંગ કે માર્કેટિંગ માળખું ન હતું; તેઓ માત્ર “સસ્તા ભાવમાં વેચાણ” પર આધાર રાખતા. નફા વગરના ધંધામાં અંધાધૂંધ થયેલા રોકાણે ભાવયુદ્ધને વધુ ઉગ્ર બનાવ્યું. એકબીજા સાથે સંકલન કરતા બદલે, ઉદ્યોગકારોએ એકબીજાને હરાવવાની દોડ શરૂ કરી જેના પરિણામે ઉદ્યોગનો સામૂહિક વિશ્વાસ, ઈમેજ અને નફાકારક માળખું તૂટી પડ્યું.


જ્યાં વિશ્વના અન્ય મોટા ઉદ્યોગોમાં ઉદ્યોગપતિઓ સંયુક્ત રીતે માર્કેટિંગમાં રોકાણ કરે છે — ઉદાહરણ તરીકે આંતરરાષ્ટ્રીય ફર્નિચર ઉદ્યોગ, ટેક્સટાઇલ ક્લસ્ટર્સ અથવા ઓટોમોબાઈલ ઉદ્યોગ — ત્યાં સિરામિક ઉદ્યોગ સંપૂર્ણ વિખરાયેલો રહ્યો. 


વિશ્વના બજારોમાં સ્પર્ધા કરવા માટે બ્રાન્ડ પ્રેઝન્સ, ડિઝાઇન ઇનોવેશન અને લોજિસ્ટિક્સનું માળખું જરૂરી હોય છે પરંતુ જ્યારે દરેક ફેક્ટરી પોતપોતાની રીતે કામ કરે છે, ત્યારે એ માળખું ક્યારેય ઊભું થઈ શકતું  નથી. 


નિકાસકારો અને ડીલરો માટે આ સ્થિતિ લાભદાયી બની કારણ કે તેઓ એક કંપનીને બીજા સામે ઉભી રાખીને ભાવ ઘટાડવા માટે દબાણ કરી શક્યા અંતે આખા ઉદ્યોગને મળતો નફો ઘટી ગયો.


કોઈપણ ધંધામાં સફળતાનું એક બીજું મોટું પાસું છે "આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રાન્ડ ઈમેજ" જે મોરબી ભૌગોલિક રીતે વિશ્વનું સૌથી મોટું ટાઇલ્સ હબ હોવા છતાં મેળવી શક્યું નહીં. 


મોટાભાગના ઉદ્યોગોએ આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ સંયુક્ત અભિયાન હાથ ધર્યું જ નહીં. કોઈ એક સ્પષ્ટ ‘ઇન્ડિયન ટાઇલ્સ’ અથવા ‘મોરબી બ્રાન્ડ’ તરીકે ઓળખ ઉભી થઈ નથી. જ્યારે વિદેશી બજારમાં ચાઈના, સ્પેન કે ઈટલી જેવા દેશોએ એક સાથે મળીને પોતાના બ્રાન્ડને મજબૂત બનાવી, ત્યારે ભારતીય ઉદ્યોગપતિઓ અલગ અલગ દિશામાં દોડતા રહ્યા. પરિણામે વિદેશી ખરીદદારોને “એક વિશ્વસનીય બ્રાન્ડ” મળવાને બદલે સસ્તા અને વિખરાયેલા સપ્લાયરો મળ્યા. આ સ્થિતિએ તેમની દૃષ્ટિએ ભારતીય સિરામિક ઉદ્યોગની વિશ્વસનીયતા ઓછી કરી દીધી.


જો ઉદ્યોગ એક સંયુક્ત માર્કેટિંગ બોડી ઊભી કરે — જે વિદેશી પ્રદર્શનોમાં સામૂહિક રીતે ભાગ લે, સામાન્ય બ્રાન્ડ ઈમેજ ઉભી કરે, ડિઝાઇન અને પ્રોડક્ટમાં સંયુક્ત રોકાણ કરે અને ભાવ નક્કી કરવા માટે નિયમો ઘડે — તો આખા ઉદ્યોગને મોટો લાભ થઈ શકે. 


એકલો ઉદ્યોગપતિ વિશ્વના સ્પર્ધાત્મક બજારમાં લડી શકતો નથી, પરંતુ એકસાથે મળીને ઉદ્યોગને સ્પર્ધાત્મક બનાવવો શક્ય છે. આજે પણ ઘણા ઉદ્યોગો પાસે ઉત્તમ ટેકનોલોજી, શ્રેષ્ઠ ડિઝાઇન અને મોટા પ્રોડક્શન પ્લાન્ટ્સ છે, પરંતુ માર્કેટિંગની સંયુક્ત દિશા ન હોવાથી એ બધા સ્રોતોનો લાભ પૂરતા પ્રમાણમાં મળતો નથી.


આ સંદર્ભમાં એક રસપ્રદ બાબત એ છે કે ઘણા ઉદ્યોગપતિઓ આંતરરાષ્ટ્રીય માર્કેટની જટિલતાઓને સમજી શકતા નથી. માર્કેટિંગમાં માત્ર ભાવ નક્કી કરવો જ નહીં પણ માર્કેટ ઈન્ટેલિજન્સ, ડિઝાઇન ટ્રેન્ડ્સ, બ્રાન્ડિંગ, ડિજિટલ પ્રેઝન્સ અને કન્સ્યુમર સાઈકલોજીનો પણ સમાવેશ થાય છે. જો ઉદ્યોગ પાસે કોઈ સંયુક્ત રિસર્ચ સેલ હોત, તો વૈશ્વિક ટ્રેન્ડ્સના આધારે એકસાથે નીતિઓ ઘડાઈ શકતી પરંતુ અહીં દરેક ઉદ્યોગપતિ પોતાના ‘ઇન્સ્ટિંક્ટ’ પર આધાર રાખે છે — અને એ રીતે ઉદ્યોગનું સ્ટ્રક્ચર અસ્થિર બની જાય છે.


સિરામિક ઉદ્યોગના પતનનું બીજું પરિણામ એ છે કે નાના અને મધ્યમ ઉદ્યોગો સૌથી વધારે તૂટી પડ્યા. મોટા ઉદ્યોગો કોઈ રીતે ટકી રહ્યા, પરંતુ નાના ઉદ્યોગોને ભાવયુદ્ધમાં ટકવું મુશ્કેલ બન્યું. જો સંયુક્ત માર્કેટિંગ માળખું હોત તો નાના ઉદ્યોગો પણ સમાન પ્લેટફોર્મ પર પોતાના પ્રોડક્ટ વેચી શકેત અને સ્પર્ધામાં ટકી શકેત અને આ રીતે એક સંકલિત માળખું આખા ઉદ્યોગને મજબૂત કરી શક્યું હોત. 


આજે ઉદ્યોગ માટે એક જ રસ્તો બચ્યો છે — સામૂહિક રીતે વિચારવાનો. જો ઉદ્યોગપતિઓ પોતાની વ્યકિતગત સ્પર્ધાથી ઉપર ઉઠીને ઉદ્યોગને “એક એકમ” તરીકે જોવાનું શરૂ કરે તો પણ ઉદ્યોગમાં ફરીથી ઉથાન આવી શકે છે. નહીંતર, અલગ અલગ દિશામાં દોડતો ઉદ્યોગ વધુ વિખરાશે અને લાંબા ગાળે વૈશ્વિક બજારમાં તેનું સ્થાન ગુમાવી દેશે. હવે સમય છે કે ઉદ્યોગપતિઓ પોતાની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ અને નાની નાની હરીફાઈઓને બાજુએ મૂકી સંયુક્ત માર્કેટિંગ સ્ટ્રેટેજી ઘડે — જેથી આખો ઉદ્યોગ ફરીથી ઊભો થઈ શકે.


આખરે વાત એ છે કે, એકલો ઉદ્યોગપતિ બજાર જીતી શકતો નથી, પરંતુ સંકલિત ઉદ્યોગ પૂરું બજાર કબજે કરી શકે છે. સિરામિક ઉદ્યોગે તેની શક્તિ “એકતામાં” શોધવી પડશે — કારણ કે માર્કેટિંગમાં સંયુક્ત દિશા વગર આવડો મોટો ટ્રેડ ચલાવવાનો પ્રયત્ન માત્ર ભૂલ જ નહીં, પરંતુ ઉદ્યોગના ભવિષ્યને જોખમમાં મુકવાનો નિર્ણય પણ છે. આજે જો આ ભૂલને સ્વીકારીને સુધારો કરવામાં આવે તો સિરામિક ઉદ્યોગ ફરીથી વૈશ્વિક બજારમાં પોતાનું સ્થાન બનાવી શકે છે — પરંતુ એ માટે સૌપ્રથમ ઉદ્યોગપતિઓ વચ્ચે વિશ્વાસ અને સંકલનનો પુલ બાંધવો જ પડશે.


✍️ ઉત્તમ ત્રાસડીયા ૧૯.૧૦.૨૦૨૫

Thursday, 16 October 2025

મોરબીનો સિરામિક ઉદ્યોગ જે આજે ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો છે...

 


મોરબીનું સિરામિક ઉદ્યોગ — જે એક સમય દેશ અને દુનિયાના બજારમાં રાજ કરતું હતું — આજે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યું છે. જ્યાં એક સમય ઉદ્યોગકારો વચ્ચેના સહકાર અને સહિયારા પ્રયત્નો આ ઉદ્યોગને વિશ્વના નકશા પર લાવ્યા હતા, ત્યાં આજે ઉદ્યોગકારો વચ્ચેની ફૂટ, પ્રાઈઝ વોર અને વ્યક્તિગત લાભ માટેની દોડે આ ઉદ્યોગને તોડી નાંખ્યો છે. કોઈ સરકાર કે નીતિ કરતા વધુ નુકસાન ઉદ્યોગકારોએ પોતે એકબીજા સામે ઊભા રહીને કર્યું છે. અને આ જ એક અસલી પરિબળ છે જે આજે સિરામિક ઉદ્યોગના પતન પાછળ છુપાયેલું છે — ઉદ્યોગકારો વચ્ચે એકતાનોઅભાવ


મોરબીની માટીમાંથી જન્મેલો આ ઉદ્યોગ, નાના શેડથી શરૂ થઈ આજે લાખો કરોડો રૂપિયાના રોકાણ સુધી પહોચ્યો છે. હજારો નાના મોટા ઉદ્યોગો, લાખો મજૂરો અને હજારો પરિવારોનું ભવિષ્ય આ ઉદ્યોગ સાથે જોડાયેલું છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ઉદ્યોગનો મૂળ સ્વરૂપ અને એના મૂલ્યો ધીમે ધીમે ખસી ગયા છે. એકતાનો ધરો તૂટી ગયો છે. અને જયાં એકતા તૂટી જાય ત્યાં ઉદ્યોગ કેટલો પણ મોટો હોય, તૂટવાનો સમય માત્ર સમયનો પ્રશ્ન રહે છે.


એક સમય એવો હતો જયાં કોઈ એક ઉદ્યોગમાં કોઈ નવી ટેક્નોલોજી આવતી કે કોઈ નવી પ્રોડક્ટ માર્કેટમાં ઉતરતી ત્યારે આસપાસના બધા ઉદ્યોગકારો એકબીજાથી વાત કરતા, ટેક્નિકલ ચર્ચા કરતા અને મળીને માર્કેટની સ્ટ્રેટેજી બનાવતા. આંતરિક સ્પર્ધા નહીં પરંતુ  સહયોગથી ઉદ્યોગ આગળ વધે — એ વિચાર હતો. પણ આજે સ્થિતિ બિલકુલ ઉલટી થઈ ગઈ છે. આજનો ઉદ્યોગકાર પોતાના બાજુ વાળા ઉદ્યોગને પછાડવા, એના ગ્રાહકો છીનવી લેવા અને બજારમાં સસ્તું વેચીને ટૂંકા ગાળાનો લાભ લેવા દોડી રહ્યો છે. પરિણામે જે ઉદ્યોગ પોતે બનાવી રહ્યો છે એનો જ બજાર પોતે તોડી રહ્યો છે.


આજની સૌથી મોટી સમસ્યા “પ્રાઈઝ વોર” છે. ૨૮ રૂપિયામાં ચાલતી ટાઈલ ૨૭ માં વેચવામાં આવી, ૨૭ નું માર્કેટ તોડવા કોઈએ ૨૬ માં મૂકી અને એમ કરતા કરતા આજે તળિયાના ૧૮ રૂપિયા સુધી ભાવે આવી પહોંચી છે. કોઈ ગ્રાહકને ભાવ નીચે લાવવા માટે હવે સમજાવવાની પણ જરૂર નથી — કારણ કે ઉદ્યોગપતિઓ પોતે એકબીજાની નીચે જઈને રેટ આપી દે છે. આ રેસમાં કોઈ જીતતું નથી, માત્ર ઉદ્યોગ હારતો જાય છે. નાના પ્રોડક્શન વાળા ઉદ્યોગકારો માટે તો આ ભાવો પર ટકી રહેવું શક્ય જ નથી. તેમની કોસ્ટિંગ ઊંચી આવે છે — ગેસ, વીજળી, મજૂરી, ટ્રાન્સપોર્ટ, રો મટિરિયલ — બધું મોંઘું છે. જ્યારે માર્કેટમાં ભાવ નીચે જઈ રહ્યા છે ત્યારે તેમના માટે એક જ રસ્તો બચી રહે છે — ફેક્ટરી બંધ કરવાનો. અને એ જ થતું પણ જઈ રહ્યું છે. રોજ નવા નવા નાના યુનિટ્સ બંધ થવાના સમાચાર આવી રહ્યા છે.


ઘણા લોકો માને છે કે મોટા ઉદ્યોગકારો આ વોરમાં ટકી જશે — પણ આ ભ્રમ છે. આજે નાના લોકો પડી રહ્યા છે, કાલે મોટા પણ પડશે. કારણ કે જ્યારે ભાવો અસ્થિર હોય, માર્કેટ અંધાધૂંધ ભાવ પર ચાલતું હોય, કોઈ પણ નીતિ કે યોજના વગરનું વેચાણ ચાલતું હોય ત્યારે કોઈ ઉદ્યોગ લાંબા ગાળે ટકી શકતો નથી. મોટા ઉદ્યોગકારો પાસે પણ ફિક્સ્ડ કોસ્ટ છે — લોનના ઈન્ટરેસ્ટ, મેન્ટેનન્સ, વહીવટ, ડીપો, સ્ટાફ, અને અન્ય હજારો ખર્ચો. જ્યારે માર્કેટ તેમની પ્રોડક્શન કોસ્ટ કરતા નીચેના ભાવ પર ચાલશે ત્યારે તેઓને પણ ટકી રહેવું અશક્ય બની જશે. એટલે આજે નાના ઉદ્યોગકારોનું પતન માત્ર શરૂઆત છે — આ આગ ધીમે ધીમે બધા ને સ્પર્શશે.


આ આખી સ્થિતિમાં સૌથી મોટું દુઃખદ પરિબળ એ છે કે — આ બધું કોઈ બાહ્ય શત્રુ કરી રહ્યું નથી. આ ઉદ્યોગને કોઈ સરકારી નીતિ, કોઈ વિદેશી કંપની કે કોઈ અન્ય એજન્સી તોડી રહી નથી. ઉદ્યોગકારો પોતે એકબીજાના શત્રુ બની ગયા છે. સહકારની જગ્યાએ સ્પર્ધા, ભાઈચારા ની જગ્યાએ ઈર્ષા, અને સંયુક્ત વિચારની જગ્યાએ વ્યક્તિગત લાભની દોડ ચાલી રહી છે. જયાં કોઈ ઉદ્યોગના સભ્યો વચ્ચે આ પ્રકારની માનસિકતા પેદા થાય છે, ત્યાં એ ઉદ્યોગને તોડવા માટે બહારથી કોઈ શત્રુની જરૂર જ નથી રહેતી.


એકતાનો અભાવ માત્ર ભાવમાં નહીં, પણ સમગ્ર ઉદ્યોગના માળખામાં સ્પષ્ટ દેખાય છે. ઉદ્યોગની કોમન નીતિ નથી, કોમન માર્કેટિંગ સ્ટ્રેટેજી નથી, કોઈ સંયુક્ત દર નક્કી નથી, કોઈ ઉદ્યોગ સંઘની શક્તિશાળી ભૂમિકા નથી. દરેક ઉદ્યોગકાર પોતપોતાના રસ્તે ભાગી રહ્યો છે. કોઈ લક્ષ્ય નથી, કોઈ માર્ગ નથી — માત્ર જીવતા રહેવાનો સંઘર્ષ છે. અને જયાં દિશા વિનાનો સંઘર્ષ ચાલે છે ત્યાં વિજય ક્યારેય મળતો નથી.


એકતાના અભાવના આર્થિક પરિણામો પણ ગંભીર છે. ઉદ્યોગમાં અસ્થિરતા આવી ગઈ છે. રોજ ભાવ બદલાય છે, ગ્રાહકોનો વિશ્વાસ તૂટે છે, એક્સપોર્ટર્સ માટે માર્કેટ અસ્થિર બને છે. આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને કન્સિસ્ટન્ટ ક્વોલિટી અને ભાવ જોઈએ છે — પણ અહીં તો રોજ નવા રેટ અને નવી અશાંતિ છે. ઘણા ગ્રાહકો હવે અન્ય દેશોના સપ્લાયર્સ તરફ વળી રહ્યા છે. અને આ રીતે ધીમે ધીમે મોરબીનું ગ્લોબલ માર્કેટ શેર ઘટી રહ્યું છે. એક સમય હતો જયાં વિશ્વમાં મોરબીની ટાઈલ્સની ચર્ચા થતી, આજે એ જ મોરબીની ઓળખ “સસ્તી ટાઈલ્સ” સુધી સીમિત થતી જાય છે. આ ગૌરવ માટે લડવા કોઈ એકતા નથી.


એકતાનો અભાવ ઉદ્યોગના ટેક્નિકલ વિકાસને પણ અસર કરે છે. જયાં સહકાર હોય ત્યાં નવા ઈનોવેશન જન્મે છે — ઉદ્યોગકારો એકબીજાની ભૂલોમાંથી શીખે છે, નવી ટેક્નોલોજી શેર કરે છે અને ઉદ્યોગને નવી ઊંચાઈ પર લઈ જાય છે. પણ જયાં એકતા ન હોય ત્યાં દરેક પોતાના બોક્સમાં જ બંધ રહી જાય છે. નવી ટેક્નોલોજી લાવવાની હિંમત ઘટી જાય છે કારણ કે કોઈને ડર હોય છે કે બાજુ વાળો સસ્તામાં એ જ માલ બજારમાં મૂકી દેશે અને મારી ઈન્વેસ્ટમેન્ટ ડૂબી જશે. પરિણામે આખો ઉદ્યોગ ટેક્નિકલ રીતે સ્થગિત થઈ જાય છે.


આ ઉદ્યોગ માટે સૌથી જરૂરી છે — સહકાર અને સંયુક્ત દૃષ્ટિકોણ. ઉદ્યોગકારોએ સમજવું પડશે કે કોઈ એકલા ટકી નહીં શકે. બજારમાં સ્થિર ભાવ, કન્સિસ્ટન્ટ ક્વોલિટી અને મજબૂત માર્કેટ ઈમેજ બનાવવા માટે બધા ને સાથે આવીને નીતિ બનાવવી પડશે. કોઈને રેટ નીચે આપવાથી મળેલો ટૂંકો લાભ આખા ઉદ્યોગને વર્ષો સુધી નુકસાન પહોંચાડી શકે છે. એકતાથી જ ઉદ્યોગને ફરીથી ઉંચાઈ પર લઈ જવાય છે.


આજે જો ઉદ્યોગકારો વચ્ચે એકતા ન આવે તો આવનારા દિવસોમાં આ ઉદ્યોગ માટે પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની છે. હજારો ફેક્ટરીઓ બંધ થશે, લાખો મજૂરો બેરોજગાર થશે, નિકાસ ઘટશે, બેન્ક લોન બેડ લોન બનશે, અને આખો ઉદ્યોગ તૂટી જશે. આ માત્ર આર્થિક સંકટ નહીં પણ સામાજિક સંકટ બની જશે. મોરબીની આર્થિક નસોમાં સિરામિક ઉદ્યોગનું લોહી વહે છે — જો એ નસ જ સુકાઈ ગઈ તો આખો પ્રદેશ બેકાર થઈ જશે.


આ સ્થિતિમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો છે — ઉદ્યોગકારો વચ્ચે મજબૂત એકતા. ભાવ નક્કી કરવા માટે સંયુક્ત મંચ બનાવવો પડશે, માર્કેટ માટે કોમન નીતિ અપનાવવી પડશે, સ્પર્ધા ક્વોલિટી અને ઈનોવેશનમાં કરવી પડશે, ભાવમાં નહીં. ઉદ્યોગના હિત માટે વ્યક્તિગત લાભને થોડોક સમય માટે પાછળ મૂકવો પડશે. આ ઉદ્યોગ આપણા બધાનો છે — જો આજે તેને બચાવવાની લડત નહીં લડીએ તો કાલે કદાચ કંઈ બચશે જ નહીં.


સિરામિક ઉદ્યોગનો પતન સરકાર નહીં અટકાવી શકે, કોઈ નીતિ નહીં અટકાવી શકે — માત્ર ઉદ્યોગકારોની એકતા જ આ ઉદ્યોગને પુનર્જીવિત કરી શકે છે. આજે જો આપણે એકતા નહીં બતાવીએ તો ઈતિહાસ લખાશે કે “મોરબીનો ઉદ્યોગ ઉદ્યોગકારોના વ્યક્તિગત સ્વાર્થને કારણે સામૂહિક રીતે મૃતઃપાય થઈ ગયો.” અને જો એકતા બતાવીએ તો ઈતિહાસ લખાશે કે “મોરબીનો ઉદ્યોગ ઉદ્યોગકારોની એકતાથી ફરી ઉભો થયો.”

પસંદગી આપણા હાથમાં છે.


✍️ ઉત્તમ ત્રાસડીયા ૧૬.૧૦.૨૦૨૫

🔥 “આજે નાના ઉદ્યોગપતિ બળી રહ્યા છે… કાલે મોટાનો વારો આવશે” - પ્રાઈઝ વોર: એક એવી આગ છે જેમાં કોઈ ભસ્મ થતા બચવાનું નથી!

 🧱 એક ઉદ્યોગ, બે વર્ગ — પરંતુ ખતરો એક જ:- 

🔥 “આજે નાના ઉદ્યોગ બળી રહ્યા છે, કાલે મોટાનો વારો આવશે”

પ્રાઈઝ વોર: એક એવી આગ જેમાંથી કોઈ ઉદ્યોગપતિ બચી શકવાનો નથી. 

=======================


મોરબીનો સિરામિક ઉદ્યોગ, જે એક સમયે  ગુજરાતના ઉદ્યોગજગતની ગૌરવ ગણાતો હતો જે  આજે એક ગંભીર અને જોખમી દિશામાં આગળ વધી રહ્યો છે. આ ઉદ્યોગની છાતી પર હાલ એક એવી આગ સળગી રહી છે જેને આપણે સૌએ મળીને રોકવી પડશે. 


આ આગનું નામ છે “પ્રાઈઝ વોર” — ભાવયુદ્ધ. આ યુદ્ધમાં કોઈ વિજેતા નથી; હાર દરેકની છે. આજે નાનાં ઉદ્યોગપતિ એનો પ્રથમ શિકાર બની રહ્યા છે, પરંતુ કાલે આ જ આગ મોટાં ઉદ્યોગોને પણ ભસ્મ કરી નાખશે.


મોરબીનો ઉદ્યોગ સામાન્ય રીતે બે વર્ગોમાં વહેંચાયેલો છે — એક નાના ઉત્પાદન ધરાવતા ઉદ્યોગપતિ, જેઓ દૈનિક ૭ થી ૧૦ હજાર બોક્સનું ઉત્પાદન કરે છે, અને બીજાં મોટા ઉદ્યોગપતિ, જેઓ ૧૫ થી ૨૫ હજાર બોક્સનું ઉત્પાદન કરે છે. શરૂઆતમાં લાગતું હતું કે આ પ્રાઈઝ વોરનો ઘા ફક્ત નાના ઉદ્યોગોને લાગશે અને મોટા ઉદ્યોગો તેમની સ્કેલ, નેટવર્ક અને ફાઇનાન્સિયલ તાકાતને કારણે બચી જશે. પરંતુ હકીકત એ છે કે જ્યારે ધંધો જ અસ્થિર બની જાય, ત્યારે મોટું કે નાનું ઉત્પાદન હોવાનો કોઈ અર્થ રહેવાનો નથી.


નાનાં ઉદ્યોગો માટે આ યુદ્ધ સૌથી પહેલું અને ભયંકર આંચકારૂપ સાબિત થઈ રહ્યું છે. તેમની ઉત્પાદન ક્ષમતા મર્યાદિત છે, જેના કારણે પ્રતિ બોક્સ ખર્ચ હંમેશાં મોટાં ઉદ્યોગો કરતાં વધારે પડે છે. 


ભાવમાં થોડો પણ ઘટાડો થાય એટલે તેમના માટે એ જીવનમરણનો પ્રશ્ન બની જાય છે. માર્કેટમાં ₹૨૮ થી ઘટીને ₹૧૮ રૂપિયાનો ભાવ આવે ત્યારે તેઓ માટે EMI ભરવી મુશ્કેલ બને છે, મજૂરોને પગાર આપવો અશક્ય બને છે, વેપારીઓની ક્રેડિટ પર આધાર વધે છે અને અંતે બંધ થવાની પરિસ્થિતિ સર્જાય છે. મોટાં ઉદ્યોગો માટે જે ડિસ્કાઉન્ટ એક માર્કેટિંગ ટૂલ છે, તે નાનાં માટે મૃત્યુસમાન છે.


નાનાં ઉદ્યોગોમાં કોસ્ટિંગ વધુ પડવાનું પણ ઘણા કારણો છે — નાની મશીનરી, ઓછો પ્રોફિટ સ્કેલ, મોટો  ફિક્સ ખર્ચ, ગેસના ભાવ, વધુ વ્યાજદરમાં મળતી લોન અને ખરીદી વખતે મોટાં ઉદ્યોગો જેટલા સ્પર્ધાત્મક ભાવ ન મળવા. 


તેથી જ્યારે મોટો ઉદ્યોગ ૨૦ રૂપિયામાં વેચીને પણ નફો રાખી શકે છે, ત્યારે નાનાને એ જ ભાવમાં ખોટ સહન કરવી પડે છે અને એક નાની ફેક્ટરી નું બંધ થવું એ ફક્ત એક ઉદ્યોગપતિનું પતન નથી, એ સાથે મજૂરો રોજગાર ગુમાવે છે, બેંકોની લોન ફસાય છે, સપ્લાયર અને વેપારી તંગ થાય છે અને આખું ઈકોસિસ્ટમ ડગમગી જાય છે.


આ બધા વચ્ચે મોટાં ઉદ્યોગો એક ભ્રમમાં જીવતા હોય છે કે તેઓ બચી જશે. તેમની પાસે સ્કેલ છે, માર્કેટિંગ શક્તિ છે, અને જ્યારે નાનાં ખેલાડીઓ ખતમ થઈ જશે ત્યારે માર્કેટ તેમનું  થઈ જશે પરંતુ પ્રાઈઝ વોર કોઈનો સાથી નથી. 


એકવાર બજારમાં ભાવની મર્યાદા તૂટી જાય પછી નફાનો માજિન સતત ઘટતો જાય છે. ગ્રાહકને સસ્તા માલની આદત પડી જાય છે અને અંતે મોટાં ઉદ્યોગોને પણ પોતાની કોસ્ટિંગ કરતા ઓછા ભાવે વેચવું પડે છે. એક એવી સ્થિતિ ઊભી થાય છે જ્યાં કોઈને નફો મળતો નથી અને બધાને નુકસાન થાય છે.


આ આગના ખતરાના સંકેતો મોટાં ઉદ્યોગો માટે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. મોટા ઉદ્યોગોએ ભારે લોન લીધી હોય છે. ભાવ ઘટવાથી આવક ઘટે છે અને EMI ભરવી મુશ્કેલ બને છે. ઉત્પાદન ક્ષમતા મુજબ પ્રોડક્શન ન કરી શકવાથી પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડે છે. નિકાસ બજારમાં સસ્તા ભાવને કારણે ગુણવત્તા પર શંકા ઊભી થાય છે અને “મોરબી” નામની બ્રાન્ડ ઇમેજને ઠેસ પહોંચે છે. માર્કેટમાં એકવાર ભાવ નીચે આવી જાય પછી તેને પાછો ઊંચો લાવવો અતિ મુશ્કેલ બની જાય છે અને સૌથી ખતરનાક વાત એ છે કે સ્પર્ધા બહારથી નહીં પણ અંદરથી મોટાં ઉદ્યોગો વચ્ચે જ શરૂ થાય છે.


આ આખા ખેલમાં સાચો લાભ ફક્ત વેપારીઓને થાય છે. ઉદ્યોગપતિ જમીન ખરીદે છે, ફેક્ટરી બાંધે છે, ગેસ અને વીજળીના બિલ ભરે છે, લોન લે છે અને ખોટ સહન કરે છે — જ્યારે વેપારી ફક્ત સસ્તામાં માલ ખરીદે છે, માર્કેટમાં વધુ ભાવે વેચે છે અને એક પણ જોખમ લીધા વગર નફો કમાય છે એટલે ઉદ્યોગની કમર તોડી નાખીને માર્કેટના નિયમો વેપારીઓ નક્કી કરે છે, ઉદ્યોગપતિ નહીં.


આ સ્થિતિમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો ઉદ્યોગપતિઓની એકતા અને સંયુક્ત ભાવ નીતિ છે. ઉત્પાદન ખર્ચથી ઓછા ભાવમાં કોઈ પણ માલ વેચે નહીં — એ ઉદ્યોગની સર્વસંમતિ થવી જ જોઈએ. ભાવમાં નહીં પરંતુ ગુણવત્તામાં સ્પર્ધા થવી જોઈએ. ગ્રાહકોને સમજાવવું પડશે કે ગુણવત્તા માટે પ્રીમિયમ ચૂકવવું ન્યાયસંગત છે. “મોરબી” નામની બ્રાન્ડને મજબૂત બનાવવી પડશે અને વેપારીઓ પરનો આધાર ઘટાડી ડાયરેક્ટ માર્કેટિંગ તરફ ઉદ્યોગોને આગળ વધવું પડશે. ફાઇનાન્સિયલ ડિસીપ્લિન જાળવવી અને ક્રેડિટ સિસ્ટમને નિયંત્રિત કરવી પણ આવશ્યક છે.


આ આગ ફક્ત પડોશીની નથી, આખા ગામની છે. આજે નાના ઉદ્યોગપતિનું ઘર સળગી રહ્યું છે, પરંતુ કાલે આ જ આગ મોટાં ઉદ્યોગકારોના ઘર સુધી પહોંચશે. જો ઉદ્યોગપતિઓએ આજ જ સમજણથી એકતા અને દૃઢતા દાખવીને નિર્ણય ન લીધો, તો એક પછી એક નાનાં ઉદ્યોગો ખતમ થશે, મોટાં ઉદ્યોગો પણ એ જ ખાઈમાં ખસશે, રોજગાર તૂટશે, નિકાસ ઘટશે અને મોરબીની પ્રતિષ્ઠા ખોવાશે.


ભાવની લડાઈ ક્યારેય જીતવી શક્ય નથી — કારણ કે ભાવનો અંત નથી. પરંતુ ગુણવત્તાની લડાઈ ક્યારેય હારવી પણ શક્ય નથી — કારણ કે ગુણવત્તા એ મૂલ્ય છે, તાત્કાલિક ફાયદો નહીં. હવે સમય આવી ગયો છે કે ઉદ્યોગપતિઓ વેપારીઓના હાથમાં માર્કેટની દોરી આપવાનું બંધ કરે અને પોતે જ માર્કેટના નિયમો નક્કી કરે.


એક ઉદ્યોગને બચાવવા માટે સૌ ઉદ્યોગપતિઓને એક થવું પડશે નહીં તો ભાવ નો ભડકો  બધું રાખ કરી નાખશે 


✍️ ઉત્તમ ત્રાસડીયા ૧૬.૧૦.૨૦૨૫

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!


💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ! 

============================

મોરબી — એક નાનું શહેર, પરંતુ એક વિશાળ ઉદ્યોગનું ધબકતું હૃદય છે. અહીંનું સિરામિક ઉદ્યોગ એશિયાના સૌથી મોટા ઉદ્યોગોમાંનું એક ગણાય છે. કરોડો રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન અને લાખો લોકોના રોજગાર સાથે મોરબીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં, પણ દુનિયાના અનેક ખૂણાઓમાં ગુંજતું આવ્યું છે. પરંતુ આજે આ ગૌરવમય ઉદ્યોગ એક એવા વળાંક પર ઊભો છે જ્યાં તેની સમૃદ્ધિ કરતાં એની નબળાઈ વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉદ્યોગના મૂળમાં ઘૂસી ગયેલું સૌથી મોટું અને ઘાતક પરિબળ છે “પ્રાઈઝ વોર”

આ લડાઈ કોઈ ટ્રેડર કે ગ્રાહક સાથે નથી, આ લડાઈ ઉદ્યોગકારો પોતે એકબીજાને સામે ઊભા થઈને લડી રહ્યા છે અને એ જ આ ઉદ્યોગના ધીમે ધીમે થતા પતનનું સૌથી મોટું કારણ છે.

આજથી માત્ર બે-ત્રણ વર્ષ પહેલાં ૨x૪ સ્ક્વેર ફૂટ (૬૦૦x૧૨૦૦ mm) સાઇઝની ટાઇલ્સ રૂ. ૨૮ થી ૩૫ સુધીના ભાવે વેચાતી હતી. એ જ સાઇઝની ટાઇલ્સ આજે ફક્ત રૂ. ૧૮ ના તળિયાના ભાવે વેચાઈ રહી છે. જે ટાઇલ્સ ક્યારેક ગુણવત્તાની સ્પર્ધાથી વેચાતી હતી, એ હવે ભાવની લડાઈમાં મૃતઃપાય થઈ રહી  છે. ગુણવત્તા ગૌણ બની ગઈ છે અને સૌથી મોટું હથિયાર બની ગયું છે “સસ્તો ભાવ” — અને આ હથિયાર ઉદ્યોગને બચાવવાનું નહીં પરંતુ તેને ખતમ કરવાની દિશામાં આગળ ધકેલી રહ્યું છે.

પ્રાઈઝ વોર શરૂઆતમાં એક સ્વાર્થભર્યું હથિયાર લાગે છે — કોઈ એક ફેક્ટરીએ ૨૮ રૂપિયાની ટાઇલ્સ ૨૭ માં મૂકી, પછી બીજી ફેક્ટરી ૨૬ માં, પછી ત્રીજી ૨૫ માં અને આજે ૧૮–૨૦ ના તળિયાના ભાવે મોટા ભાગની ફેક્ટરીઓ વેચાણ કરી રહી છે. કોઈને લાગે છે કે “થોડું ઓછું રાખીને માર્કેટ કબજે કરી લઈએ.” પરંતુ હકીકતમાં એ માર્કેટ કબજે કરવાનું નહીં, પણ આખો માર્કેટ ગુમાવવાનો રસ્તો છે. જે વસ્તુનો ઉત્પાદન ખર્ચ રૂ. ૧૮ થી ૧૮.૫ થાય છે, તે રૂ. ૧૮–૨૦ માં વેચવી એ નફો નથી — એ તો પોતાના ધંધાના અંતિમ દિવસો માટેનું ગણગણતું ઘંટનાદ છે.

આ ભાવની લડાઈનું પહેલું અને સૌથી ગંભીર પરિણામ છે — સીધો આર્થિક ઝાટકો. ગેસ, કોલસો, મજૂરી, ટ્રાન્સપોર્ટ અને પેકિંગ જેવા ખર્ચાઓને લઈને ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો છે. માર્કેટમાં મળતો ભાવ એની સામે ઘટી રહ્યો છે. ઉદ્યોગપતિઓને નફો તો દૂર, ક્યારેક તો ખર્ચ પણ પૂરો કરવો મુશ્કેલ થઈ જાય છે. મોટાભાગના વ્યવહારો ૯૦ થી ૧૮૦ દિવસની ક્રેડિટ પર ચાલે છે. પૈસા માર્કેટમાં ફસાય છે. રોકાણ પર રિટર્ન મળતું નથી. અને લોન તથા EMIનો બોજો ઉદ્યોગકારને અંદરથી ચૂસી લે છે. આજે અમુકને તેની અસર છે, પણ કાલે એ અસર દરેકના દ્વાર ખટખટાવવાની છે.

ભાવની આ દોડે ગુણવત્તાને પણ કાપી નાખી છે. સસ્તામાં વેચાણ માટે ઉત્પાદનનો ખર્ચ ઓછો કરવા માટે કાચામાલની ક્વોલિટી ઘટાડવી પડે છે, ટેસ્ટિંગમાં છૂટછાટ થાય છે અને ડિઝાઇન તથા ફિનિશિંગ પરનો ફોકસ હટે છે. પરિણામે માર્કેટમાં નીચી ગુણવત્તાવાળો માલ ભરાઈ જાય છે. ગ્રાહકોનો વિશ્વાસ ખસી જાય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં મોરબીની પ્રતિષ્ઠા ડગમગી જાય છે. જે બ્રાન્ડે દાયકાઓથી વિશ્વાસ જીત્યો હતો, એ જ બ્રાન્ડ હવે સસ્તા અને નીચી ગુણવત્તાના પ્રતીક તરીકે ઓળખાવા લાગ્યો છે. વિશ્વ બજારમાં એકવાર ઈમેજ ખરાબ થઈ જાય પછી તેને પાછી મેળવવી કેટલી મુશ્કેલ છે, એ મોરબીના ઉદ્યોગકારો કદાચ આજે નથી સમજી રહ્યા — પણ કાલે આ જ હકીકત બધાને ઝંઝોડશે.

ભાવની લડાઈનો બીજો મોટો ઝટકો પડે છે મજૂરો અને રોજગાર પર. મોરબીના સિરામિક ઉદ્યોગમાં હજારો પરિવારો કામ કરે છે. આ ઉદ્યોગ ફક્ત માલ નહીં, પરંતુ હજારો ઘરોમાં રોટલો પૂરો પાડે છે. જ્યારે ફેક્ટરીમાં ઉત્પાદન ઘટે છે, ભાવ ઘટે છે અને નફો ન રહે ત્યારે મજૂરોની છટણી થવા લાગે છે. પગાર મોડો પડે છે અથવા મળતો જ નથી. રોજગાર અસ્થિર બને છે. ઉદ્યોગપતિ માટે જે તણાવ આર્થિક છે, એ મજૂર માટે અસ્તિત્વનો પ્રશ્ન બની જાય છે. જો ઉદ્યોગપતિને નફો જ ન રહે, તો મજૂરને રોજગાર ક્યાંથી મળશે?

આ લડાઈ ફક્ત સ્થાનિક માર્કેટ પૂરતી સીમિત નથી. મોરબીની ટાઇલ્સ વિશ્વના ૧૮૦ થી વધુ દેશોમાં નિકાસ થાય છે. જો વિદેશી ખરીદદારોને સતત નીચી ક્વોલિટી અને અનિશ્ચિત ભાવવાળી પ્રોડક્ટ મળશે તો તેઓ વિશ્વાસ ગુમાવી બેસશે. અન્ય દેશોના સ્પર્ધકો આ માર્કેટ કબજે કરશે. મોરબીના ઉત્પાદકોને આંતરિક માર્કેટમાં સપ્લાય વધવાના કારણે ભાવમાં વધુ પડતા દબાણનો સામનો કરવો પડશે. આ રીતે ધીમે ધીમે આખું ઈકોસિસ્ટમ તૂટી જશે.

આ રમતનો સૌથી મોટો વિજેતા ઉદ્યોગપતિ નહીં — વેપારી છે. વેપારીઓ અલગ અલગ ફેક્ટરીમાંથી સસ્તો માલ ખરીદી શકે છે, ઓછા ભાવે લે અને થોડા વધુ ભાવે વેચી નફો કમાઈ લે. તેમની પાસે કોઈ ઈન્વેસ્ટમેન્ટ નથી, કોઈ જોખમ નથી, અને ફેક્ટરીની જેમ લોન કે EMI પણ નથી. ફેક્ટરી માલ સસ્તામાં આપે અને વેપારી બે રૂપિયા ઉપર કમાઈ લે — આખી કમાણી એના ખિસ્સામાં જાય. જે ઉદ્યોગપતિએ કરોડોનું રોકાણ કર્યું છે તે ધંધામાં લોહી વહાવે છે અને જેનું કશું જ દાવ પર નથી લાગ્યું એ જલસા કરે છે — આ છે પ્રાઈઝ વોરની નગ્ન હકીકત.

જ્યારે ઉદ્યોગપતિ સતત ખોટમાં ધંધો ચલાવે છે ત્યારે બેંક અને ફાઇનાન્સર્સની સામેની તેની સ્થિતિ પણ નબળી પડે છે. EMI ભરવી મુશ્કેલ બને છે, વ્યાજનો બોજો વધે છે, અને એક પછી એક લોન ડિફોલ્ટ થાય છે. બેંકો આવા સેક્ટરને “રિસ્કી” ગણાવે છે અને નવા ફાઇનાન્સિંગના દરવાજા બંધ થાય છે. ઉદ્યોગ ધીમે ધીમે દબાણ હેઠળ તૂટી જાય છે.

જો આજની દિશામાં કોઈ ફેરફાર ન થાય, તો આવનારા ત્રણથી પાંચ વર્ષોમાં સ્થિતિ અત્યંત ગંભીર બની શકે છે. ૫૦ થી ૬૦ ટકા ફેક્ટરીઓ બંધ થવાની શક્યતા છે. હજારો મજૂરો બેરોજગાર થઈ શકે છે. મોરબીનું આંતરરાષ્ટ્રીય માર્કેટ ગુમાઈ શકે છે. નિકાસ ઘટી જશે, લોનના ડિફોલ્ટ વધશે અને નવી પેઢી ઉદ્યોગમાંથી દુર ભાગશે. જે ઉદ્યોગે દાયકાઓ સુધી મોરબીને ઓળખ આપી હતી એ જ ઉદ્યોગ એક ખંડેરમાં પરિવર્તિત થઈ શકે છે.

પણ હજુ સમય છે. જો ઉદ્યોગકારો ઈચ્છે તો આ દિશા બદલાઈ શકે છે. સૌથી પ્રથમ જરૂરી છે સંયુક્ત ન્યૂનતમ ભાવ નક્કી કરવો. ઉત્પાદન ખર્ચથી ઓછી કિંમતે વેચાણ બંધ કરવું. સ્પર્ધા ભાવમાં નહીં, ગુણવત્તા અને ઈનોવેશનમાં કરવી. “Made in Morbi” નામને ફરીથી વિશ્વાસનું પ્રતીક બનાવવું. ઉદ્યોગ સંસ્થાઓ અને એસોસિએશનને કડક નીતિ બનાવવી પડશે અને માર્કેટમાં શિસ્ત લાવવી પડશે. નિકાસ માટે સ્પષ્ટ નીતિ અને ઉત્પાદકો તથા નિકાસદારો વચ્ચે સ્પષ્ટ કરાર કરવા પડશે.

મોરબીનો ઉદ્યોગ માત્ર ઉદ્યોગ નથી — એ હજારો પરિવારોના સ્વપ્નો છે. એ પ્રદેશની સમૃદ્ધિનું સ્ત્રોત છે. જો આજે ઉદ્યોગપતિઓ ભાવની લડાઈ છોડીને ગુણવત્તા અને સંકલ્પની લડાઈ લડે તો આવતી પેઢીને ખંડેર નહીં પણ એક ગૌરવશાળી ઉદ્યોગ વારસામાં મળશે. જો આજની લડાઈ ભાવ માટે રહેશે તો આવતી કાલે લડવા માટે કશું જ નહીં રહે.

આ ઉદ્યોગને બચાવવાની લડાઈ કોઈ એક ફેક્ટરી કે એક ઉદ્યોગપતિની નથી — આ આખા મોરબીના ઉદ્યોગજગતની છે. એકતા, સંયમ અને સંકલ્પથી જ આ ઉદ્યોગને ફરી મજબૂત કરી શકાય છે.

દામમાં નહીં, ધંધામાં જીતો.
ક્વોલિટી સાથે લડો, પ્રાઈઝ સાથે નહીં.

આજનો નિર્ણય જ આવતી કાલનો ઈતિહાસ લખશે — ઈતિહાસ એ કહેશે કે “મોરબીનો ઉદ્યોગ ઉદ્યોગકારોની એકતાથી બચ્યો” કે “ઉદ્યોગકારોના વ્યક્તિગત સ્વાર્થ ખાતર સામૂહિક રીતે તૂટી ગયો” — એ હવે ઉદ્યોગકારોના હાથમાં છે.

✍️ ઉત્તમ ત્રાસડીયા ૧૬.૧૦.૨૦૨૫